લીલા વટાણાનું અથાણું

શિયાળો જઈ રહ્યો છે. પરંતુ લીલા વટાણા હજુ મળી રહ્યાં છે. તો કેમ નહીં,  લીલા વટાણાનું અથાણું બનાવી લેવાય!

સામગ્રીઃ

 • લીલા વટાણા 2 કપ
 • રાઈનું તેલ 1 કપ
 • આખા ધાણા 1 ટે.સ્પૂન
 • વરિયાળી 1 ટે.સ્પૂન તથા બીજી ¼ ટી.સ્પૂન
 • રાઈના કુરિયા 2 ટે.સ્પૂન
 • જીરૂ 1 ટી.સ્પૂન
 • હળદર ½ ટી.સ્પૂન
 • મેથી દાણા 1 ટી.સ્પૂન તથા બીજા ¼ ટી.સ્પૂન
 • કાશ્મિરી લાલ મરચાં પાવડર 1 ટે.સ્પૂન
 • સૂકાં લાલ આખા મરચાં 6
 • અજમો ½ ટી.સ્પૂન
 • આમચૂર પાવડર 1 ટી.સ્પૂન
 • કાળાં મરી 1 ટી.સ્પૂન
 • સફેદ સરકો (વિનેગર) 2 ટે.સ્પૂન
 • કાળું મીઠું ½ ટી.સ્પૂન
 • મીઠું 1½ ટી.સ્પૂન
 • ખાંડ 1 ટે.સ્પૂન
 • હીંગ ¼ ટી.સ્પૂન
 • કલૌંજી ¼ ટી.સ્પૂન

રીતઃ એક મોટા વાસણમાં વટાણા ડૂબે એટલું પાણી લઈ તેને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં 1 ટે.સ્પૂન ખાંડ ઉમેરી દો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં વટાણા હળવેથી નાખીને ગેસની આંચ તેજ કરી લો. લગભગ 2 મિનિટ બાદ વટાણા પાણીની સપાટી પર આવવા લાગે એટલે ગેસ બંધ કરીને વાસણમાંથી વટાણા બહાર કાઢીને બીજા એક બાઉલમાં એકદમ ઠંડા પાણીમાં નાખી દો. થોડીવારમાં વટાણા ઠંડા થાય એટલે ચાળણીમાં કાઢીને પાણી નિતારી લો. હવે એક સુતરાઉ કાપડ પર વટાણા પાથરીને તેમાંનું પાણી સૂકાવા માટે તડકે સૂકવો અથવા ઘરમાં પંખા નીચે મૂકી દો.

મસાલો તૈયાર કરવા માટે એક પેનમાં આખા ધાણા, જીરૂ, વરિયાળી, અજમો, મેથી દાણા, કાળાં મરી, સૂકાં લાલ આખા મરચાંને તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી શેકી લો. આ મસાલા ઠંડા થાય એટલે તેને મિક્સીમાં અધકચરા પીસી લો.

એક કઢાઈ અથવા પેનમાં રાઈનું તેલ 1 કપ ગરમ કરવા મૂકો. તેમાંથી વરાળ નીકળે એટલે ગેસ બંધ કરીને તેમાં અનુક્રમે મેથી દાણા, કલૌંજી, વરિયાળી દરેક ¼ ટી.સ્પૂન ઉમેરીને તેલને ઠંડું થવા દો.

વટાણા સૂકાઈ જાય (એકદમ કોરા હોવા જોઈએ, ના હોય તો ટીશ્યૂ પેપર વડે પાણી લૂછી દેવું) એટલે તેમાં મીઠું, કાળું મીઠું, હળદર, કાશ્મિરી લાલ મરચાં પાવડર તથા હીંગ, આમચૂર પાવડર, રાઈના કુરિયા ઉમેરીને ઠંડું થયેલું તેલ પણ તેમાં ઉમેરી દો. હવે 2 ટે.સ્પૂન વિનેગર મેળવીને એક ચમચા વડે આ સામગ્રી મિક્સ કરી લો. આ અથાણું સરખું ઢાંકીને એક દિવસ માટે રહેવા દો. બીજે દિવસે તમે જોશો તેલ ઉપર આવી ગયું હશે.

કાચની અથવા ચિનાઈ માટીની બરણી સ્વચ્છ ધોઈને તડકે કોરી સૂકવીને આ અથાણું તેમાં ભરવું. ઢાંકણમાં એક કોટન કાપડ લગાડીને બરણી બંધ કરીને એક અઠવાડીયા સુધી તડકે મૂકવું. તડકો ઘરમાં ન આવતો હોય તો પણ એક અઠવાડીયા પછી જ ખાવામાં લેવું.

આ અથાણું એક થી બે વર્ષ સુધી સારું રહે છે.