મહિમા શુભ કામનાનાં મંગલ પ્રતીકોનો…

દીવો હોય કે સ્વસ્તિક, કંકુ હોય કે કળશ… સદીઓથી આવાં કંઈકેટલાંય પ્રતીક આપણી શ્રદ્ધા અને પરંપરા સાથે એકરસ થઈ ગયાં છે. મંદિર કે જિનાલયોમાં જ નહીં, પણ લગભગ દરેક ઘરમાં સુદ્ધાં આ પ્રતીકો આંગણું દીપાવે છે.

  • મહેશ શાહ (અમદાવાદ)

સાથિયા પુરાવો આજ, દીવડા પ્રગટાવો…

નવરાત્રિ દરમિયાન ક્યાંક ને ક્યાંક તો આ ગરબો આપણને સાંભળવા મળે જ.

એમાં સાથિયા અને દીવડા શબ્દનો ઉલ્લેખ છે. આ બન્ને પ્રચલિત મંગલ પ્રતીક છે. દિવાળી અને નૂતન વર્ષના શુભ પર્વમાં ઘરના પ્રવેશદ્વારે સંધ્યા ટાણે અને વહેલી સવારે દીવડા (દીવા, દીપ કે દીપક) પ્રગટાવેલા જોવા મળશે. બારણા પર લાલ કંકુથી સાથિયો (સ્વસ્તિક) દોર્યો હશે. અવનવી ભાતની રંગોળી અને બારણા પર લટકાવેલા કળાત્મક તોરણમાં પણ સાથિયો જોવા મળશે તો શ્રી શારદાજી (ચોપડા) પૂજન વખતે ચોપડામાં કંકુથી સ્વસ્તિક દોરીને સ્વસ્તિશ્રી લખવામાં આવશે.

આ બન્ને પ્રતીક આપણા જીવનના અનેક શુભ પ્રસંગ સાથે સંકળાયેલાં છે. હિંદુ શાસ્ત્રો મુજબ સ્વસ્તિક એ હકારાત્મક ઊર્જા આપતું મંગલ અને કલ્યાણકારી પ્રતીક છે તો દીવડો પ્રકાશ અને જ્ઞાનનું પ્રતીક છે. એ ઉપરાંત, કુંભ (કળશ), આસોપાલવ, તુલસી, શ્રીફળ, વગેરે પણ શુભ પ્રતીક છે. એ જ રીતે ધ્વજા, મધ, દહીં, ગોળ, અશ્ર્વ, હાથી, કમળ,
કંકુ, ચંદન, શેરડી, ધરોનું ઘાસ, કુમારિકા, પનિહારી, ઘંટનાદ તેમ જ અમુક ફળ, વાજિંત્ર અને કેટલાંક પક્ષીના ધ્વનિને પણ મંગલકારી કે શુકનિયાળ માનવામાં આવે છે.

મંગલ (મંગળ) એટલે પવિત્ર કે શુભ. મંગલ એટલે સંસારથી પાર ઉતારે, વિઘ્નનો નાશ થાય અને પ્રસન્નતા પ્રગટે એ. આપણે ત્યાં મંગલ કે શુભ ભાવોને ચિત્ર, આકૃતિ, પ્રતીક, પદાર્થ, દ્રવ્ય દ્વારા રજૂ કરવાની પ્રચલિત પરંપરા છે, જે આજે પણ ટકી રહી છે.

આપણાં શાસ્ત્રોમાં વિધાન છે કે દુષ્ટ-અશુભ તત્ત્વોને ખાળવા અને શુભત્વ પામવા અનેક લોકો જુદાં જુદાં શુભ પ્રતીકો ઉપયોગમાં લે છે. એમાં શ્રદ્ધા-આસ્થા દાખવે છે.

નવા ઘર-વેપાર-પ્રવૃત્તિસ્થાનનાં ખાતમુહૂર્ત-શિલાન્યાસવાસ્તુપૂજન, સગાઈ, લગ્ન, શિક્ષણ-નોકરી-વેપાર આરંભ, દીકરીને સાસરિયે વિદાય, વગેરે કાર્ય સરળ અને નિર્વિઘ્ને પાર પડે એ માટે શુભ મુહૂર્ત કે સારા ચોઘડિયામાં શ‚ કરવામાં આવે છે. ઘણા શુભ કે મંગલમાં ગલિક પ્રસંગે ઘરના દ્વાર પર આસોપાલવનું તોરણ બાંધવામાં આવે છે.
અમુક શુભ અવસરે દરેક વ્યક્તિના કપાળ પર કંકુનો ચાંલ્લો થાય છે.

અમદાવાદના જાણીતા આર્કિટેક્ટ અને વાસ્તુ નિષ્ણાત મયંક રાવલના મતે કપાળમાં કંકુ તિલક મનોબળ માટે ઉત્તમ છે. ચંદન તિલકથી મનની શાંતિ અને કેસર તિલકથી વેપારમાં સમૃદ્ધિ મળે છે.

ગુજરાતી લોકસાહિત્ય-સંગીત ઈત્યાદિ વિષયના સંશોધક અને જાણીતા લેખક ડૉ. હસુ યાજ્ઞિક કહે છે:

‘મંગલ પ્રતીકો સંસ્કૃતિનો વિકાસ સૂચવે છે. એમાંથી અનેક ચિહ્ન ધાર્મિક પ્રતીક તરીકે પ્રચલિત થયાં છે. ઘણાં મંગલ પ્રતીકો સાથે દંતકથા કે દૃષ્ટાંતો સંકળાયેલાં છે. પ્રતીકોનો સંબંધ સંજ્ઞા અને સૂત્ર સાથે પણ રહેલો છે. પ્રતીકો ભાવ અને અર્થ એમ બન્નેને સાંકળે છે.’

સાહિત્ય એકેડેમી એવૉર્ડ વિજેતા અને દોઢસોથી વધુ પુસ્તકના લેખક એવા હસુભાઈ યાજ્ઞિક કહે છે કે વિશ્ર્વની ઉત્પત્તિ ધ્વનિથી થઈ. ઓમ (ઓમકાર) ધ્વનિનું પ્રતીક છે. હિંદુ, જૈન, વગેરે ધર્મમાં ઓમનું ચિહ્ન તથા અનેક પ્રતીકો, દ્રવ્યો, વગેરેનો વ્યાપક ઉપયોગ થાય છે.

એમાં કંકુથી શ્રી સવા, શ્રી લાભ, શ્રી શુભ જેવું લેખન એ સંખ્યાત્મક મંગલ ગણાય છે. શ્રી સવા એ ધન-સંપત્તિની વૃદ્ધિ સૂચવે છે. શ્રીફળ, ચાંદીની મુદ્રા, ચોખા, વગેરે મંગલ પદાર્થ છે. શ્રીફળ બલિદાનનું પ્રતીક છે. ચાંદીના સિક્કા પર દેવ-દેવીની છાપ કે યંત્ર અંકિત કર્યાં હોય તો શુભ ગણાય છે. ચોખા પવિત્ર અને નિર્દોષ ધાન્ય છે. કપાળ પર કંકુ તિલક પછી ચોખા લગાવવાનું આ કારણ છે. અમુક પૂજાવિધિમાં ચોખા વપરાય છે, જ્યારે તુલસી, આસોપાલવ અને પીપળો પ્રકૃતિજન્ય પ્રતીક છે. તુલસી પવિત્ર દિવ્ય ઔષધિ છે, આસોપાલવ માંગલિક છે તો પીપળો પિતૃવિધિ
સાથે સંકળાયેલો છે.

શુભ પ્રતીકો પ્રત્યે લોકઆસ્થાને કારણે સ્વસ્તિક, દીવડો, કળશ કે આસોપાલવનાં પાન આપણને નકશીકામ, શિલ્પ, આભૂષણ, ભરતગૂંથણ, ચિત્ર, સુશોભનકળામાં જોવા મળે. ગુજરાત રાજ્યના સ્થાપનાની સુવર્ણજયંતી ઉજવણીના લોગોમાં પાન અને શ્રીફળ સાથે કળાત્મક કળશને સ્થાન મળ્યું હતું.

અમદાવાદના નામાંકિત ઓરા રીડર ડૉ. અમરેશ મહેતા કહે છે કે બારણા પર કંકુથી શ્રી લાભ અને શ્રી શુભ લખવાની તથા સ્વસ્તિક દોરવાની પરંપરા છે. એનું હકારાત્મક પરિણામ જોવા મળે છે. દક્ષિણાભિમુખ દ્વાર પર કંકુથી શ્રી લાભ અને શ્રી શુભ લખ્યું હોય તો વિશેષ ફળદાયી બને છે.

વાસ્તુ નિષ્ણાત મયંક રાવલ કહે છે કે વાસ્તુશાસ્ત્ર કુદરતને વિશેષ પ્રાધાન્ય આપે છે, જેમાં આસોપાલવનું તોરણ સકારાત્મક ઊર્જા આપે છે. એ જ રીતે ઈશાન દિશામાં કમળનું ફૂલ તેમ જ અગ્નિ, નૈર્ઋત્ય અને વાયવ્ય
દિશામાં અનુક્રમે ચંદન, નાળિયેર અને બીલીપત્ર શુભ ગણાય છે.

