લસણિયા બટેટાના ભજીયા

સામગ્રીઃ નાની સાઈઝના બટેટા – 8-10 (દમ આલૂ તથા ઉંધિયામાં નાખીએ તે), લસણની પેસ્ટ-2-3 ચમચી, આદુ-મરચાંની પેસ્ટ – 1 ચમચી, લાલ મરચાં પાવડર – 2 ચમચી, લીંબુનો રસ – 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે,  ½ ચમચી તલ, તેલ તળવા માટે,

ખીરાં માટેઃ ચણાનો લોટ-2 કપ, ½ ચમચી અજમો, મીઠું સ્વાદ પ્રમાણે, ½ કપ કોથમીર ધોઈને ઝીણી સમારેલી, પાણી

રીતઃ બટેટા ધોઈને બાફીને ઠંડા થવા દો.

ભજીયા માટે ઉપર આપેલી સામગ્રી તેમજ પાણી નાખીને ચણાના લોટનું ખીરૂં બનાવી લેવું.

લસણની પેસ્ટ સાથે આદુ-મરચાંની પેસ્ટ, લાલ મરચાં પાવડર, લીંબુનો રસ, તલ તેમજ સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી લો (પેસ્ટ બહુ ઢીલી ના થવી જોઈએ, ઢીલી થાય તો એમાં લાલ મરચાં પાવડર ઉમેરી દો). હવે ઠંડા થયેલા બટેટાને છોલી લો. દરેક બટેટામાં ક્રોસમાં ઉભા બે ચીરા કરીને એમાં તૈયાર કરેલી પેસ્ટ વચ્ચે લગાડીને બટેટાને દાબી દો (રીંગણા ભરીએ તે રીતે). અથવા બટેટાને બે ભાગમાં કટ કરીને વચ્ચે સેન્ડવિચની જેમ પેસ્ટ ભરીને બંને ભાગ જોડી દો. આવી જ રીતે બધાં બટેટા તૈયાર કરીને ચણાના લોટના ખીરામાં બોળીને તેલમાં તળી લો.

રજાની સાંજે ચા સાથે આ નાસ્તો ખરેખર જામશે!