મિક્સ વેજીટેબલ પરાઠા

સ્ટફિંગ ભરીને વણવાની કડાકૂટ વિના બની જાય છે આ સ્વાદિષ્ટ વેજીટેબલ પરાઠા!!!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 2 કપ
  • મિક્સ શાકભાજી (1 બટેટો , ગાજર 1, ફ્લાવરના ટુકડા ¾ કપ, ફણસી 8-10 નંગ, લીલા વટાણા ½ કપ, પાલક અથવા મેથીની ભાજી 1½ કપ)
  • કોથમીર ½ કપ
  • આદુ-મરચાં પેસ્ટ 2-3 ટે.સ્પૂન
  • લાલ મરચાં પાવડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ પાવડર 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • પરાઠા શેકવા માટે ઘી અથવા તેલ

રીતઃ મિક્સ શાક (ગાજર, ફ્લાવર, ફણસી)ને નાના ટુકડામાં સમારી લો. આ શાક તેમજ લીલા વટાણાને એક તપેલીમાં પાણી ઉકળવા મૂકી, તેની ઉપર ચાળણીમાં આ શાક મૂકીને તેને ઢાંકીને વરાળમાં બાફી લો. સ્ટીમર હોય તો તેમાં બાફી લેવા. (કૂકરમાં પાણી નાખી તેમાં એક ડબ્બામાં મૂકીને 2 સીટી પાડીને પણ બાફી શકો છો.)

પાલકને સારી રીતે ધોઈને, પાનમાંથી પાણી નિતારી લઈને તેને ઝીણી સમારી લેવી. કોથમીર પણ ધોઈને સમારી લેવી.

 

શાક બફાઈ જાય એટલે તેને ગરમા ગરમ જ એક બાઉલમાં લઈ અધકચરા મેશ કરી લો. ત્યારબાદ તેમાં સમારેલી પાલક તેમજ કોથમીર ઉમેરો. હવે તેમાં બધાં સૂકા મસાલા, આદુ-મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, હીંગ  તેમજ લોટ પણ મેળવી દો. પાણી ઉમેર્યા વગર લોટ બાંધી દો. લોટ બંધાઈ જાય એટલે તેમાંથી લૂવો લઈ હળવે હળવે ગોળ પરાઠા વણીને તરત જ પરાઠા શેકી લેવા. (લોટ રાખી મૂકવાથી તેમાંથી પાણી છૂટશે.) ગેસની આંચ મધ્યમ રાખવી.

આ ગરમા ગરમ પરાઠા દહીં અને લીલી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.