ઝઘડો મિતાલી રાજ-કોચ પોવારનો, નુકસાન ભારતીય ક્રિકેટનું…

0
3727

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે છાપાઓમાં જાહેરખબર આપી છે કે એને નવો કોચ જોઈએ છે. 20 મહિનામાં આ ચોથી વાર આવી જાહેરખબર છપાઈ છે. નવાઈની વાત એ છે કે આ જાહેરખબર એવા સમયે આપવામાં આવી છે જ્યારે ભારતીય ટીમ 2017માં 50-ઓવરોવાળી ફોર્મેટની વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી અને ટ્વેન્ટી-20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પહોંચી હતી.

તે છતાં ભારતીય મહિલા ટીમને કોચ માટે નવા વ્યક્તિની શોધ કરવી પડે એ વિચિત્ર લાગે છે.

સવાલ એ થાય છે કે તો શું હાલ જે કોચ છે તે રમેશ પોવાર કામના નથી?

કેપ્ટન હરમનપ્રીત કૌર અને કોચ રમેશ પોવાર

પોવાર કામના છે કે નહીં એ વાત વિવાદે એટલા માટે ચડી છે કે એમણે ટીમની સિનિયર-મોસ્ટ ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજ સાથે ઝઘડો વહોરી લીધો છે.

મિતાલી રાજ અને પોવાર વચ્ચેના શ્રેણીબદ્ધ ઈમેલ્સ મિડિયામાં લીક થઈ ગયા છે.

મિતાલી રાજ ભારતીય મહિલા ક્રિકેટની નિઃસંદેહપણે પહેલી સુપરસ્ટાર છે. એણે કારકિર્દીમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. એની 20 વર્ષની કારકિર્દી ભવ્ય અને અદ્દભુત રહી છે.

તે છતાં કારકિર્દીના આ તબક્કે અને 36 વર્ષની ઉંમરે મિતાલીને કોચ સાથે વિવાદમાં ફસાવું પડ્યું છે એ ટીમ અને ભારતીય મહિલા ક્રિકેટની કમનસીબી કહેવી પડે.

કેપ્ટન હરમનપ્રીત કૌર

મામલો છે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ ગયેલી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ વખતે મિતાલી રાજ સાથે કોચ દ્વારા કરવામાં આવેલા દુર્વ્યવહારનો જેને કારણે મિતાલી હતાશ થઈ ગઈ છે.

ભારતીય ટીમ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં સેમી ફાઈનલમાં તો પહોંચી હતી, પણ ફાઈનલમાં પહોંચી ન શકી. ફેવરિટ હોવા છતાં સેમી ફાઈનલ રાઉન્ડમાં એનો ઈંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. એ પરાજય માટે મિતાલી રાજની ગેરહાજરી જવાબદાર લેખાવાઈ છે. જોરદાર ફોર્મમાં હોવા છતાં ટીમ મેનેજમેન્ટ (કેપ્ટન હરમનપ્રીત કૌર અને કોચ પોવાર)એ મિતાલીને એ મેચમાંથી બાકાત રાખી હતી. ભારતીય ટીમ હારી ગઈ અને સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ.

એક મુદ્દો બેટિંગ ઓર્ડરને લગતો છે. મિતાલીને ઓપનિંગમાં રમવાનું વધારે ફાવતું, પણ વિનંતીને પગલે એ મિડલ-ઓર્ડરમાં રમવા તૈયાર થઈ હતી. તે છતાં કોચ પોવારના કથિત દુર્વ્યવહારથી મિતાલી કંટાળી ગઈ હતી.

મિતાલીએ ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ને મોકલેલા ઈમેલમાં ફરિયાદ કરી હતી કે વેસ્ટ ઈન્ડિઝના સમગ્ર પ્રવાસ દરમિયાન કોચ પોવારે એની અવગણના કરી હતી, પક્ષપાત કર્યો હતો અને એને કારણે પોતે અપમાનિત થઈ છે. મિતાલીએ બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી અને જનરલ મેનેજર સબા કરીમને ઈમેલ કરેલા પત્રમાં લખ્યું છે કે કોચ પોવારનું પોતાની સાથેનું વર્તન અજૂગતું હતું અને પોતાની કારકિર્દીને ખતમ કરવાનો અને પોતાને અપમાનિત કરતા રહેવાનો કોચ પ્રયાસ કરતા રહ્યા છે.

