લીલા લસણનું શાક

શિયાળાની કડકડતી ઠંડીમાં લીલા લસણનું શાક ખવાય છે. કેમ કે, લસણની પ્રકૃતિ ગરમ છે. જેથી શરીરમાં પણ ગરમાટો આવે છે. લીલું લસણ આ ઋતુમાં સહેલાઈથી મળી રહે છે.

સામગ્રીઃ  

 • ધોઈને ઝીણું સમારેલું લીલું લસણ 2 કપ
 • આદુ 1 ઈંચ લાંબા પીસમાં કટ કરેલું
 • સૂકું લસણ 6-7 કળી
 • ટમેટાં 4-5
 • કાંદો 1
 • લવિંગ 2-3 નંગ
 • તજનો ટુકડો ½ ઈંચ
 • તમાલ પત્રનું 1 પાન
 • ઘી 1 ટે.સ્પૂન
 • લીલી હળદરનો ટુકડો ½ ઈંચ
 • મરચાં પાવડર 1 ટી.સ્પૂન
 • ધાણાજીરૂ પાવડર 1 ટી.સ્પૂન
 • ગરમ મસાલો ½ ટી.સ્પૂન

રીતઃ મિક્સરમાં આદુ, લસણ અને કાંદો મોટા ટુકડામાં સમારીને નાખો અને બારીક પીસીને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તે જ વાસણમાં ટમેટા ચાર ટુકડામાં કટ કરીને મિક્સરમાં બારીક વાટી લો.

એક પેનને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં તેલ નાખીને ગરમ થાય એટલે લવિંગ, તજ તેમજ તમાલપત્ર નાખો. ત્યારબાદ કાંદા-લસણની પેસ્ટ નાખીને સમારેલું લીલું લસણ (1 ટે.સ્પૂન જેટલું એક વાટકીમાં કાઢી લેવું) મિક્સ કરીને ગેસની મધ્યમ તેજ આંચે સાંતડો. 5 મિનિટ બાદ લીલી હળદર છીણીને મિક્સ કરીને 2-3 મિનિટ સાંતડો. હવે એમાં ટમેટાની પેસ્ટ ઉમેરીને દસેક મિનિટ સુધી સાંતડો. શાકને 2-2 મિનિટે સાંતડતા રહેવું. દસ મિનિટ બાદ તેમાં સૂકા મસાલા નાખીને સાંતડો. હવે તેમાં 1 ટે.સ્પૂન ઘી ઉમેરી દો. થોડીવાર બાદ તેમાં વાટકીમાં કાઢી રાખેલું લીલું લસણ નાખીને 1 મિનિટ બાદ ગેસ બંધ કરીને શાક નીચે ઉતારી લેવું

આ શાક બાજરાના રોટલા સાથે સારું લાગે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]