ચુરમાના લાડુ

ગણેશ ચતુર્થીમાં ગણપતિ બાપાની પધરામણી થઈ છે. તો ગણપતિ બાપાના સ્વાગત માટે બનાવો ચુરમાના લાડુ!

સામગ્રીઃ 250 ગ્રામ ઘઉંનો જાડો લોટ, 200 ગ્રામ ગોળ, 50 ગ્રામ બુરૂ ખાંડ (દળેલી ખાંડ), મુઠીયામાં મોણ માટે તેમજ લાડુ વાળવા માટે ઘી, 1 ટી.સ્પૂન એલચી પાવડર, 1 ટી.સ્પૂન જાયફળ પાવડર, 1 કપ ખસખસ, મુઠીયા તળવા માટે ઘી

રીતઃ મોણ માટેનું 4 ટે.સ્પૂન ઘી ગરમ કરી ઘઉંના લોટમાં મિક્સ કરો અને થોડું હુંફાળું પાણી ઉમેરી લોટને મિક્સ કરો. જો લોટ મુઠ્ઠીમાં વાળતા મુઠીયાની જેમ વળે તો એના મુઠીયા વાળી લો. અને મુઠીયું તૂટી જતું હોય તો થોડું પાણી ફરીથી ઉમેરો. અને લોટના મુઠીયા વાળી લો. બીજી બાજુ કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો.

 

લોટમાંથી મુઠીયા વાળી લીધા બાદ એને ગરમ ઘીમાં તળી લો. મુઠીયા નાખતી વખતે ગેસની આંચ તેજ રાખો. અને મુઠીયા તેલમાં ઉપર તરવા લાગે એટલે ગેસની આંચ મધ્યમ ધીમી કરી દો. મુઠીયા સોનેરી રંગના તળી લો.

મુઠીયા ઠંડા થાય એટલે ખાંડણી દસ્તાથી એનો ભૂકો કરી લો. અને મિક્સરમાં બારીક પીસીને ચાળણીમાં ચાળી લો.

લાડુ વાળવા માટે ઘી ગરમ કરી ચાળેલા લોટમાં ઉમેરો. સાથે એલચી-જાયફળ પાવડર તેમજ બુરૂ ખાંડ અને ઝીણો સમારેલો ગોળ ઉમેરી દો. અને લાડુ વાળી દો. એક થાળીમાં ખસખસ પાથરીને એમાં દરેક લાડુ રગદોળીને ડબામાં ભરી લો.