તો ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર પોવારે વળતો એવો આક્ષેપ કર્યો છે કે મિતાલી એને બ્લેકમેલ કરી રહી છે.

પોવારે ક્રિકેટ બોર્ડને મોકલેલા પોતાના અહેવાલમાં કથિતપણે એવું જણાવ્યું છે કે મિતાલીએ કોચને બ્લેકમેલ કરવાનું અને એની પર દબાણ લાવવાનું બંધ કરી દેવું જોઈએ. એણે ટીમના હિતને બદલે પોતાનો સ્વાર્થ જોવાનું બંધ કરવું જોઈએ. એ પોતાની અંગત સિદ્ધિઓ માટે જ રમી હતી. પાકિસ્તાન સામેની મેચમાં એને ઓપનિંગમાં રમવા દેવામાં આવી હતી, કારણ કે સિલેક્ટરો તરફથી એ માટે દબાણ કરવામાં આવ્યું હતું. મિતાલીએ એની ભૂમિકાની અવગણના કરી હતી અને પોતાની સિદ્ધિને માટે બેટિંગ કરી હતી. એને કારણે અન્ય બેટ્સમેનો પર દબાણ વધ્યું હતું. પાકિસ્તાન સામેની મેચ વખતે ટીમમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે એ માટે અમે મિતાલીને દાવનો આરંભ કરવા મોકલી હતી. એનું કારણ હતું ટ્રાવેલિંગ સિલેક્ટર તરફથી કરાયેલું દબાણ. મિતાલીએ એવી ધમકી આપી હતી કે જો એને ઓપનિંગમાં રમવા દેવામાં નહીં આવે તો એ નિવૃત્તિ જાહેર કરી દેશે અને સ્વદેશ પાછી જતી રહેશે.

સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર

મિતાલી રાજ ભારતની સૌથી વધુ વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમનાર ખેલાડી છે.

પોવારે એવો પણ આરોપ મૂક્યો છે કે મિતાલી ટીમમાં પોતાનું એક અલગ ગ્રુપ બનાવતી હતી અને તેઓ ટીમથી અલગ બેસતી હતી. એના જેવી લેજન્ડ ખેલાડીએ ટીમને બે ભાગમાં વહેંચી દીધી હતી.

દરમિયાન, મિતાલીને આંચકો લાગે એ રીતે, કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઈસ-કેપ્ટન-ઓપનર સ્મૃતિ મંધાનાએ કોચ પોવારની ફેવર કરી છે અને ક્રિકેટ બોર્ડને કહ્યું છે કે પોવારને કોચ તરીકે ચાલુ રાખવા જોઈએ. મિતાલીને સેમી ફાઈનલ મેચમાંથી પડતી મૂકવાનો નિર્ણય ટીમ મેનેજમેન્ટનો હતો.

કોચ તરીકે પોવારની મુદત 30 નવેમ્બરે પૂરી થઈ ગઈ છે, પોવારને 2021ની સાલ સુધી કોચ તરીકે ચાલુ રાખવા જોઈએ એવી હરમનપ્રીત કૌર અને સ્મૃતિએ બોર્ડને રજૂઆત કરી છે.

મિતાલીની સાથે એકતા બિશ્ટ અને માનસી જોશી છે. આ બંને ખેલાડીને પણ કોચ તરીકે પોવારને રીપીટ કરાય એની સામે વિરોધ છે.

આમ, હરીફ ટીમ સામેના મુકાબલાનો સામનો શરૂ કરતાં પહેલાં ક્રિકેટ બોર્ડે સૌથી પહેલાં ટીમની અંદર ઊભી થયેલી મુશ્કેલીનો અંત લાવવો પડશે. આ ઝઘડાને કારણે નુકસાન તો મોટું થઈ ચૂક્યું છે. મિતાલીની ગેરહાજરીને કારણે ભારત T20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં હારી ગયું અને સંભવિત રનર્સ-અપ ટ્રોફીથી વંચિત રહી ગયું.