દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે એને લગતી ચીજવસ્તુઓનું વેચાણ પણ બજારમાં ધામધૂમથી થઇ રહ્યું છે. બજારો જાણે રંગોળી, દીવડાં સહિત ઘરસજાવટની વસ્તુઓથી છલકાઇ રહ્યું છે.
આ બધામાં દિવાળીએ એક વસ્તુની ખરીદી બહુ કોમન છે અને એ છે દીવડાં.
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અપંગ માનવ મંડળ અને મેમનગરમાં આવેલા નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મનોદિવ્યાંગ બાળકો દ્ધારા દીવા અને ઘરસજાવટની વસ્તુઓ તૈયાર કરવામાં આવી છે. જેનું પ્રદર્શન અને વેચાણ એમના જ કેમ્પસમાં શરુ થઇ ગયું છે. આ ચીજવસ્તુઓ આમ તો છે બજારમાં મળતી બીજી ચીજવસ્તુઓ જેવી જ, પણ એમાં કાંઇક અનોખું તત્વ હોય તો એ છે કે એ દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોએ બનાવેલી છે!
દિવ્યાંગોને મળે છેપ્રોત્સાહન
તહેવારો અને ઉત્સવો વખતે સોશિયલ મીડિયામાં ઘણી વખત જરૂરિયાતવાળા લોકોને મદદ કરવા તેમજ દિવ્યાંગ લોકોને પ્રોત્સાહિત કરવા માટેના મેસેજ વાયરલ થતા હોય છે. અમદાવાદ સહિત ઘણા શહેરમાં અનેક પરિવારો એવા છે જે નાના ખૂમચાવાળા કે દિવ્યાંગ કારીગરો પાસેથી જ દિવાળી જેવા ઉત્સવોમાં ચીજ વસ્તુઓ ખરીદે છે, જેથી નાના વેપારીઓનું ગુજરાન ચાલે તેમજ દિવ્યાંગ બાળકો અને કારીગરોને ને પ્રોત્સાહન મળે.
અપંગ માનવ મંડળ દ્ધારા પ્રદર્શન-વેચાણ
અપંગ માનવ મંડળની વિદ્યાર્થિનીઓ દ્ધારા જુદી-જુદી કલાત્મક વસ્તુઓ બનાવવામાં આવી છે. એમને પ્રોત્સાહન આપવા અને પગભર કરવા અનેક ચીજવસ્તુઓ વેચાણ અને પ્રદર્શન માટે મુકવામાં આવી છે.
સુશોભનની અને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ
દિવ્યાંગ બાળકોએ બનાવેલી ચીજવસ્તુઓ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અપંગ માનવ મંડળના બ્રિજીતા ક્રિશ્ચયન કહે છે, ‘દર વર્ષેની જેમ જ આ વર્ષે પણ અપંગ માનવ મંડળની વિદ્યાર્થિનીઓ દ્ધારા દીવા, તોરણ, મોબાઈલ પાઉંચ, કાપની માળા, કાપડમાંથી બનાવેલા થેલા, કોઈન પાઉંચ, લેધર બેગ, ટેબલ કવર, વુડન ટ્રે અને પેપરમાંથી બનાવેલા કવર જેવી અનેક સુશોભન અને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ બનાવી છે.’
દીવાની અનેક વેરાયટી
જયારે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલના મનોદિવ્યાંગ વિદ્યાર્થિઓએ દિપાવલી પર્વને અનુલક્ષીને અનેક પ્રકારના દીવા તૈયાર કર્યા છે. આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સંસ્થાના નીલેષ પંચાલ કહે છે, ‘અહીં સાદા દીવા, ફેન્સી દીવા, હેગીંગ દીવા, તુલસી ક્યારા, ફ્લોટિંગ દીવા, હાથી દીવા, મોર દીવા, મીણબત્તી, શુભ-લાભ દીવા અને વેક્સ દીવા બનાવવામાં આવ્યા છે.’
પગભર થઈ ઉજવી શકે દિવાળી
બે મહિના પહેલાથી જ દિવ્યાંગ બાળકો દ્વારા આ બધી દિવાળી પ્રોડ્ક્ટ બનાવવાનું શરૂ કરવામાં આવે છે. તમામ વસ્તુઓનું વેચાણ પણ વિદ્યાર્થીઓ જાતે જ કરે છે. સંસ્થા આ વોકેશનલ કલાસ પછી પ્રોડક્ટસનું વેચાણ જુદી-જુદી શાળા, કંપનીઓ અને સોસાયટીઓમાં સ્ટોલ મુકીને કરે છે. જેનો નફો વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જેથી એ પગભર થઈ દિવાળી ઉજવી શકે.
(હેતલ રાવ)
(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)