લંડનની દુકાનોમાં ચાલ્યો છે પ્લાસ્ટિક વિરોધી જુવાળ

જૂની કહેવત હતી- કાગડાં બધે કાળા. હવે ગંદકીના સંદર્ભમાં નવી કહેવત આવી પાડી શકાય- ગંદકી કરનારા બધે સરખાં. ભારત હોય કે યુકે, ગંદકી કરનારા બધે એકસરખા જ છે. સૌથી વધુ ગંદકીની શક્યતા ખાણીપીણીની દુકાનો કે રેસ્ટોરન્ટ, હોટલ પાસે હોય છે. પરંતુ જો જાગૃતિ કેળવવામાં આવે કે સરકાર તરફથી ફરજ પાડવામાં આવે તો ગંદકી દૂર કરવા પગલાં લઈ શકાય છે. યુકેમાં હવે પ્લાસ્ટિકને ત્યાગવા વધુને વધુ ખાણીપીણીની દુકાનો પગલાં લઈ રહી છે.  પ્લાસ્ટિકની સ્ટ્રો, જે સોડા પીવા વપરાય છે તે તથા બોટલો સહિતની ચીજોને તબક્કાવાર દૂર કરાઈ રહી છે.

આવાં પ્રકારનાં પગલાં લેવામાં તાજો દાખલો પ્રેટ એ મેનેજરનો છે. તેણે જાહેર કર્યું છે કે તેણે નળ સ્થાપ્યાં છે જેમાંથી નિઃશુલ્ક નિસ્યંદિત પાણી મળશે અને તેણે તેના ત્રણ વેજીટેરિયન સ્ટોરમાં ખાલી કાચની બૉટલ વેચવાનું શરૂ કર્યું છે. ઑક્ટોબરના અંતથી આ યોજના અન્ય માન્ચેસ્ટરની અન્ય શાખાઓમાં પણ લાગુ કરાશે.

પ્રેટના સ્ટોરમાં પાણીની પ્લાસ્ટિકની બૉટલો હજુ પણ પ્રાપ્ય હશે, પરંતુ કંપની કહે છે કે તેનો હેતુ એ શોધવાનો છે કે ગ્રાહકો પ્લાસ્ટિક ફ્રીનો વિકલ્પ અપનાવે છે કે કેમ.

પબની શ્રૃખલા વેધરસ્પૂનથી લઈને લંડનની ઝૂલૉજિકલ સૉસાઇટી સુધી, વેપારો અને સખાવતી સંસ્થાઓ દ્વારા સંખ્યાબંધ યોજનાઓ દાખલ કરાઈ રહી છે જેથી પ્લાસ્ટિકનો કચરો અંકુશમાં લઈ શકાય. ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં કન્ટેઇનર, બૉટલ અને અન્ય પ્રકારના કચરા વિશે ચિંતા વધી રહી છે.

પ્રેટના બ્રાન્ડ ડાયરેક્ટર કેરોલિન ક્રૉમર કહે છે કે સોશિયલ મિડિયા પર અમને જે ભારે માત્રામાં હકારાત્મક પ્રતિસાદ સાંપડી રહ્યો છે તેનાથી અમને ખરેખર આશ્ચર્ય થયું છે અને સાથેસાથે અમને પ્રોત્સાહન પણ મળ્યું છે. અમે કેટલીક ગ્લાસની બૉટલો તો વેચી પણ નાખી છે. અમે અમારા ગ્રાહકો અને શૉપની ટીમ પાસેથી મળતા પ્રતિસાદને ધ્યાનથી સાંભળશું અને પછી આગામી તબક્કા અંગે નિર્ણય લઈશું.

પર્યાવરણ પર પ્લાસ્ટિકના કચરાની મોટી અસર હોય છે તેની ચિંતામાંથી પ્રેટે આ પગલું લીધું છે. એક મિડિયાના અહેવાલ મુજબ, આ વર્ષે એવું જાણવા મળ્યું છે કે વિશ્વભરમાં પ્રત્યેક મિનિટે પાણીની લાખો બૉટલ ખરીદવામાં આવતી હોય છે. તાજેતરમાં કરાયેલા એક સંશોધન મુજબ, ૧૯૫૦થી ૨૦૧૫ વચ્ચે ૬.૩ અબજ ટન પ્લાસ્ટિકનો કચરો સર્જાયો હતો. ૮૦ ટકા કચરો જમીનમાં દાટી દેવાયો છે અથવા તો સમુદ્ર સહિત પર્યાવરણમાં ભળી ગયો છે. પ્લાસ્ટિકનું દૂષણ નળના પાણીથી લઈને સમુદ્રીય નમક બધે જ જોવા મળે છે.

યુકેમાં પ્રેટ એક માત્ર નથી જે ગ્રાહકોને પ્લાસ્ટિકથી દૂર કરવા માગતું હોય. ગયા મહિને વેધરસ્પૂને પણ જાહેર કર્યું હતું કે તે વર્ષ ૨૦૧૮થી પ્લાસ્ટિકની ડ્રિંકિંગ સ્ટ્રૉનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે. તો લંડનમાં બૉરૉ માર્કેટે વચન આપ્યું છે કે તે એક વાર વપરાતી પ્લાસ્ટિક બૉટલનું વેચાણ બંધ કરી દેશે અને જનતા માટે ડ્રિંકિંગ ફાઉન્ટેન સ્થાપિત કરશે.

સેલફ્રિજે વર્ષ ૨૦૧૫માં જાહેર કર્યું હતું કે તે એક વાર વપરાતી પ્લાસ્ટિકની બૉટલોનું વેચાણ બંધ કરી દેશે. તે હવે એક પગલું આગળ વધ્યું છે. તેના એક પ્રવક્તાએ તાજેતરમાં કહ્યું હતું કે તેની ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટમાં પ્લાસ્ટિકની સ્ટ્રૉનો ઉપયોગ તબક્કાવાર બંધ કર્યો છે. તેણે એમ પણ કહ્યું છે કે તે તેના લંડનના સ્ટૉરમાં વર્ષ ૨૦૧૮માં સ્થાયી પાણીનો ફાઉન્ટેન સ્થાપિત કરશે.

માત્ર ખાણીપીણીની દુકાનો કે રેસ્ટોરન્ટ જ નહીં, પરંતુ મિડિયા કંપની સ્કાયે પણ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે પાણીની બૉટલો અને કપ સહિત ડિસ્પૉઝેબલ પ્લાસ્ટિકને તેની કેન્ટીનમાંથી દૂર કરી રહી છે. બેડફૉર્ડશાયરમાં લંડન ઝૂ અને વ્હિપસ્નેડ ચલાવતા ઝેડએસએલના જાહેરખબરનાં વડાં કેથરીન ઇંગ્લેન્ડે કહ્યું હતું કે પર્યાવરણ જાળવવાની સખાવતી કંપની તરીકે અમને સમુદ્રમાં પ્લાસ્ટિક ભળવા અંગેની ખૂબ જ ચિંતા છે. વર્ષ ૨૦૧૬ના ઉનાળાથી ઝેડએસએલ તેની લંડન અને વ્હિપસ્નેડના સ્થળોએ પાણીની એક વાર વપરાતી પ્લાસ્ટિકની બૉટલો વેચતી નથી. તેના બદલે તેણે પાણીના ફુવારા સ્થાપિત કર્યાં છે. ઉપરાંત પાણી માટે પ્લાસ્ટિકના વૈકલ્પિક પેકેજિંગનો ઉપયોગ શરૂ કર્યો છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]