૨૦૧૭નું વર્ષ સમગ્ર દુનિયા માટે બીજા ક્રમનું સૌથી ગરમ વર્ષ

ભાઈ, ગરમી બહુ વધી ગઈ છે.

આ ગરમીથી તો તોબા.

બહુ ઉકળાટ છે.

પરસેવો છૂટી રહ્યો છે.

જાને દે જાને, થોડી હવા આને દે.

ના, આ ઉચ્ચારણો ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ તે સંદર્ભનાં નથી. આ ઉચ્ચારણો તો સમગ્ર વિશ્વ બોલી રહ્યું છે. એટલે ગરમી અમદાવાદમાં પડતી હોય તેટલી અમેરિકા- કેનેડામાં ન જ પડતી હોય તે સ્વાભાવિક છે, પરંતુ એકંદરે સમગ્ર પૃથ્વી ક્રમશ: આગના ગોળામાં પરિવર્તિત થતી જાય તેવી લાગણી થઈ રહી છે.જો ચોક્કસ વાત કરીએ તો ઈશુનું આ વર્ષ એટલે કે ૨૦૧૭ સમગ્ર પૃથ્વી માટે બીજા ક્રમનું સૌથી ગરમ વર્ષ રહ્યું. અને આ વાત કરે છે નેશનલ ઑશનિક એન્ડ ઍટ્મૉસ્ફિયરિક ઍડમિનિસ્ટ્રેશન! આ રેકોર્ડ અગાઉ ૧૮૮૦માં એટલે કે ૧૩૭ વર્ષ પૂર્વે સ્થપાયેલો છે.

જો મહિનાવાર વાત કરીએ તો સપ્ટેમ્બર ચોથા ક્રમનો સૌથી ગરમ સપ્ટેમ્બર રહ્યો અને તેમાં ઘણીબધી ઉથલપાથલ હવામાનની રીતે જોવા મળી. તેમાં ઇરમા નામનું વાવાઝોડું આવ્યું જે ૩૦ ઑગસ્ટથી શરૂ થઈ ૧૬ સપ્ટેમ્બર સુધી ચાલ્યું. તેમાં પવનની ગતિ ૧૮૦ એમપીએચ રહી. તો મારીયા નામનું વાવાઝોડું ૧૬ સપ્ટેમ્બરથી ચાલુ થયું હતું અને ૩ ઑક્ટોબર સુધી નબળું નહોતું પડ્યું. તેમાં પવનની ગતિ ૧૭૦ એમપીએચ રહી. ઇરમા વાવાઝોડું વર્ષ ૨૦૦૫ના વિલ્મા નામના વાવાઝોડા પછીનું સૌથી પ્રચંડ વાવાઝોડું સાબિત થયું. તો મારીયા નામનું વાવાઝોડું વર્ષ ૧૯૨૮ પછી પુએર્ટો રિકોમાં ત્રાટકેલું સૌથી ભયાનક વાવાઝોડું સાબિત થયું હતું.

ઇરમાથી બર્બુડા, સેન્ટ બાર્થેલેમી, સેન્ટ માર્ટીન, એન્ગ્યુઇલા અને વર્જિન ટાપુઓ પર ખૂબ જ નુકસાન થયું હતું. ૧૦ ઑક્ટોબર સુધીમાં પ્રાપ્ત માહિતી પ્રમાણે, આ વાવાઝોડાથી ૧૩૪ જણાનાં મૃત્યુ થયાં હતાં.

ઉત્તર અમેરિકામાં આઠમા ક્રમનો સૌથી ગરમ સપ્ટેમ્બર મહિનો રેકોર્ડ મુજબ રહ્યો છે. તટીય મિસિસીપી અને મધ્યપશ્ચિમમાં પણ તાપમાન વિક્રમજનક હદ સુધી તો પહોંચી જ ગયું હતું. અમેરિકાના મિશિગનમાં તો એકતરફ ગરમી અને બીજીતરફ દુષ્કાળ જેવી સ્થિતિથી હાલત કફોડી છે. પાક થયો નથી. ગાય સહિતના પ્રાણીઓ માટે પણ મુશ્કેલી છે. જોકે આ સ્થિતિમાં અમેરિકા જેવા દેશ માટે આનંદની વાત એ છે કે ગરમીના લીધે દારૂ સારો બને છે. ગરમ અને સૂકી સ્થિતિના લીધે સોયાબીન પણ સમય કરતાં પહેલાં પાકી જાય છે.

આફ્રિકામાં પણ ૧૯૧૦ પછી સૌથી ગરમ સપ્ટેમ્બર મહિનો રહ્યો હતો. રશિયાને બાકાત કરતાં એશિયાનો મોટોભાગ પણ સરેરાશ તાપમાન કરતાં ગરમ રહ્યો હતો. બહરીનમાં તો ૧૯૦૨ પછી સૌથી ગરમ સપ્ટેમ્બર જોવા મળ્યો હતો. ઑસ્ટ્રેલિયાના ઘણાખરાં હિસ્સામાં પણ સરેરાશ કરતાં વધુ તાપમાન હતું. ઑસ્ટ્રેલિયામાં ૨૨ સપ્ટેમ્બર સૌથી ગરમ દિવસ હોવાનું નોંધાયું હતું. ઑસ્ટ્રેલિયામાં વરસાદ પણ સૌથી ઓછો નોંધાયો છે. ગત સપ્ટેમ્બરમાં ૧૮૮૨ પછી સૌથી ઓછો વરસાદ ઑસ્ટ્રેલિયામાં પડ્યો હતો.

જોકે રાહતની વાત એ છે કે હજુ યુરોપ ઠંડા રહ્યું છે. એટલું જ નહીં તેમાં ઠંડીની રીતે વિક્રમ થયા છે. આયર્લેન્ડ અને ઑસ્ટ્રિયા વર્ષ ૨૦૦૯ અને વર્ષ ૨૦૦૭ પછી સૌથી ઠંડો સપ્ટેમ્બર નોંધાયો છે. રશિયામાં પણ સરેરાશ કરતાં ઘણું ઠંડું તાપમાન નોંધાયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]