જૈન, બૌદ્ધ, વગેરે ધર્મગ્રંથોમાં પણ શુભ કે મંગલકારી પ્રતીકોનો ઉલ્લેખ જોવા મળે છે. જૈન ધર્મમાં આઠ માંગલિક પ્રતીક દર્શાવ્યાં છે, જેને અષ્ટમંગલ કહે છે. એમાં અષ્ટ એટલે આઠ અને મંગલ એટલે શુભ, પવિત્ર, વિઘ્ન (અશુભ) વિનાશક, સુખ-સમૃદ્ધિ કે પુણ્યનો વિસ્તારક. આઠ પ્રતીકમાં સ્વસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, પૂર્ણ
કળશ, મીનયુગલ અને દર્પણનો સમાવેશ થાય છે. સ્વસ્તિક અને નંદ્યાવર્ત આકૃતિ મંગલ છે. શ્રીવત્સ ચિહ્ન મંગલ છે. વર્ધમાનક, ભદ્રાસન, પૂર્ણ કળશ અને દર્પણ એ વસ્તુ મંગલ છે તો મીનયુગલ જીવ મંગલ છે.

શ્ર્વેતાંબર જૈન આચાર્ય કલ્યાણબોધિસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબ કહે છે કે વિશ્ર્વની અગણિત ચીજોમાં જે આઠ વસ્તુ શ્રેષ્ઠ મંગલ તરીકે સર્વમાન્ય ‚પે પ્રસ્થાપિત થઈ છે એ અષ્ટમંગલ છે.

અષ્ટમંગલ અંદાજે બે હજાર વર્ષ પૂર્વેના મથુરાના જૈન આયાગપટ્ટો, ગ્રંથો, જૈન આગમ ગ્રંથો ઉપરાંત અમુક હસ્તપ્રતો, શિલ્પો, ચિત્રો, વગેરેમાં જોવા મળે છે. ગુજરાતમાં આવેલા કુંભારિયાના વિખ્યાત શાંતિનાથ
ભગવાનના પ્રાચીન જિનાલય (દેરાસર)ની દ્વારસાખ પર અષ્ટમંગલ છે. બૌદ્ધધર્મીઓ પણ અષ્ટમંગલને પવિત્ર માને છે. અષ્ટમંગલને તિબેટિયન ભાષામાં તશી તાગ ગ્યાય કહે છે. બૌદ્ધ ધર્મનાં આઠ પ્રતીકમાં શ્ર્વેત શંખ,
કીમતી છત્ર, ધ્વજા, મીનયુગલ, ધર્મચક્ર, શ્રીવત્સ, પદ્મકમળ અને સુવર્ણ કળશ હોય છે.

શ્ર્વેતાંબર જૈન સાધુ-સાધ્વીના પવિત્ર ઉપકરણ ઓઘા (રજોહરણ)માં મંગલસ્વ‚પે અષ્ટમંગલ આલેખવાની પરંપરા છે. જૈનો દેરાસરમાં પાટલા પર ચોખા (અક્ષત)થી અષ્ટમંગલ આલેખે (દોરે) છે તેમ જ અષ્ટમંગલને
પવિત્ર માનતા હોવાથી ઘરના દ્વારના બારસાખ પર અષ્ટમંગલની ફોટો ફ્રેમ, સ્ટિકર કે પટ્ટી મૂકે છે. આવી વિશેષતા ધરાવતા અષ્ટમંગલ વિશે એક જૈન મુનિએ ભારે જહેમતથી ગ્રંથ તૈયાર કર્યો છે. એમનું નામ મુનિ
સૌમ્યરત્નવિજય.

છ વર્ષ પહેલાં એમણે અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થી નિસર્ગ મહેતાને કચ્છની ધર્મશાળાઓમાં જૈન સ્થાપત્યકળાનો પ્રભાવ એ વિષયના થિસીસ માટે માર્ગદર્શન આપ્યું હતું. વાંચન-લેખન અને સંશોધનમાં રુચિ ધરાવતા મુનિ સૌમ્યરત્નએ આઠ અભ્યાસપૂર્ણ ગુજરાતી પુસ્તક લખ્યાં છે.

