ઈન્સ્ટન્ટ દૂધીનો હાંડવો

દૂધીના મૂઠીયા તો અવારનવાર બનાવી લઈએ છીએ. દૂધીનો નવી રીત પ્રમાણે ઈન્સ્ટન્ટ હાંડવો બનાવી જુઓ. જે સોફ્ટ અને ટેસ્ટી પણ બને છે!

સામગ્રીઃ

  • દૂધી 300 ગ્રામ
  • રવો 1 કપ
  • ચણાનો લોટ ¼ કપ
  • આદુ-લસણ પેસ્ટ 1 ટે.સ્પૂન
  • રાઈ 1 ટી.સ્પૂન
  • તલ 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાવડર ½ ટી.સ્પૂન
  • આમચૂર પાવડર ½ ટી.સ્પૂન (લીંબુનો રસ પણ લઈ શકાય છે.)
  • કળીપત્તાના પાન 7-8
  • દહીં ¼ કપ
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • ખાવાનો સોડા 2 ચપટી
  • અજમો ¼ ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ

રીતઃ દૂધીને છોલીને ધોઈને એક બાઉલમાં છીણી લેવી. ત્યારબાદ તેમાં રવો, ચણાનો લોટ, આદુ-લસણ પેસ્ટ, અજમો, મરચાં પાવડર, આમચૂર પાવડર, સ્વાદ મુજબ મીઠું તેમજ ગરમ મસાલો તેમજ કોથમીર ઉમેરી લો. બધી સામગ્રીને મિક્સ કરી લો અને 15 મિનિટ સુધી આ બાઉલ ઢાંકીને એકબાજુએ મૂકી દો.

મિશ્રણમાં રવો હોવાને કારણે 15 મિનિટ બાદ તેમાંનું પાણી સૂકાઈ ગયું હશે. તેથી હવે તેમાં દહીં સ્વાદ માટે ઉમેરી દો તેમજ 1 ટે.સ્પૂન તેલ ઉમેરીને મિક્સ કરી લો. હવે તેની ઉપર 2 ચપટી સોડા નાખીને તેની ઉપર 1 ચમચી પાણી નાખીને હલાવી લો. મિશ્રણ થોડું ઢીલું હોવું જોઈએ, પરંતુ ઢોકળાના ખીરા જેટલું નહી.

ઢોકળા બાફીએ તે રીતે વાસણમાં રીંગ તથા પાણી ઉમેરી દો અને ગેસ પર ગરમ થવા મૂકી દો. એક થાળીમાં તેલ ચોપળીને આ ખીરુ તેમાં પાથરી દો. આ થાળીને ઢોકળાના વાસણમાં રીંગ પર મૂકીને વાસણ ઢાંકી દો અને ગેસની મધ્યમ આંચે 15-20 મિનિટ સુધી બફાવા દો. ત્યારબાદ તેમાં ચપ્પૂ નાખીને તપાસી લો. જો ચપ્પૂમાં મિશ્રણ ચોંટ્યું ન હોય તો દૂધીનો હાંડવો તૈયાર છે.  હવે તેના ચોરસ પીસ કરી લો.

એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈનો વઘાર કરો. રાઈ તતડે એટલે તલ તેમજ કળીપત્તાના પાન વઘારીને તેમાં તરત જ હળવેથી હાંડવાના પીસ ગોઠવી દો. ગેસની મધ્યમ આંચે બંને બાજુએથી ગુલાબી શેલો ફ્રાઈ કરી લો. આ હાંડવો લીલી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે સારો લાગશે!