ખાંતોળી (મહારાષ્ટ્રીયન વાનગી)

ગણપતિ બાપ્પા પધાર્યાં છે. એમને નિત-નવાં નૈવેદ્ય ધરાવવાં કોને ના ગમે?  મહારાષ્ટ્ર પ્રાંતની પારંપરિક વાનગી ખાંતોળી, જે બાપ્પાને ખાસ નૈવેદ્યમાં ધરાવવામાં આવે છે. તો, જાણી લો ખાંતોળી બનાવવાની રીત! જે ફટાફટ બની જાય અને સહેલી પણ છે!

સામગ્રીઃ

  • 1 વાટકી રવો
  • ¼ વાટકી ઘી
  • ¼ વાટકી નાળિયેરનું પાતળું દૂધ
  • ¼ વાટકી નાળિયેરનું ઘટ્ટ દૂધ
  • ¾  વાટકી બારીક સુધારેલો ગોળ
  • 1 ટી.સ્પૂન એલચી પાવડર
  • ચપટી મીઠું,
  • 1 ટે.સ્પૂન ખમણેલું નાળિયેર (ટોપિંગ માટે)
  • હળદરના 2 પાન (હળદરના પાન શાક-ભાજીની માર્કેટમાં આ સિઝનમાં મળી રહેશે.)

રીતઃ એક કઢાઈ લો, એમાં ઘી ગરમ કરીને રવો શેકી લો. ત્યારબાદ નાળિયેરનું પાતળું દૂધ ઉમેરીને ગેસની ધીમી-મધ્યમ આંચે રવો સીઝવા દો. પાંચેક મિનિટ બાદ તેમાં નાળિયેરનું ઘટ્ટ દૂધ, સુધારેલો ગોળ, ચપટી મીઠું, એલચી પાવડર મિક્સ કરી લો અને હળદરનું પાન એમાં વચ્ચે મૂકીને કઢાઈ ઢાંકીને ધીમી આંચે થવા દો. થોડીવાર બાદ તપાસી જુઓ, રવો ચઢી ગયો હશે. તો ગેસ બંધ કરીને કઢાઈ ઉતારી લો.

 

એક થાળીમાં ઘી ચોપડીને આ મિશ્રણ એમાં રેડી દો. હળદરનું પાન એમાંથી કાઢી લો. એક ચપટા તળિયાની વાટકી વડે મિશ્રણને થાપીને એકસરખું પ્રસરાવી દો. ઉપર ખમણેલું નાળિયેર ભભરાવીને થાપી દો. મિશ્રણને ઠંડું થવા દો. ત્યારબાદ એના કટકા કરીને બીજાં હળદરના પાન ઉપર ગોઠવીને બાપ્પાને નૈવેદ્ય ધરાવો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]