વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતવા માટે કોંગ્રેસ કમર કસી રહી છે. ત્યારે વડોદરામાં સાવલી ખાતેથી ત્રણ દાવેદારોએ એકસાથે આજે ઉમેદવારીપત્રો ભર્યાં હતાં. ત્રણ પૈકી જે એક વ્યક્તિને ટિકીટ મળશે તેને અન્ય બે લોકો સપોર્ટ કરશે તેમ જાણવા મળી રહ્યું છે.કોઈ પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરે તે અગાઉ ત્રણ જેટલા લોકોએ ફોર્મ ભર્યાં એ ઘટના ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર બની છે.સાવલી 135 વિધાનસભા બેઠક માટે કુલ પાંચ ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં, જેમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો અને બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. મહત્વનું છે કે ભાજપ દ્વારા રેલી કાઢી શક્તિપ્રદર્શન કરાયું ત્યારબાદ કોંગ્રેસ દ્વારા પણ વિશાળ રેલી કાઢી પોતાનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ તરફથી કુલ ત્રણ લોકોએ ઉમેદવારીપત્રો ભર્યાં છે પરંતુ હજી એ વાત નક્કી નથી કે કયા ઉમેદવારને કોંગ્રેસ પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવશે. આ ત્રણ ઉમેદવારોમાં ખુમાનસિંહ ચૌહાણ, વિજયસિંહ વાઘેલા અને સાગર પ્રકાશ બ્રહ્મભટ્ટનો સમાવેશ થાય છે.