ગાંધીનગર– ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે તા.07/12/2017ના રોજ સાંજે 5 વાગે ચૂંટણી પ્રચાર પૂર્ણ થશે. ત્યારબાદ ઉમેદવારો જાહેરસભા કે જાહેર રેલી, રોડ શો કઈ નહીં કરી શકે. માત્રને માત્ર વ્યક્તિગત પ્રચાર અગર તો ગ્રુપ મીટિંગ કરી શકશે અને 9મીએ પ્રથમ તબક્કાની આ બેઠકો ઉપર મતદાન યોજાનાર છે. સર્વેમાં ભાજપને ઓછી બેઠકો દર્શાવી છે, જેથી ભાજપ ચિંતામાં છે, જેથી ચૂંટણી પ્રચારના મેદાનમાં પીએમ નરેન્દ્ર મોદીએ કમાન સંભાળી છે.
આ વખતે પાટીદાર સમાજ ખુલીને મેદાનમાં આવ્યો છે અને તેના કારણે અન્ય સમાજો પણ સરકાર વિરુદ્ધ મેદાનમાં આવ્યાં છે. ગુજરાતમાં સત્તાધારી ભાજપ પક્ષ સામે છેલ્લાં 1 વર્ષથી નારાજગીનો પવન ફૂંકાતો હતો અને વિધાનસભાની ચૂંટણી જેમજેમ નજીક આવતી ગઈ, તેમતેમ સરકાર વિરોધી વાતાવરણ જોવા મળતું થયું છે, જેના કારણે વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ સતત ગુજરાતમાં રહ્યાં છે.
ગુજરાતમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાટીદારોની સંખ્યા મોટી છે. ગુજરાતમાં લેઉવા પાટીદાર અંદાજે 50 લાખથી વધુ છે. અનામતનો પ્રશ્ન પાટીદાર સમાજે બરાબર પકડી રાખ્યો છે. રાજ્યમાં એક વર્ષ પહેલા યોજાયેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પાટીદાર સમાજે પોતાની એકતાના દર્શન કરાવતા ભાજપને મોટો ફટકો પડ્યો હતો.
આ નુકશાન આગામી વિધાનસભાની ચૂંટણીમાં ન થાય તે માટે વડાપ્રધાને પોતાના હાથમાં કમાન લેવાની ફરજ પડી છે, જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે એ જોવાનું રહ્યું કે તેમના આ પ્રયાસોને કેટલી સફળતા મળી રહેશે. આમ અત્રે સ્વામી વિવેકાનંદનું વાક્ય યાદ આવે છે ” ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો “