ચણાની દાળના વડાં

સામગ્રીઃ 1 કપ ચણાની દાળ, ½ ચમચી આદુ ઝીણું ખમણેલું, 3-4 લીલાં મરચાં ઝીણાં સમારેલાં, 2-3 કળી લસણ, 2 ચમચા ચોખાનો લોટ, અડધી ચમચી વરિયાળી (સ્વાદ પસંદ હોય તો), પા ચમચી અધકચરાં વાટેલાં કાળાં મરી, ઝીણી સમારેલી કોથમીર, 1 મોટો કાંદો ઝીણો સમારેલો અને (ફ્લાવર પસંદ હોય તો નાનાં ટુકડામાં સમારેલું ફ્લાવર ½ કપ નાંખી શકો છો.)

રીતઃ ચણાની દાળ 2-3 વાર પાણીથી ધોઈને 3-4 કલાક માટે પાણીમાં પલાળી રાખો. એક મુઠ્ઠી ચણાની દાળ બાજુએ રાખી દો અને બાકીની દાળમાં લસણ ઉમેરીને પાણી નાખ્યા વગર મિક્સરમાં કરકરું દળી લો. આ મિશ્રણમાં બાકી રાખેલી આખી દાળ તેમજ બાકીની સામગ્રી ઉમેરી દો. એક કડાઈમાં તેલ લઈ ગરમ કરવા મૂકો. અને એક બાઉલમાં પાણી લઈ રાખો. હવે હાથ પાણીવાળા કરી મિશ્રણમાંથી થોડું ખીરૂં લઈ ચપટો ગોળો વાળો અને ગરમ તેલમાં છોડો. આ જ રીતે બધાં ગોળા વાળીને તળી લો.