રાજકોટ– રાજકોટમાં રહેતા દીપાબેન કોટેચા અને જિતુલભાઇ કોટેચાનો ૨૭ વર્ષનો પુત્ર જય જન્મથી જ સેરેબ્રલ પાલ્સીનો ભોગ બન્યો હતો. સમય જતાં તેને થેલેસેમિયા મેજર હોવાનું પણ નિદાન થયું. આટલી કપરી પરિસ્થિતિમાં પણ જયના પરિવારજનોએ તેમને ખૂબ જહેમતથી સાચવ્યો છે અને તેને જરા પણ ઓછું ન આવે, તેમ તેનો ઉછેર કર્યો છે, એ વાતની સાબિતી આજે અજાણતાં જ મળી ગઇ છે.જયની મતદાન કરવાની ઇચ્છા બહુ જ સહજ રીતે તેના માતાપિતા ટાળી શક્યાં હોત, પરંતુ જિતુલભાઇ અને દીપાબેન તેમની માલિકીના ફોર વ્હીલ વાહનમાં જયની વ્હીલ ચેર લાવ્યાં, જયને મતદાનમથક સુધી દોરી લાવ્યાં અને મતદાનની તેની ઇચ્છા પુરી કરી. જય આ અગાઉ પણ ત્રણવાર મતદાન કરી ચુક્યો છે. ખરેખર જયે મત આપીને આપણને મત આપવો એ આપણો અધિકાર છે, અને મત અવશ્ય આપવો જોઈએ તેવો સંદેશ ભારતના નાગરિકોને આપી જાય છે.