‘ચિત્રલેખા’નાં સર્જક વજુ કોટકનું ૧૦૩મી જન્મજયંતીએ સંસ્મરણ; એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

ગાંધીજીનું પહેલું ભાષણ

(‘મોટા માણસની નાની વાતો’… વિભાગમાં વજુભાઈએ મહાત્મા ગાંધીજી વિશે લખેલો લેખ)

ગાંધીજી આફ્રિકાથી આવ્યા ત્યારે આપણી મહાસભામાં એમની કંઈ ગણત્રી જ ન હતી. એ વખતના રાજકારણના ધુરંધરો એમને બહુ મહત્વ આપતા નહીં અને આ એક વિચિત્ર ભેજાંનો સામાન્ય માણસ છે એમ સહુ માનતા. આફ્રિકાના પ્રશ્ન અંગે એમને થોડું મહત્વ આપવામાં આવતું હતું. પણ એ વખતે કોંગ્રેસમાં આ પ્રશ્ન કંઈ અગત્યનો ભાગ ભજવતો ન હતો. ગાંધીજીને ઘણા મિત્રો રાજકારણમાં ભાગ લેવાનું કહેતા હતા, પણ તે ના પાડતા કારણ કે એમને હિંદુસ્તાનની મુસાફરી કરવી હતી, વારંવાર એ કહેતા.

‘બે વર્ષ પછી હું રાજકારણમાં ઝુકાવીશ. એ દરમિયાન મારે મારા દેશનું દર્શન કરવું છે.’

ગાંધીજીના મગજની રચના જુદા જ પ્રકારની છે એ વાતની પહેલી ખબર બનારસ હિંદુ યુનિવર્સિટીના એક સમારંભ વખતે પડી. ગાંધીજીને ત્યાં જવાનું આમંત્રણ મળ્યું હતું. વાઈસરોય આવવાના હતા અને ઘણાં મહારાજાઓ હીરામોતીના કીંમતી દાગીના પહેરીને સભામંડળમાં ગંભીર મુખે બેઠા હતા. વાઈસરોય જે રસ્તે આવવાના હતા ત્યાં ચારેબાજુ પોલીસો ભરી બંધૂકે પહેરો ભરી રહ્યા હતા.

દબદબાભર્યો આખો સમારંભ હતો. ગાંધીજી એક ખૂણે બેઠા હતા. કોઈનું એમની તરફ ધ્યાન પણ ન હતું. એની બેસન્ટ વ્યાસપીઠ ઉપર ચમકતાં હતાં. કોઈએ વળી ગાંધીજી તરફ જોઈને એની બેસન્ટને પૂછ્યું,

‘પેલો માણસ કોણ છે?’

‘મિ. ગાંધી.’ ટૂંકો જવાબ મળ્યો.

‘પેલા આફ્રિકાવાળા? હિંદના રાજકારણમાં એ કંઈ સમજે છે?’

‘હા એ જ; રાજકારણની બાબતમાં હજુ એ બાળક છે.’ સ્મિત સાથે બેપરવાઈથી જવાબ મળ્યો.

શબ્દોના શણગાર અને અલંકારોથી વાતાવરણ ગાજતું હતું. દમામ, હા, દમામ; આ એક જ શબ્દ આ સમારંભ માટે બસ છે; ગાંધીજી સાંભળતા હતા; મંથન અનુભવતા હતા. એમને લાગતું હતું કે આ જાહેર જીવન ઉપર દંભનો ચળકતો રંગ લાગ્યો છે. એમને થયું કે વક્તાઓની જીભ ચાલે છે, પણ હૃદય જાહેર જીવન સાથે તાલ લેતું નથી. એ મનમાં સમજી ગયા કે પ્રજાના હૃદય સાથે હૃદયથી કોઈ વાત કરતું નથી. શ્રોતાજનોના કાન ઉપરથી શબ્દો પાછા ફરતા હતા એ તેમણે જોયું. રાજામહારાજાઓ એક બીજા સામે સ્મિતભરી દ્રષ્ટિ ફેંકીને, સ્ત્રીઓની જેમ એક બીજાના ઘરેણાંનું અવલોકન કરતા હતા.