આ માટે એમણે અનેક જ્ઞાનભંડારોમાં જઈને જૈન આગમો, કલ્પસૂત્ર, શિલ્પ ગ્રંથો, વિધિ ગ્રંથો, કોશ ગ્રંથો, વૈદિક ગ્રંથો, બૌદ્ધ ગ્રંથો સહિત ૧૨૫ જેટલા પ્રાચીન-અર્વાચીન ગ્રંથો તથા હસ્તપ્રતોનો ગહન અભ્યાસ કર્યો હતો. એ આધારે અષ્ટમંગલ વિશે પણ એમણે બે પુસ્તક લખ્યાં, જેમાં પ્રાથમિક જાણકારી આપતું અષ્ટમંગલ ઐશ્ર્વર્ય પુસ્તક છે. વિશદ્ માહિતી આપતું અષ્ટમંગલ માહાત્મય પુસ્તક તો ગુજરાતી અને હિંદી એમ બે ભાષામાં પ્રકાશિત થયું છે. એની બે આવૃત્તિ થઈ છે. જૈન સાહિત્યમાં સર્વપ્રથમવાર બનેલો અષ્ટમંગલ માહાત્મ્ય ગ્રંથ તો જિજ્ઞાસુ
અને અભ્યાસુ માટે નવતર ભાત પાડતો સમૃદ્ધ જ્ઞાન કોશ છે. અષ્ટમંગલનાં ગીતોની સીડી પણ બહાર પડી છે.

અષ્ટમંગલના અભ્યાસુ અને લેખક મુનિ સૌમ્યરત્ન કહે છે કે અષ્ટમંગલનાં દર્શન કોઈ કાર્યના આરંભ, પ્રયાણ વગેરે સમયે વિઘ્નનાશક અને કાર્યસાધક મનાય છે. એકસામટાં આઠ મંગલ પ્રતીકના લીધે માંગલિકતા અને હકારાત્મક ઊર્જા અનેકગણી વધે છે. એ જ્યાં આલેખાયેલાં, કોતરાયેલાં હોય ત્યાં શુભત્વ વધારે છે. અષ્ટમંગલનાં
ત્રણ શુભ પ્રતીક કળશ, મીનયુગલ અને દર્પણ હિંદુ અને બૌદ્ધ પરંપરામાં પણ જોવા મળે છે.

અષ્ટમંગલના પ્રતીક-આકાર શું સૂચવે છે?

અષ્ટમંગલ માહાત્મ્ય પુસ્તક મુજબ સ્વસ્તિક મંગલમયતા, શુભ ઊર્જાના કેન્દ્ર અને પવિત્ર આકારની આગવી ઓળખ ધરાવે છે. જિનાલયોમાં બિરાજમાન જૈન તીર્થંકરની પ્રતિમામાં છાતીના મધ્ય ભાગમાં વાળનો ઊપસેલો ગુચ્છ દેખાય છે એને શ્રીવત્સ કહે છે. શ્રી એટલે લક્ષ્મી અને વત્સ એટલે પુત્ર અર્થાત્ લક્ષ્મીદેવીનો પુત્ર. લખનૌના મ્યુઝિયમમાં અંદાજે બે હજાર વર્ષ પ્રાચીન શ્રીવત્સયુક્ત જૈન પ્રતિમા જોવા મળે છે.

વિચારક-લેખક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ કહે છે કે અષ્ટમંગલ એ સંસારની ભંગુરતા, આત્મસ્વ‚પની ઓળખ અને મોક્ષમાર્ગ પ્રત્યેની ગતિનો આધ્યાત્મિક સાધનાપથ છે. આચાર્ય કલ્યાણબોધિવિજયજીના
મતે અષ્ટમંગલ એ માત્ર આકાર કે વસ્તુ નથી. શાશ્ર્વત, શુકનવંતા અને મંગલકારી છે.

પ્રાચીન જૈન તીર્થોના ઉદ્ધારક આચાર્ય રાજયશસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબ કહે છે કે અષ્ટમંગલમાં આઠની સંખ્યા આઠ દિશા અને આઠ પ્રહરનું મંગલ કરવાની સંભાવના દર્શાવે છે. એમાં પૃથ્વી, જળ, વાયુ, તેજ,
આકાશ એમ પાંચ (પંચ) તત્ત્વનો સમન્વય છે. પ્રભુપ્રતિમા સમક્ષ અષ્ટમંગલનું આલેખન ખૂબ ઓજસ્વી મનાય છે. એમાં ભક્તિ, કળા અને શ્રદ્ધાનો સુમેળ થાય છે. અષ્ટમંગલ દર્શનકર્તાને પ્રસન્નતા આપે છે.

એમની વાત આગળ વધારતાં હસુભાઈ યાજ્ઞિક કહે છે કે મંગલ કે શુભ પ્રતીકો કોઈના અહિત માટે કે દ્વેષ-વિરોધભાવથી ઉપયોગમાં લેવાતાં નથી. પ્રતીકો કે આકારો ધર્મનાં પરિશુદ્ધ સ્વ‚પ છે, અંધશ્રદ્ધા નથી.

