એગલેસ વેનિલા સ્વિસ રોલ

બાળકોને વેકેશન હોય અને એમને ખાવાની વાનગી દેખાવે આકર્ષક હોય તેવી આપો તો તેઓ બહુ ખુશ થઈ જાય છે. આ એગલેસ વેનિલા સ્વિસ રોલ પણ દેખાવે મોઢામાં પાણી લાવે તેવા તેમજ ખાવામાં પણ બહુ જ સ્વાદીષ્ટ બને છે.

પ્રવાહી સામગ્રીઃ

 • દૂધ 3/4 કપ
 • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
 • મીઠું 1 કપ
 • તેલ ¼ કપ
 • વેનિલા એસેન્સ ¼ ટી.સ્પૂન
 • સ્ટ્રોબેરી ક્રશ 1 કપ અથવા મિક્સ્ડ ફ્રુટ જામ (પાઈનેપલ ક્રશ પણ લઈ શકાય છે.)

સૂકી સામગ્રીઃ

 • મેંદો 3/4 કપ
 • દળેલી ખાંડ ½ કપ
 • બેકીંગ પાવડર ½ ટી.સ્પૂન
 • બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન
 • ચપટી મીઠું

રીતઃ એક બાઉલમાં દૂધ લઈ તેમાં લીંબુનો રસ મેળવીને ચમચી વડે હલાવીને 5 મિનિટ માટે એકબાજુએ રાખો.  પાંચ મિનિટ બાદ બીજા એક મોટા બાઉલમાં ¼ કપ તેલ લો. તેમાં લીંબુના રસવાળું દૂધ મેળવો તેમજ વેનિલા એસેન્સ ઉમેરીને 5 મિનિટ સુધી જેરણી વડે એકસરખું આ મિશ્રણને હલાવો. હવે તેમાં મેંદો, દળેલી ખાંડ, બેકીંગ પાવડર, બેકીંગ સોડા તેમજ ચપટી મીઠું ચાળીને નાખો. એક ચમચા વડે આ મિશ્રણને હલાવતા રહો, જયાં સુધી તે એકરસ ન થાય. એક કેક ટીનમાં બટર પેપર પાથરીને આ મિશ્રણ રેડી દો.

ઢાંકણવાળી એક કઢાઈ લો. તેમાં 1 કપ મીઠું પાથરી તેના પર સ્ટીલનું નાનું સ્ટેન્ડ મૂકીને તેને ઢાંકીને ગેસ પર 10 મિનિટ માટે પ્રિહીટ થવા માટે મૂકો. 10 મિનિટ બાદ કેક ટીનને કઢાઈમાં સ્ટેન્ડ પર મૂકીને કઢાઈ ઢાંકી દો. ગેસની ધીમી મધ્યમ આંચે કેક થવા દો. 20 મિનિટ બાદ કઢાઈમાં એક ટૂથપિક અથવા ચપ્પૂ વડે કેક ચેક કરી લો. જો ચપ્પૂ ચોખ્ખું બહાર આવે તો ગેસ બંધ કરીને કેક નીચે ઉતારી લો.

એક પ્લેટમાં બટર પેપર પાથરીને તેની ઉપર ટીન ઉંધું વાળીને કેક બહાર કાઢી લો. હવે કેક ઉપર સ્ટ્રોબેરી ક્રશ અથવા મિક્સ્ડ ફ્રુટ જામમાં થોડું પાણી મેળવીને લિક્વિડ બનાવી લો. એને કેકની થોડી કિનારી છોડીને આખા કેક ઉપર ચોપડી લો. ત્યારબાદ વ્હિપ્ડ ક્રીમ પણ તે જ રીતે કિનારી છોડીને કેકની મધ્યમાં ચોપડી લો. હવે કેકને તેની નીચેના બટર પેપર સાથે પકડીને રોલ કરતા જાવ અને છેલ્લે બન્ને સાઈડથી પેક કરીને 30 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દો.

30 મિનિટ બાદ એક પ્લેટમાં સ્ટ્રોબેરી ક્રશ લઈ તેને રોલની ફરતે લગાડો. ત્યારબાદ તેની ઉપર સૂકા નાળિયેરનું છીણ લગાડી લો. હવે ચપ્પૂ વડે રોલના ગોળ પીસ કરીને ખાવાના ઉપયોગમાં લો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]