બટેટા-પનીર કટલેટ

બટેટા અને પનીરની વાનગીમાં ઘણી વેરાયટી મળે છે. આ સ્વાદિષ્ટ વાનગી કોઈ ગમે તેટલી ખાય તો પણ ના ધરાય!  તો બનાવી લો બટેટા-પનીરની કટલેટ!

સામગ્રીઃ

  • 1 ઈંચ આદુનો ટુકડો
  • 2-3 કળી લસણ
  • 2 લીલાં મરચાં
  • 1 કાંદો ઝીણો સમારેલો
  • ½ કપ લીલાં વટાણા (બાફેલાં)
  • 1 ઝીણું સમારેલું સિમલા મરચું
  • 1 ગાજર ખમણેલું
  • 300 ગ્રામ પનીર ખમણેલું
  • 1 બાફેલો બટેટો
  • 2 ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  • ¼ ટી.સ્પૂન આમચૂર પાવડર
  • ½ ટી.સ્પૂન ચાટ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ, ચપટી હીંગ
  • 1 કપ ચણાનો લોટ
  • 2 કપ બ્રેડ ક્રમ્સ
  • કટલેટને શેલો ફ્રાઈ કરવા માટે તેલ

રીતઃ એક ફ્રાઈ પેનમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી એમાં ઝીણાં સમારેલાં આદુ- લસણ તેમજ લીલાં મરચાં સાંતળો. હવે કાંદો, બાફેલાં વટાણા, સિમલા મરચું તેમજ ગાજર ઉમેરીને 3-4 મિનિટ સુધી સાંતળો. ગેસ બંધ કરી દો.

એક બાઉલમાં ખમણેલું પનીર લો. એમાં બાફેલો બટેટો છૂંદીને ઉમેરી દો, સાથે સાંતળેલા વેજીટેબલ્સ ઉમેરો અને સુધારેલી કોથમીર, તેમજ ચાટ મસાલો અને આમચૂર પાવડર પણ મિક્સ કરી દો. એમાંથી કટલેટ માટે ચપટાં ગોળ ગોળા વાળો અથવા જોઈતો શેપ આપી દો.

એક નાના બાઉલમાં ચણાનો લોટ લો. એમાં સ્વાદ મુજબ મીઠું તેમજ પાણી ઉમેરીને ખીરૂં બનાવી લો.

એક નોન-સ્ટીક ફ્રાઈ પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકો. એક-એક કટલેટ લઈને ચણાના લોટના ખીરામાં પલાળો અને ત્યારબાદ એક ડીશમાં બ્રેડ ક્રમ્સ લઈ એમાં રગદોળો અને ફ્રાઈ પેનમાં ગોઠવો.  ગોલ્ડન બ્રાઉન શેકાય એટલે નીચે ઉતારી લો અને ટોમેટો કેચ-અપ સાથે પીરસો.