ઢાબા સ્ટાઈલ પકોડા કઢી

કઢી કોઈપણ રીતે બનાવો એ સ્વાદિષ્ટ લાગે જ છે. પણ, ઢાબા સ્ટાઈલ પકોડા કઢી નામ લો તો? મોઢામાં પાણી આવી જાય છે નહીં? તો ચાલો બનાવીએ પકોડા કઢી!

સામગ્રીઃ

કઢી માટેઃ 6 ટે.સ્પૂન ચણાનો લોટ, 2 કપ દહીં, મીઠું સ્વાદ મુજબ, 1 ઈંચ આદુ (છૂંદેલું), 1 ટે.સ્પૂન ધાણાજીરૂં,  4-5 લીલાં મરચાં લાંબી ચીરમાં સુધારેલાં (Cooking Shooking પ્રમાણે 1 ટે.સ્પૂન લાલ મરચાં પાવડર)

વઘાર માટેઃ 2 ટે.સ્પૂન ઘી, 5-6 દાણાં કાળાં મરી, 2-3 આખી લવિંગ, ½ ઈંચ તજનો ટુકડો,  4-5 કળીપત્તાના પાન, 1  ટી.સ્પૂન રાઈ, 1  ટી.સ્પૂન મેથીના દાણા, 1  ટી.સ્પૂન જીરૂ, ¼ ટી.સ્પૂન હીંગ, 2-3 બોરિયા મરચાં (બોરિયા મરચાંને લીધે સ્વાદ ઘણો વધી જાય છે)

પકોડા માટેઃ 1 કપ લીલી મેથીની ભાજી (ધોઈને ઝીણી સમારેલી), 1 કાંદો ઝીણો સમારેલો,  1 ઈંચ આદુ ઝીણું સમારેલું, મીઠું સ્વાદ મુજબ, ¼ ટી.સ્પૂન હળદર પાવડર, 1 ટી.સ્પૂન કાશમીરી મરચું (optional), 2-3 લીલાં મરચાં ઝીણા સમારેલાં, ¼ ટી.સ્પૂન ખાવાનો સોડા, ½ કપ દહીં (દહીં ન હોય તો લીંબુ), 1 કપ ચણાનો જાડો લોટ

રીતઃ કઢી માટે આપેલી સામગ્રીમાંથી સૂકી સામગ્રી ભેગી કરી લો. ત્યારબાદ એમાં દહીં મેળવીને એમાં જરૂર મુજબ પાણી ઉમેરી દો. ગઠ્ઠાં ના બને એ રીતે જેરણીથી વલોવી લો. ગેસની આંચ ધીમી રાખીને કઢી ઉકળવા મૂકો. (લગભગ અડધો કલાક સુધી કઢી ઉકળે તો ટેસ્ટ સારો આવશે.)

હવે પકોડા માટે ખીરૂ તૈયાર કરો. એક બાઉલમાં પકોડા માટેની બધી સામગ્રી લઈ હાથેથી મિક્સ કરો. ખીરૂં ઘટ્ટ હોય તો થોડું પાણી ઉમેરો. પકોડા તળવા માટે તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને ગોલ્ડન પકોડા તળી લો.

કઢી તૈયાર થાય એટલે તળેલા પકોડા કઢીમાં નાખીને 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરી દો. બીજી બાજુએ વઘાર માટે આપેલી સામગ્રીમાંથી એક વઘારિયામાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે અનુક્રમે રાઈ, જીરૂ તથા મેથીનો વઘાર કરો. ત્યારબાદ લવિંગ, મરી તથા તજ ઉમેરીને હીંગ નાખો. હવે બોરિયા મરચાં તથા કળીપત્તાના પાન તતડાવીને વઘારને કઢીમાં મિક્સ કરી દો. કઢાઈ ઢાંકીને 10 મિનિટ સુધી રહેવા દઈને બાદમાં પકોડા કઢી પિરસો.