ફરાળી પુરણપોળી

જન્માષ્ટમી આવી રહી છે. તો લાલાને ધરાવવા તેમજ ફરાળમાં ખાવા માટે ફરાળી પુરણપોળી બનાવી લો!

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 4-5 નંગ
  • બુરુ ખાંડ ૧૨૫ ગ્રામ
  • એલચી પાવડર 2 ટી.સ્પૂન
  • જાયફળ પાવડર ½ ટી.સ્પૂન
  • ખસખસ 2 ટી.સ્પૂન
  • રાજગરાનો લોટ 2 કપ
  • શિંગોડાનો લોટ 2 ટી.સ્પૂન
  • (ખમણેલા ડ્રાયફ્રુટ – optional)

રીતઃ ૧ ચમચી ઘી કડાઈમાં લઈ ગરમ કરી લેવું. તેમાં બાફેલા બટેટાનો માવો નાખવો.  બુરુ ખાંડ, એલચી પાવડર, જાયફળ પાવડર તેમજ ખસ ખસ નાખી મિશ્રણ ઘટ્ટ લોટ જેવું થાય ત્યાં સુધી હલાવવું. ત્યારબાદ ઠંડુ થવા દેવું.

રાજગરાના લોટમાં શિંગોડાનો લોટ ઉમેરો. 1 ટે.સ્પૂન તેલ તેમજ થોડું પાણી ઉમેરી લોટ બાંધવો. તેના 1-1 ઈંચ જેટલા લૂવા કરી લો. હવે એક લૂવો લઈ રાજગરાના લોટનું અટામણ લઈ નાની પુરી વણો. ત્યારબાદ તેની ઉપર 1 ચમચી પુરણ મૂકી પુરીને કચોરીની જેમ બંધ કરી લઈને હાથેથી થોડું દાબીને સહેજ વણી લો. આ પુરણ પોળીને નોન સ્ટીક તવા પર ગેસની આંચ મધ્યમ રાખીને, તવા પર ઘી નાખીને બંને બાજુએથી ગોલ્ડન રંગની શેકી લો. ગરમાગરમ ઉતરતી પુરણપોળી સર્વ કરો. (પુરણપોળીમાં ડ્રાય ફ્રુટ બારીક ખમણીને બટેટાના પુરણમાં મેળવી શકો છો.)