‘ચિત્રલેખા’નાં સર્જક વજુ કોટકનું ૧૦૩મી જન્મજયંતીએ સંસ્મરણ; એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

પ્રભાતનાં પુષ્પો

વજુભાઈ કોટક લિખિત ‘પ્રભાતનાં પુષ્પો’ એટલે ચિંતનાત્મક રત્નકણિકાઓનો સંગ્રહ… એમના આ સર્જને વાચકોની અપૂર્વ ચાહના પ્રાપ્ત કરી છે. એવું એક ‘પુષ્પ’ અહીં પ્રસ્તુત છેઃ

જીવનમાં ઘણું દુઃખ છે અને તમારી સાથે રસ્તો કાપનારું કોઈ નથી… એમ કહીને તમે યાત્રાની શરૂઆતમાં જ કપાળે હાથ દઈને ઊભા છો. પણ તમે એ ભૂલી જાઓ છો કે તમારી સામે જે તૈયાર માર્ગ છે એ માર્ગને બનાવનાર જ્યારે બહાર નીકળ્યો હતો ત્યારે તો એની સમક્ષ જંગલ જ હતું! તમને કોઈ પણ જાતની અડચણ ન આવે એ માટે તો તે ઘણાં દુઃખો સહન કરીને રસ્તો બાંધીને ચાલ્યો ગયો છે અને આજે એ તૈયાર માર્ગ પર આગળ વધતા તમે દુઃખ અનુભવો છો?

તરસ લાગે તો તમે હેરાન ન થાઓ એ હેતુથી તેણે કૂવો બાંધ્યો છે, પણ તમે કૂવાને કાંઠે ઊભા રહીને પોકાર પાડો છો કે અરેરે, કૂવો તો ઘણો જ ઊંડો છે, એમાંથી પાણી કાઢતાં તો શરીર તૂટી જાય એવું છે. પણ તમને એ કલ્પના નથી આવતી કે એટલો ઊંડો કૂવો ખોદનારને કેવું દુઃખ સહન કરવું પડ્યું હશે?

રસ્તો બરાબર દેખાય એ હેતુથી તેણે આકાશમાં સૂર્યનું ફાનસ ટાંગ્યું છે અને રાત્રે ચંદ્રનું કોડિયું મૂક્યું છે. આમ છતાં પણ તમે તો એવો કકળાટ કરો છો કે તમારી આસપાસ અંધકાર જ છવાયેલો છે. તમારો આવો સ્વભાવ જોતાં મને તો એમ જ લાગે છે કે જ્યારે ખુદ એમનું ઘર તમારી સામે આવીને ઊભું રહેશે ત્યારે તમે એમ જ કહેશો કે, ‘અરેરે, આવડા મોટા દરવાજા મારાથી ઊઘડશે કેમ?’

જ્યાં ત્યાંથી દુઃખ શોધી કાઢવાનો જેમનો સ્વભાવ છે એમને કદી સુખ કે મનની શાંતિ પ્રાપ્ત થતી નથી અને આવા લોકો સમક્ષ જો મંદિરના દરવાજા એની મેળે ઊઘડી જાય તો તેઓ એમ જ કહેશે કે, ‘અહીં તો પથ્થર સિવાય બીજું કંઈ છે જ નહીં.’