મહાસાગરોમાં ઊંડે રહેતાં જીવોના પેટમાં પ્લાસ્ટિક!

પણે પર્યાવરણનો વિનાશ કરીએ છીએ પણ સાથે આસપાસના જીવજંતુઓને પણ નુકસાન પહોંચાડીએ છીએ. એની સાબિતી છે ગાયના પેટમાં મળી આવતું પ્લાસ્ટિક. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે એ જાણવા છતાં પણ ટાળતાં નથી કે પ્લાસ્ટિક પર્યાવરણ માટે નુકસાનકારક છે. પ્લાસ્ટિકની થેલીઓ કચરામાં, રસ્તા પર, ગટરમાં ફેંકી દેવામાં આવે છે. વરસાદ પડે ત્યારે આ કચરાના લીધે પાણીનો નિકાલ થતો નથી અને આપણે દોષ સરકાર અને સરકારી તંત્ર પર ઢોળીએ છીએ.

આ તો જમીન પરના પ્રાણીઓની વાત થઈ, પરંતુ તાજેતરના એક અભ્યાસમાં જણાયું છે કે સમુદ્રની અંદર ઊંડે રહેતાં જીવોના પેટમાં પણ પ્લાસ્ટિક મળી આવે છે કારણકે આપણે નદીમાં પ્લાસ્ટિક ફેંકીએ છીએ જે વહેણની સાથે સમુદ્રમાં જાય છે.ન્યૂકાસ્ટલ યુનિવર્સિટીના વિદ્વાનોએ કરેલા અભ્યાસમાં જણાયું છે કે પ્રશાંત મહાસાગરમાં ઊંડાણે આવેલા પ્રાણીઓના પેટ ફાઇબરથી પ્રદૂષિત હતા. આ ફાઇબર પ્લાસ્ટિકની બૉટલો, પેકેજ અને સિન્થેટિક કપડાંમાંથી ઉદભવેલાં હતાં. અભ્યાસનું નેતૃત્વ કરનાર ડૉ. એલન જેમીસને કહ્યું હતું કે તથ્યો ચોંકાવનારાં હતાં અને તેનાથી સાબિત થાય છે કે પૃથ્વી પરના ગ્રહની કોઈ જગ્યા પ્લાસ્ટિકના પ્રદૂષણથી મુક્ત નથી.

તાજેતરના મહિનાઓમાં પ્લાસ્ટિકથી પ્રદૂષણના પ્રમાણના પુરાવા વધી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં વૈજ્ઞાનિકોને પાણીના નળના નમૂનાઓમાં ૮૩ ટકા પ્લાસ્ટિક જણાયું હતું. અન્ય અભ્યાસોમાં ખડકાળ મીઠું અને માછલીમાં પ્લાસ્ટિક જણાયું હતું. પૃથ્વી પર સૌથી ઊંડી જગ્યાએ (૧૧ કિલોમીટર જેટલી ઊંડાઈએ) પણ માઇક્રોપ્લાસ્ટિક મળી આવે છે તે બતાવે છે કે કોઈ જળપ્રણાલિ પ્લાસ્ટિકના પ્રદૂષણથી મુક્ત નથી. આ ખૂબ જ ચિંતાજનક તથ્ય છે.

મારિયાના, જાપાન, ઇઝુ-બૉનિન, પેરુ-ચીલિ, ન્યૂ હેબ્રિડેસ અને કર્માડેક પાસે સમગ્ર પ્રશાંત મહાસાગરમાં ખૂબ જ ઊંડે આવેલા પ્રાણીઓના નમૂનાઓ આ અભ્યાસમાં તપાસવામાં આવ્યાં હતાં. ટીમે ૯૦ અલગઅલગ પ્રાણીઓને તપાસ્યા હતાં અને મારિયાનાના સમુદ્રમાં સાવ તળીયે આવેલા પ્રાણીથી લઈને અડધા સમુદ્રની અંદર પ્રાણીઓમાં પ્લાસ્ટિક મળી આવ્યાં હતાં. જે તત્વો હતાં તેમાં સેમી સિન્થેટિક સેલ્યુલોસિક ફાઇબર જેવાં કે રેયોન, લાયોસેલ અને રેમી હતાં જે બધાં માઇક્રૉફાઇબર છે, જેનો ઉપયોગ વસ્ત્ર ઉદ્યોગમાં થાય છે. ઉપરાંત પ્લાસ્ટિકની બૉટલોમાંથી, માછીમારીના સાધનો અથવા રોજબરોજના પેકેજિંગમાંથી આવેલું પ્લાસ્ટિક પણ પ્રાણીઓના પેટમાં જણાયું હતું.

તકલીફ એ છે કે સમુદ્રના ઊંડાણમાં રહેતા જીવો સપાટી પરથી જે ચીજો નીચે આવે છે તેને ખોરાક તરીકે ગ્રહણ કરે છે. તે તેમના માટે પ્રતિકૂળ છે કે નહીં તે તેઓ જોતાં નથી.

માત્ર પ્રશાંત મહાસાગર જ નહીં, પરંતુ આર્ક્ટિક મહાસાગરની મધ્યમાં પણ થીજેલા બરફના થર પર પ્લાસ્ટિકનું પ્રદૂષણ વૈજ્ઞાનિકોને મળી આવ્યું હતું.

અત્યારે એક અંદાજ પ્રમાણે ૩૦ કરોડ ટન પ્લાસ્ટિક મહાસાગરોમાં વ્યાપ્ત છે. સપાટી પર ૫ ટ્રિલિયન (૫૦૦૦ અબજ) પ્લાસ્ટિકના ટુકડા હાલમાં સપાટી પર જ તરે છે. તેનું વજન ૨.૫ લાખ જેટલું થાય છે. દર વર્ષે લગભ ૮૦ લાખ ટન પ્લાસ્ટિક સમુદ્રમાં આવે છે.

માનવોએ ૧૯૫૦ના દાયકાઓથી અત્યાર સુધીમાં અંદાજે ૮.૩ અબજ ટન પ્લાસ્ટિક ઉત્પાદિત કર્યું છે. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે તેનાથી પૃથ્વી પર કાયમી પ્રદૂષણ થઈ ગયું છે. અને આથી જ ઝડપી અને સાર્થક પગલાંની જરૂર ઊભી થઈ છે.