કોપરાની બરફી (કોકોનટ બરફી)

દિવાળીમાં મોહનથાળ તો બનાવી જ લઈએ છીએ. પણ, બીજી એક એવી મિઠાઈ છે, જે જલ્દી બની જાય છે અને ડીશની વેરાયટીમાં ઉમેરો પણ થાય. તો ચાલો બનાવીએ નાળિયેરના કોપરાની બરફી…જે મોઢામાં મૂકતાં જ મહેમાન બોલી ઉઠશે.. વાહ શું સ્વાદ છે!’

સામગ્રીઃ

  • 3 કપ તાજું ખમણેલું કોપરું
  • 100 ગ્રામ માવો
  • 400 ગ્રામ દૂધ
  • ½ કપ ખાંડ
  • 1 ચમચી એલચી પાવડર
  • 5 ટી.સ્પૂન ઘી
  • 5-6 બદામની કાતરી

રીતઃ એક મોટી કઢાઈમાં નાળિયેરનું તાજું કોપરું, દૂધ તેમજ ખાંડ મિક્સ કરી ગેસ ઉપર ગરમ કરવા મૂકો. અને સતત હલાવતાં રહો, જ્યાં સુધી દૂધનું પ્રમાણ અડધું ન થાય. હવે એમાં માવો મિક્સીમાં ક્રશ કરીને ઉમેરો. 5-10 મિનિટ સુધી મિશ્રણને હલાવો અને ત્યારબાદ ઘી ઉમેરો. ઘી ઉમેરીને ફરીથી સાંતડો. જેવું ઘી છૂટ્ટું પડવા માંડે એટલે એમાં એલચી પાવડર ઉમેરીને ગેસ બંધ કરી દો.

ઘી ચોપડેલી એક થાળીમાં આ મિશ્રણ પાથરી દો. અને ઉપર બદામની કાતરી ભભરાવીને દબાવી દો. મિશ્રણ ઠંડું થાય એટલે ચોરસ ટુકડામાં પીસ કટ કરી લો. અને ડબ્બામાં ભરી લો.

આ બરફી ફ્રિજમાં 7-8 દિવસ સુધી સારી રહે છે. અને ફ્રિજની બહાર 2-3 દિવસ સુધી સારી રહે છે.