બાજરીના ચમચમિયા (પેન કેક)

બાજરીના ચમચમિયા શિયાળાની ઋતુમાં ખવાતી પૌષ્ટિક વાનગી છે. બાજરીનો ગુણધર્મ ઉષ્ણ છે. તેથી ઠંડી ઋતુમાં બાજરીની વાનગી ખાવી હિતકારક છે.

સામગ્રીઃ  

  • બાજરીનો લોટ 1 કપ
  • ધોઈને ઝીણી સમારેલી મેથીની ભાજી ½ કપ
  • ધોઈને ઝીણી સમારેલી કોથમીર ½ કપ
  • દહીં ½ કપ
  • અજમો ¼ ટી.સ્પૂન
  • તલ 1 ટે.સ્પૂન
  • ખાવાનો સોડા 2 ચપટી
  • ધોઈને ઝીણું સમારેલું લીલું લસણ ¼ કપ
  • મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • ચપટી હીંગ
  • હળદર પાવડર 1/8 ટી.સ્પૂન
  • આદુ પેસ્ટ 1 ટી.સ્પૂન
  • લસણ પેસ્ટ ¼ ટી.સ્પૂન
  • ઘી સાંતડવા માટે
  • તલ ભભરાવવા માટે 1 ટે.સ્પૂન

રીતઃ એક બાઉલમાં બાજરીનો લોટ તેમજ ઝીણી સમારેલી મેથીની ભાજી, કોથમીર, લીલું લસણ, મરચાં તેમજ બાકીની સામગ્રી ઉમેરી દો. હવે દહીં ઉમેરીને થોડું પાણી નાખીને ઘટ્ટ ખીરું બનાવી લો.

એક પેનને ગેસ પર ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય એટલે તેના પર ઘી ચોપડી દો અન 7-8 દાણા તલના ભભરાવીને એક ચમચા વડે ખીરુ પાથરો. એક પેનમાં નાના નાના 3-4 બાજરીના ચમચમીયા (પેન કેક) આવી જશે. આ પેન કેક થોડા જાડા રાખવા, તેની ઉપર ફરીથી 8-10 દાણા તલ ભભરાવો. હવે પેનને ઢાંકી દો. ગેસની આંચ મધ્યમ રાખીને 1 મિનિટ સુધી થવા દો. ત્યારબાદ ઢાંકણ ખોલીને જોઈ લો. જો ઉપરથી સૂકા ન થયા હોય તો ફરીથી ઢાંક્યા વિના ચઢવા દો. સૂકાઈ ગયા બાદ તેની ઉપર 1 ચમચી ઘી રેડીને ઉથલાવીને ફરીથી શેકાવા દો 2 મિનિટ બાદ તપાસી લો. ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે ચમચમીયા ઉતારી લો.

આ બાજરીની વાનગી તમે ચા સાથે અથવા ટમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો. પ્રવાસમાં પણ ખાવા માટે લઈ શકો છો.