ગાંધીનગર– આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે બે રાજકીય મુખ્ય પક્ષો કરતાં અન્ય પક્ષો અને અપક્ષો કેટલીક બેઠકો ઉપર મહત્વનો ભાગ ભજવે તેવા નિર્દેશો મળી રહ્યાં છે. અગાઉની ચૂંટણીઓમાં કોઈ એક તાકાતવાર પક્ષ આર્થિક તાકાતથી સામેના પક્ષના ઉમેદવારને હરાવવાના સંપૂર્ણ પ્રયાસો કરતા હોય છે.
તાજેતરમાં ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોના ઉમેદવારોની પસંદગી જાહેર કરવામાં આવી તેમાં વરિષ્ઠોના પત્તાં કપાયાં છે. આવનારા દિવસોમાં આવા સિનિયર સભ્યો અપક્ષ કે અન્ય પક્ષનો સહારો લઇ પોતાની ઉમેદવારી નોંધાવે તેવી પુરેપુરી શક્યતાઓ દેખાય છે. તો ક્યાંક સિનિયર સભ્યો પોતાના પક્ષને વફાદાર રહેવા માંગે છે, પરંતુ જાહેરમાં આવ્યા વગર પક્ષના સત્તાવાર ઉમેદવારને હરાવવાનો પ્રયાસ જરૂર કરશે.
ચૂંટણીના રાજકારણમાં કોઈપણ ઉમેદવારના પ્રચારમાં નીકળી આ આપણા ઉમેદવાર છે તેમને મત આપજો કહેવું સરળ છે. પરંતુ આ ઉમેદવારને માટે ન આપશો તે કહેવું ખૂબ અઘરું છે. આમ આપણ એક અગત્યનો મુદ્દો છે. આ ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષોની બળવાખોર મોટી સંખ્યામાં છે ત્યારે NCP, JDU, BSP, APP વગેરે માન્ય પક્ષો આવા ઉમેદવારોને ધ્યાને લઇ તેમની પ્રતિભા કેવી છે અને પ્રજા માનસમાં કેવી રીતે તેનો ઉપયોગ કરવો તે બાબતને ધ્યાને લઇ પોતાના પક્ષની વિચારધારા પ્રમાણે તેને મનાવી માન્ય પક્ષની ટિકીટ આપી સત્તાવાર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવા પ્રયત્ન કરી રહ્યા છે. બીજી તરફ મુખ્ય રાજકીય પક્ષો પોતાના સિનિયર લોકો પક્ષથી નારાજ થઇ બીજા પક્ષમાં જાય કે અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી મેદાનમાં ઉતારે તેવું ઇચ્છતા નથી.
ભૂતકાળમાં રાજકીય પક્ષમાંથી નારાજ થઇ અપક્ષ કે અન્ય પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી છે ત્યારે ચોક્કસ આ ઉમેદવારોએ પોતાના મુખ્ય પક્ષને ઘણું મોટું નુકશાન પહોંચાડ્યું હોવાના અનુભવો થયા છે. આમ યોગ્ય કાર્યકરને કોઈપણ પક્ષ પોતાના પક્ષથી વિમુખ થવા દેવાની દિશામાં નથી હોતો. પરંતુ ક્યાંક જ્ઞાતિ આધારીત બાબતને ધ્યાને લેવા પડે છે. પરિણામે આ નારાજગીનું પ્રમાણ વધતું હોય છે.
વર્તમાન ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષો આ તમામ પાસાઓની કાળજી રાખી રહ્યા છે. આમ છતાં ક્યાંક નારાજગી નજર અંદાજ નથી કરી ત્યારે હવે રાજકીય પરિસ્થિતિ કેવી બનશે તે આવનાર દિવસો બતાવશે.