આલુ ટિક્કી ચાટ

સામગ્રીઃ  

  • 5-6 બટેટા બાફેલાં
  • કોર્નફ્લોર 50 ગ્રામ
  • પનીર 100 ગ્રામ
  • 2-3 લીલાં મરચાં ઝીણાં સુધારેલાં
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ઈંચ આદુ ખમણેલું
  • 2 ચમચી કિસમિસ
  • લાલ મરચાં પાવડર 1 ચમચી
  • ચાટ મસાલો 1 ચમચી
  • ઝીણી સમારેલી કોથમીર ½ કપ
  • કોથમીર ચટણી
  • મીઠી ખજૂરની ચટણી
  • દહીં
  • શેકેલા જીરાનો પાવડર
  • ચણાના લોટની ઝીણી સેવ

રીતઃ બાફેલાં બટેટાને છૂંદીને અથવા ખમણીને પલ્પ બનાવી લો. મીઠું સ્વાદાનુસાર મિક્સ કરી લો. આ મિશ્રણને બાજુએ રાખી મૂકો.

પનીરને બારીક ખમણી લો. એક ફ્રાઈ પેનમાં 1 ચમચી તેલ ગરમ કરી એમાં આદુ, મરચાં, કોથમીર 1 મિનિટ માટે સાંતળી લો. ત્યારબાદ એમાં પનીર, કિસમિસ તેમજ મીઠું  સ્વાદ પ્રમાણે નાખી મિક્સ કરી પેન નીચે ઉતારી લો.

તેલવાળો હાથ કરી બટેટાના મિશ્રણમાંથી થોડું મિશ્રણ લઈ એનો ચપટો ગોળો વાળી એમાં 1 ચમચી જેટલું પનીરનું મિશ્રણ ભરીને ગોળાને બંધ કરી દો. અને થોડા ચપટાં ગોળા વાળી દો.

નોનસ્ટીક ફ્રાઈ પેનમાં 3-4 ચમચાં તેલ રેડી ગરમ થાય એટલે આલૂ ટિક્કી કોર્નફ્લોરમાં રગદોળીને એમાં ગોઠવી દો. ગેસ મધ્યમ ધીમી આંચે રાખો. વચલી ટિક્કી ગોલ્ડન બ્રાઉન થાય એટલે એને ફ્રાઈ પેનના કિનારે ગોઠવી દો. આ જ રીતે બધી ટિક્કી શેકી લો. વચ્ચે વચ્ચે તવેથાથી બે થી ત્રણવાર ઉથલાવવી. ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમે આંચે થવા દો.

પીરસતી વખતે પ્લેટમાં ટિક્કી ગોઠવીને એના પર અનુક્રમે પહેલાં દહીં, પછી તીખી તેમજ મીઠી ચટણી રેડો. ત્યારબાદ એના પર મરચાંની ભૂકી તેમજ ચાટ મસાલો છાંટો તેમજ ચણાના લોટની સેવ અને ઝીણી સમારેલી કોથમીર ભભરાવો.