બારડોલીના પ્રખ્યાત ક્રિસ્પી પાતરા

આ ક્રિસ્પી પાતરાનું ફરસાણ બારડોલીની દેન છે. જે તળેલાં હોય છે, ખાવામાં ક્રિસ્પી મજેદાર લાગે છે! પાતરા બાફવાની કોઈ ઝંઝટ જ નથી!

સામગ્રીઃ

  • ચણાનો લોટ 2-3 કપ
  • ચોખાનો લોટ ½ કપ
  • અજમો ½ ટી.સ્પૂન
  • સફેદ તલ 1 ટી.સ્પૂન
  • હળદર પાવડર ¼ ટી.સ્પૂન
  • મરચાં પાવડર ½ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • ધાણાજીરુ પાવડર ½ ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • પાપડ ખાર ¼ ટી.સ્પૂન અથવા (બેકીંગ સોડા)
  • આમલીનો પલ્પ 3 ટે.સ્પૂન (અથવા લીંબુનો રસ 3 ટે.સ્પૂન)
  • ગોળ 2-3 ટે.સ્પૂન
  • તેલ પાતરા તળવા માટે
  • અળવીના પાન 10-12

પાતરાનો મસાલોઃ

  • આખા ધાણા 1 ટી.સ્પૂન
  • વરિયાળી 1 ટી.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • લસણ 5-6 કળી (optional)
  • લીલા મરચાં 3
  • લવિંગ 2
  • કાળાં મરી 5-6
  • તજનો ટુકડો અડધો ઈંચ

રીતઃ

અળવીના પાન તૂટે નહીં એ રીતે ધોઈને પાણી નિતારવા મૂકી દો.

પાતરાનો મસાલોઃ ધાણા, વરિયાળી, જીરૂ, લવિંગ, કાળાં મરી, તજનો ટુકડો એક નાના પેન અથવા વઘારિયામાં 2 મિનિટ માટે શેકી લો. મસાલો થોડો ઠંડો થાય એટલે મિક્સીમાં મસાલો તેમજ આદુ, મરચાં, લસણ ઉમેરીને અધકચરો વાટી લો.

એક મોટા વાસણમાં ચણાનો લોટ, ચોખાનો લોટ લઈ તેમાં અજમો હાથેથી મસળીને નાખવો. ત્યારબાદ પાતરાનો મસાલો, 2 ટે.સ્પૂન લીંબુનો રસ અથવા આમલીનો પલ્પ, ગોળ ઝીણો ખમણેલો, હીંગ, હળદર, લાલ મરચાં પાવડર, 1 ટે.સ્પૂન તેલ તેમજ મીઠું સ્વાદ મુજબ મેળવી દો. આ ખીરું ઘટ્ટ બનવું જોઈએ. જેથી ½ કપ પાણી થોડું થોડું નાખતા જવું અને લોટ ચમચી વડે મિક્સ કરવો. ખીરું તૈયાર થાય એટલે બેકીંગ સોડા નાખી તેની ઉપર 1 ટે.સ્પૂન લીંબુનો રસ નાખી સોડા એક્ટિવેટ થાય એટલે હાથેથી મિશ્રણ ફેરવો. હવે મિશ્રણને ઢાંકીને 10મિનિટ માટે બાજુએ રાખી મૂકો.

પાતરાના પાનમાંથી એક પાન લઈ તેને ટેબલ પર ઉંધું મૂકી પાનની વચ્ચેની તેમજ ખૂણામાંની જાડી નસ ચપ્પૂ વડે કાઢી લો. આ જ રીતે બધાં પાન તૈયાર કરી લો.

હવે એક મોટું પાતરાનું પાન લઈ ટેબલ પર તેને ઉંધું મૂકી તેની પર લોટનું જાડું મિશ્રણ ચોપડી દો. ત્યારબાદ બીજું પાન થોડું નાનું લઈ તેને નીચેના પાનની ઉપર ઉંધી દિશામાં ઉલટું મૂકો અને તેની ઉપર પણ લોટ લગાડી દો. આ રીતે ચાર પાનને મિશ્રણ લગાડીને પાતરાને બંને સાઈડથી થોડું થોડું વાળી દો ત્યારબાદ તેનો રોલ કરીને બીડું વાળી લો. આ રીતે બીજા ત્રણ બીડાં પણ વાળી લો.

એક કઢાઈમાં તેલ લઈ ગેસ પર ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી લો.

પાતરાનું એક બીડું લઈ ચપ્પૂ વડે તેના કટકા કરી લો. આ પાતરાને તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી લો.