ચણાનો લોટ અને બટેટાની વડી

આ નાસ્તાનો ટેસ્ટ કંઈક અનોખો છે. આ વડી (cubes)ને તમે શેલો-ફ્રાઈ પણ કરી શકો છો. ચાહો તો ડીપ-ફ્રાઈ પણ કરી શકો છો. આ વડી ક્રિસ્પી પણ બને છે.

ક્રિસ્પી પોટેટો વડી

સામગ્રીઃ

  • 100 ગ્રામ ચણાનો લોટ
  • ¼ ટી.સ્પૂન લાલ મરચાં પાવડર
  • ¼ ટી.સ્પૂન હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ટી.સ્પૂન જીરૂં
  • ½ ટી.સ્પૂન અજમો
  • ચપટી હીંગ
  • 4 કપ પાણી
  • વઘાર માટે તેમજ તળવા માટે તેલ
  • બે બટેટા બાફેલા
  • ½ કપ કોથમીર ઝીણી સમારેલી

રીતઃ એક બાઉલમાં ચણાનો લોટ તેમજ જીરૂં, અજમો તેમજ બાકીનો મસાલો ઉમેરીને 4 કપ પાણીમાંથી થોડું થોડું પાણી ઉમેરો. અને ગાંગડા ના થાય એ રીતે પાતળું ખીરૂં બનાવો.

હવે એક નોન-સ્ટીક કઢાઈમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરો. એમાં ચપટી હીંગનો વઘાર કરીને આ ખીરૂં રેડી દો અને ગેસની આંચ મધ્યમ કરી દો. પણ એક ચમચા વડે ખીરાને સતત હલાવતાં રહો. જેવું ખીરૂં ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લો.

તેલ ચોપડેલી થાળીમાં પુરણને થાપી દો

આ પુરણને હાથેથી બાંધી શકાય એવું ઠંડું થવા દો. ઠંડું થાય એટલે એમાં 2 બાફેલાં બટેટાને છીણીને ઉમેરી દો અને કોથમીર પણ મિક્સ કરી દો. એક તેલ ચોપડેલી થાળી લઈ એમાં પુરણને પાથરી દો.

વડીના ચોસલાને શેલો-ફ્રાઈ કરી લો

આ પુરણને ફ્રીઝરમાં 10 મિનિટ માટે ઠંડું થવા દો. ત્યારબાદ એના ચોસલા પાડી લો. અને ડીપ-ફ્રાઈ અથવા ગોલ્ડન બ્રાઉન શેલો-ફ્રાઈ કરી લો.

આ વડી ચટણી અથવા ટોમટો કેચ-અપ સાથે ખાઈ શકો છો.