મકાઈના વડાં

આ વડાં ગરમાગરમ તો સારાં લાગે જ છે. અને પ્રવાસમાં સાથે લેવા હોય તો ઠંડાં પણ સારાં લાગે છે. આ વડાં 2 થી 3 દિવસ સુધી સારાં રહે છે.

સામગ્રીઃ 2 વાટકી મકાઈનો લોટ, 2 ટે.સ્પૂન ચણાનો લોટ, 2 કપ ઝીણી સમારેલી મેથીની ભાજી, 1 ટે.સ્પૂન આદુ-મરચાં-લસણની પેસ્ટ, 1 ટે.સ્પૂન તલ, 2 ટે.સ્પૂન દહીં, 1 ટે.સ્પૂન છીણેલો ગોળ, ½ ટી.સ્પૂન હળદર, 1 ટી.સ્પૂન મરચાં પાવડર, મોણ આપવા માટે 2-3 ટે.સ્પૂન તેલ તેમજ તળવા માટે તેલ

 

રીતઃ ઉપર આપેલી બધી સામગ્રી મિક્સ કરી દો. અને લોટ બાંધી દો. મેથીની ભાજી તેમજ દહીંને લીધે લોટ બાંધતી વખતે પાણી થોડું જ નાખવું. અને લોટ બહુ કડક કે નરમ નહીં પણ મધ્યમ બાંધી દો. લોટને અડધો કલાક માટે રહેવા દો.

અડધા કલાક બાદ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. લોટમાંથી લૂવો લઈ એને હાથમાં થેપીને જાડાં વડાં બનાવી લો. અને ગરમ તેલમાં તળી લો. ગરમા ગરમ વડાં ચા સાથે પીરસો. અથવા દહીં કે લીલી ચટણી સાથે પીરસો.