કાચી કેરી અને ચણા-મેથીનું અથાણું

સામગ્રીઃ અથાણાં માટેઃ મોટી સાઈઝની 3 કાચી કેરી, 100 ગ્રામ કાળાં ચણા,  100 ગ્રામ મેથી દાણાં, 1 કપ આખું મીઠું, 1 ટે.સ્પૂન હળદર પાવડર, 1 લિટર રાઈનું તેલ

અથાણાં મસાલા માટેઃ 2 કપ રાઈના કુરિયા, 1 કપ મેથીના કુરિયા, 1 કપ રાઈનું તેલ, 1 કપ કાશ્મીરી મરચાં પાવડર, ½ કપ મીઠું, 2 ટી. સ્પૂન હીંગ, એક ચમચી હળદર પાવડર

રીતઃ અથાણાં મસાલાની રીતઃ રાઈ અને મેથીના કુરિયા વીણી લો. અને મિક્સીમાં નાખી મિક્સી એકવાર ફેરવીને અધકચરા ક્રશ કરી લો. બહુ બારીક ના થાય એની કાળજી લેવી.

હવે તેલ ગરમ કરીને કુરિયાની ઉપર રેડી દો અને હિંગ નાખીને ઢાંકી દો. આ મિશ્રણ એકદમ ઠંડું થાય પછી બાકી રહેલા મસાલા ઉમેરીને મિક્સ કરી લો. મસાલો તૈયાર છે.

અથાણાંની રીતઃ ચણાં અને મેથીને અલગ અલગ ધોઈને પાણીમાં 6-8 કલાક માટે પલાળી દો. હવે કાચી કેરીને ધોઈને, કોરી કરીને  ½ – 1 ઈંચના ચોરસ ટુકડામાં સુધારી લો. અને કેરીનાં ટુકડામાં હળદર અને આખું મીઠું નાખીને મિક્સ કરી દો. 3-4 કલાક બાદ એમાં મીઠું ઓગળી જાય અને કેરીમાંથી પાણી છૂટે એટલે એ પાણી એક અલગ વાસણમાં કાઢી લો. આ આથેલું પાણી સરખા ભાગે મેથી અને ચણામાં રેડી દો. પરંતુ એ પહેલાં મેથી અને ચણામાંથી સાદું પાણી નિતારીને કોરા કરી લો.

કેરીને એક કોટન કાપડ પર 4-5 કલાકમાં કોરી થાય એટલો સમય સૂકવો, પણ બહુ કડક ના થવા દેવી. તે જ રીતે મેથી અને ચણામાંથી કેરીનું આથેલું પાણી પણ 2-3 કલાક બાદ નિતારી લો. અને કોટન કાપડ પર કોરા થાય ત્યાં સુધી સૂકાવા દો.

એક મોટા વાસણમાં ચણા, મેથી અને કેરીને મિક્સ કરો. એમાં અથાણાંનો મસાલો ભેળવી દો અને ચોવીસ કલાક માટે રહેવા દો. બીજા દિવસે અથાણાં માટેનું તેલ એક કઢાઈમાં વરાળ નીકળે એટલું ગરમ કરો. ગેસ બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લો. તેલ એકદમ ઠંડું થાય ત્યાર બાદ કેરીમાં મિક્સ કરી દો. અને એક કોટન કાપડને વાસણ પર એક દોરી વડે બાંધીને વાસણ ઢાંકી દો. આ મિશ્રણ બે દિવસ રહેવા દો. દિવસમાં બે વાર મિશ્રણ હલાવી લેવું. બે દિવસ બાદ એક કાચની ધોઈને કોરી કરેલી એર ટાઈટ બરણીમાં અથાણું ભરીને બંધ કરી લો. દર આઠ દિવસે મિશ્રણને ચમચા વડે હલાવવું. તેલ અથવા મસાલો ઓછો લાગે તો ઉમેરી શકો છો.

એક મહિનામાં અથાણું રેડી થઈ જશે. આ અથાણું એક વર્ષ સુધી સારૂં રહે છે.