પુરુષાર્થ અને પ્રારબ્ધની જેમ મંગલ પ્રભાવક પ્રતીક દ્વારા પણ સુખ-સમૃદ્ધિ પ્રાપ્તિની શુભ કામના થાય છે.


સ્વસ્તિક ને કળશઃ શિલ્પથી માંડી સુશોભન સુધી…

સ્વસ્તિક એ મંગલકારી, કલ્યાણકારી, સૌભાગ્યવાન અને ઊર્જાવાન પ્રતીક છે. એનો હિંદુ, જૈન અને બૌદ્ધ ઉપરાંત અમુક વિદેશી સંસ્કૃતિમાં મહિમા વર્ણવ્યો હોવાથી સર્વધર્મીય પરંપરામાં સ્વીકૃત છે. ભારતીય વાસ્તુશાસ્ત્ર અને શુકનશાસ્ત્રમાં સ્વસ્તિક પ્રભાવશાળી મનાય છે. કુંભારિયાના પ્રાચીન જિનાલય સહિત પ્રાચીન અનેક મંદિરોનાં શિલ્પોમાં સ્વસ્તિક જોવા મળે છે. સહેલાઈથી દોરી-આલેખી શકાય એવો સ્વસ્તિક માટી, મૂર્તિ, દંત, મુદ્રા, શિલ્પ, વાસ્તુ, આભૂષણ, ચિત્ર, સુશોભન, વગેરે કળામાં જોવા મળે છે. અનેક ગ્રંથો, પ્રાચીન કાવ્યો, ગીતો, ભજનો, ગરબામાં પણ એનો ઉલ્લેખ થયો છે. ઘર, મંદિર, નવા વાહન, યંત્ર, વગેરે પર કંકુથી સ્વસ્તિક આલેખાય છે.

સ્વસ્તિકનાં ચાર પાંખિયાં (પાંખડી) વિશે વિવિધ ધર્મ, પરંપરા, શાસ્ત્રોમાં જુદાં જુદાં અર્થઘટન જોવા મળે, જેમ કે ચાર (ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ) પુરુષાર્થ, ચાર (સત્ય, દ્વાપર, ત્રેતા, કલિ) યુગ, ચાર (બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ) વર્ણાશ્રમ, ચાર (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ) વેદ, ચાર (દેવ, મનુષ્ય, નરક,
તિર્યંચ) ગતિ સૂચવે છે.

બીજી બાજુ, કળશ પૂર્ણ, કળશ, કુંભ, જલ કુંભ, ભદ્ર કળશ, વગેરે નામે ઓળખાય છે. ઋગ્વેદ, સ્કંદપુરાણ, મત્સ્યપુરાણ, વગેરેમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. કળશ, દેવપૂજાનું ઉપકરણ છે. પ્રભુને શુદ્ધ પવિત્ર
જળનો અભિષેક કરવા કળશનો ઉપયોગ થાય છે. પૂર્ણ કળશમાં લક્ષ્મીદેવીનો વાસ હોવાની માન્યતા છે. શિલ્પશાસ્ત્રમાં મંદિરના શિખરની ટોચે આમલસારા ઉપર મંગળ કળશ સ્થાપવાનું વિધાન છે. અમુક કળશ
સુવર્ણથી મઢ્યા હોય છે. પ્રાચીન કાળમાં રાજ્યાભિષેક સમયે રાજાને સુવર્ણ કળશથી સ્નાન કરાવવામાં આવતું.

કળશ સાધારણ રીતે માટી, તાંબું, પિત્તળ, ચાંદી, સોનું, રત્નોમાંથી બનાવવામાં આવે છે. એ પૂર્ણતા અને સંપન્નતાનું પ્રતીક છે. માટીનો કળશ પૃથ્વીતત્ત્વ અને જળતત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. કળશ કે કુંભનો વાસ્તુ, લગ્ન, પૂજા, શોભાયાત્રા, વગેરે પ્રસંગે ઉપયોગ થાય છે. અમુક ધાર્મિક કે પૂજાવિધિ સમયે કળશમાં પવિત્ર જળ કે નદીનાં જળ ભરવામાં આવે છે. કળશ પર કંકુ તિલક થાય અને એના મુખ પર પાંદડાં ને શ્રીફળ મૂકવામાં આવે છે. પ્રાચીનની જેમ વર્તમાન સમયે પણ કળશ વિવિધ કળાત્મક સ્વરૂપોમાં જોવા મળે છે.

(પૂરક તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]