અને કોઈએ ગાંધીજીને કંઈક બોલવાનું કહ્યું, સોનાથી ચળકતા વાતાવરણમાં સાદા પોશાકવાળો આ માનવી બોલવા ઊભો થયો. સહુ કોઈ જોઈ રહ્યા. એ બોલ્યા, ‘વાઈસરોયને પોલીસ પહેરા નીચે આવવું પડે એ ખરેખર શરમની વાત છે. આના કરતાં તો હું ગોળી ખાઈને મરી જવાનું પસંદ કરું છું. આ સાબિત કરી બતાવે છે કે અંગ્રેજ આ દેશમાં પ્રજાપ્રિય વ્યક્તિ નથી.’

જાણે ગોળીબાર થયો હોય એવી અસર વાઈસરોય ઉપર થઈ. આ શબ્દોએ શ્રોતાજનોના કાનના દરવાજા ખોલી નાખ્યા. રાજા-મહારાજાની આંખમાંથી તિરસ્કારના તીરો નીકળ્યા પણ ભવિષ્યનો આ યુગપુરુષ અને એ વખતનો સામાન્ય કંઈ મૂંઝાય એવો ન હતો. એક મહારાજાએ બીજાને કહ્યું, ‘આ માણસમાં સભ્યતાનો છાંટો ય નથી. આવું તે બોલાય?’

બીજો બોલ્યો, ‘મૂરખ છે મૂરખ.’

પણ એવામાં તો ગાંધીજીના અગ્નિભર્યા શબ્દો દેવના આ દીકરાઓ ઉપર આવ્યા અને તેઓ સળગી ઊઠ્યા; ગાંધીજી પણ બોલ્યા,

‘અને અહીં વ્યાસપીઠ ઉપર બેઠેલા આ મહારાજાઓ જાણે ઘરેણાંની હરીફાઈ કરવા બેઠા હોય એમ લાગે છે. એમના રાજ્યની પ્રજા જ્યારે અતિ કંગાળ છે ત્યારે એમને આવા હીરામાણેક પહેરવાં કેમ ગમે છે એ જ મને સમજાતું નથી. રાજાઓ જો આવી જ જિંદગી ગાળવા માગતા હોય તો પછી દેશને આ રાજાઓની શી જરૂર છે એ કોઈ કહેશો?’

ખળભળાટ મચી રહ્યો, પ્રમુખસ્થાને દરભંગાના મહારાજા બેઠા હતા તે ઊઠીને ચાલતા થયા અને સાથે સાથે બીજા રાજાઓ પણ ઊઠ્યા, વ્યાસપીઠ ખાલી થઈ ગઈ, શ્રોતાજનોએ હર્ષનો પોકાર કર્યો અને વક્‌તાને વધાવી લીધા. કોઈ બોલ્યું,

‘શાબાશ ગાંધી, શાબાશ!’

વ્યાસપીઠ ઉપર બેઠેલા એની બેસન્ટે કહ્યું, ‘મિ. ગાંધી, જરા સભ્યતા વાપરો.’

‘માફ કરજો; હું સભ્ય ભાષા જ વાપરી રહ્યો છું, પણ હું જે કહું છું તે સત્ય છે એટલે જરા કડવું લાગે છે.’

સભામંડપમાંથી પોકાર પડ્યો, ‘એમને અટકાવો નહીં; બોલવા દો. અમે સાંભળવા માગીએ છીએ.’

ગાંધીજીની વાણી સાંભળીને પ્રજા મુગ્ધ બની ગઈ; પ્રમુખ વિના સભાનું કામકાજ ચાલ્યું અને ગાંધીજી ઘણું બોલ્યા; આ એમનું દેશમાં પ્રથમ ભાષણ!

પ્રજાને ખાત્રી થઈ ગઈ કે એના હૃદયની ભાષા બોલનારો કોઈ અજબ માણસ આ દેશમાં આવી ચડ્યો છે. ભાષણ પછી લોકો એમને જોવા માટે ટોળે વળ્યા અને ગાંધીજીની આંખમાં દેશના કરોડો માણસો બેઠા છે એવું એમને લાગ્યું.