ચણાના લોટના રોલ

દિવાળી આવી રહી છે. દિવાળીમાં આ વખતે ચણાના લોટની નવી મીઠાઈ બનાવી જુઓ, જે જલ્દી બની જશે અને સામગ્રી પણ હાથવગી રહેશે!

સામગ્રીઃ 

  • ચણાનો લોટ 1 કપ
  • ઘી 3-4 ટે.સ્પૂન
  • સાકર ½ કપ
  • નાળિયેરનું ખમણ 2 ટે.સ્પૂન
  • એલચી પાવડર ½ ટી.સ્પૂન

રીતઃ એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકો. કઢાઈ ગરમ થયા બાદ ગેસની આંચ ધીમી કરી દો અને ચણાનો લોટ તેમાં નાખીને શેકો. 5-7 મિનિટ બાદ તેમાં 3-4 ટે.સ્પૂન ઘી નાખીને ધીમી આંચે 10 મિનિટ માટે ફરી શેકો. લોટનો રંગ હલકો ગુલાબી થાય એટલે ગેસ બંધ કરીને કઢાઈને એકબાજુએ મૂકી દો.

બીજી એક કઢાઈ અથવા વાસણ ચાસણી બનાવવા માટે લો. ગેસ પર વાસણ મૂકીને તેમાં સાકર નાખીને તેમાં ½ કપ પાણી રેડીને તેજ આંચ પર ચાસણી થવા દો. સાકર ઓગળી જાય એટલે ગેસની આંચ મધ્યમ કરી દો. ફરીથી 5-7 મિનિટ માટે થવા દો. ચાસણી ઘટ્ટ થવા આવે એટલે તેમાંથી ચમચી વડે એક ટીપું એક ડીશમાં પાડીને આંગળી અને અંગૂઠાની વચ્ચે લઈને તપાસો. જો ચાસણીમાંથી એક તાર નીકળે તો ચાસણી થઈ ગઈ છે. ગેસ બંધ કરી દો અને ચાસણીને શેકેલા ચણાના લોટમાં બરાબર હલાવીને મેળવી લો. ત્યારબાદ તેમાં નાળિયેરનું ખમણ તથા એલચી પાવડર પણ મેળવી લો.

હવે ગેસની ધીમી આંચે આ કઢાઈ મૂકીને મિશ્રણને એકસરખું હલાવતા રહો. મિશ્રણ થોડું ઘટ્ટ થવા માંડે કઢાઈ છોડવા માંડે એવું લીસું થાય (બહુ ઘટ્ટ ના કરવું) એટલે ગેસ બંધ કરી દો અને મિશ્રણને હજુ હલાવો કેમ કે, કઢાઈ ગરમ હોવાથી મિશ્રણ હજુ ઘટ્ટ થશે.

મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ તેમાંથી લૂવા લઈને એના લંબગોળ રોલ વાળી દો. એક પ્લેટમાં બધા રોલ ગોઠવીને 15-20 મિનિટ માટે રેફ્રીજરેટરમાં ઠંડું થવા દો. 20 મિનિટ બાદ રોલ ફ્રીજમાંથી બહાર કાઢીને સર્વ કરો. તમે આ રોલ પર ચાંદીનું વરખ લગાડી શકો છો અથવા ડ્રાય ફ્રુટથી સજાવી શકો છો.