પ્રદૂષણથી મોતઃ વૈશ્વિક યાદીમાં ભારત પાંચમા ક્રમે

ભારતમાં પ્રદૂષણની સમસ્યા નવી નથી. દુનિયાના બીજા અનેક દેશોની જેમ ભારતમાં પણ પ્રદૂષણનું પ્રમાણ ઘણું વધારે છે. વાસ્તવમાં એ ભયજનક રીતે વધી ગયું છે. વિશ્વમાં પ્રદૂષણને સમસ્યાને સંબંધિત થતા મૃત્યુની બાબતમાં વર્ષ ૨૦૧૫માં કરાયેલા એક સર્વેક્ષણના આધારે તૈયાર કરવામાં આવેલી એક યાદીમાં ભારત ટોપ-૧૦માં છે અને એનો નંબર પાંચમો આવ્યો છે.

વર્ષ ૨૦૧૫માં પ્રદૂષણને કારણે દુનિયાભરમાં કુલ આશરે ૯૦ લાખ લોકો માર્યા ગયા હતા.

યાદીમાં ટોચના ૧૦ દેશો સરેરાશ ઓછી કે મધ્યમ આવકવાળા છે. બાંગ્લાદેશ અને સોમાલિયા પહેલા બે નંબર પર છે.

વર્ષ ૨૦૧૫માં, બાંગ્લાદેશ અને સોમાલિયામાં પ્રદૂષણને કારણે થયેલા મરણોની ટકાવારી ૨૭ ટકા હતી.

ત્યારબાદના ક્રમે ચાડ (૨૫.૫ ટકા), નાઈજર (૨૪.૫ ટકા) અને ભારત (૨૪ ટકાથી વધુ) છે.

ભારતમાં વર્ષ ૨૦૧૫માં પ્રદૂષણને કારણે ૨૫ લાખ ૧૦ હજાર જણનાં મરણ નિપજ્યા હતા.

ટોપ-૧૦ દેશોની યાદીમાં ભારત પછીના નંબરોએ નેપાળ, સાઉથ સુદાન, ઈરીટ્રિયા, મેડાગાસ્પકર અને પાકિસ્તાન (૨૨ ટકા) આવે છે.

બ્રિટનમાં ટકાવારી ૮ ટકા અને અમેરિકામાં ૫.૮ ટકા છે.

પ્રદૂષણને લીધે ૯૦ લાખનાં મોત

વર્ષ ૨૦૧૫માં આશરે ૯૦ લાખ જણનાં મોત પ્રદૂષણ સંબંધિત કારણોને લીધે થયા હતા. જ્યારે સોડિયમના વધુપડતા પ્રમાણથી ૪૧ લાખ લોકો માર્યા ગયા હતા, મેદસ્વીપણાને લીધે ૪૦ લાખ, આલ્કોહોલના સેવનને કારણે ૨૩ લાખ, રોડ અકસ્માતોને કારણે ૧૪ લાખ, બાળક તથા માતાનાં કૂપોષણને લીધે ૧૪ લાખનાં મરણ નોંધાયા હતા.

વિશ્વસ્તરે વર્ષ ૨૦૧૫માં થયેલા પ્રત્યેક છ મૃત્યુમાં એકનું કારણ પ્રદૂષણ હોવાનું માલૂમ પડ્યું છે.

ભારતમાં પ્રદૂષણથી મરણ

ભારતમાં વર્ષ ૨૦૧૫માં પ્રદૂષણ સંબંધિત તકલીફોથી માર્યા ગયેલા ૨૫ લાખ ૧૦ હજાર જેટલા લોકોમાં હવાના પ્રદૂષણને કારણે થયેલા મરણનો આંકડો ૧૦ લાખ ૮૧ હજાર હતો, તો જળ-પ્રદૂષણથી ૬૪ હજાર, સ્થળ સંબંધિત પ્રદૂષણ ૧૭ હજાર મૃત્યુ પામ્યા હતા અને લેડ (સીસું)ને કારણે થયેલા પ્રદૂષણથી ૯૫ હજાર લોકોએ જાન ગુમાવ્યા હતા.

હવા અને જળ પ્રદૂષણને કારણે નોંધાયેલા મૃત્યુદરની દ્રષ્ટિએ ભારત આ યાદીમાં ટોચ પર રહ્યું છે.

દુનિયાભરમાં હવાનું પ્રદૂષણ સૌથી મોટું કિલર

વિશ્વસ્તરે નોંધાયેલા ૯૦ લાખ મૃત્યુમાંથી ૬૫ લાખ (એક-તૃતિયાંશ)ના મોત હવાનાં પ્રદૂષણને કારણે થયા હતા. હવાના પ્રદૂષણની ગણતરીમાં, ઘરની અંદર તેમજ ઘરની બહારના પ્રદૂષણને ધ્યાનમાં લેવામાં આવ્યું છે.

પ્રદૂષણને લીધે બિન-ચેપી રોગોને કારણે દુનિયાભરમાં વધુ મરણ નોંધાયા હતા.

કુલ જે ૯૦ લાખ મૃત્યુ નોંધાયા છે એમાંના ૯૨ ટકા મરણ ગરીબ દેશોમાં થયા હતા. આ દેસોમાં ઔદ્યોગિકીકરણ ઝડપથી વધી રહ્યું છે, પણ એની સાથે કડક પર્યાવરણીય રક્ષણ યોજનાઓનો અભાવ હોય છે. પ્રદૂષણની સાથે ગરીબી, નબળું આરોગ્ય અને સામાજિક અન્યાય જેવા પરિબળ પણ ગરીબ દેશોમાં ઉંચા મૃત્યુદર માટે જવાબદાર છે.

મુંબઈમાં હવાની ગુણવત્તા હવે થઈ ઘણી ખરાબ

હવાની ગુણવત્તાની દ્રષ્ટિએ મુંબઈનો રેકોર્ડ બગડ્યો છે. એનો નંબર હવે ‘ઘણી ખરાબ’ કેટેગરીમાં ગયો છે. મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 316 લેવલ છે. આ લેવલ સવારના સમયનું હતું અને દિવસ આગળ વધતાં એ લેવલ વધારે બગડતું જોવા મળ્યું છે. ગયા વર્ષના આંક કરતાં આ વર્ષે આ પ્રમાણ વધારે બગડ્યું છે.

તે છતાં દિલ્હીમાં આ લેવલ 500નું છે.

300-400નું જ્યાં લેવલ હોય ત્યાંના લોકોને હૃદય કે ફેફસાંનાં રોગો વધારે થવાની શક્યતા રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]