દેશના અલગ અલગ વિસ્તારમાં ચૂંટણીનો રંગ જામ્યો તો, જ્યાં મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણી સાથે સાથે ગુજરાત બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પણ પરિણામ જાહેર થવાનું હતું. પરિણામોને લઈ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો. પરંતુ વાવની બેઠક જે ગેનીબેનનું ગઢ ગણાતી હતી. એ ગઢમાં ગાબડું પાડી અંતે ભાજપે પોતાનું કમળ ખીલવ્યું છે. ભાજપ 2500 વોટ લીડ સાથે જીત્યું છે.
ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત પર કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ‘કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મતદારોનો આભર માનુ છું. આ ચૂંટણીમાં કોંગ્રેસને ખૂબ મત મળ્યાં છે, પરંતુ ક્યાંકને ક્યાંક અમારી કચાસ રહી છે. લોકશાહીમાં જનતા સર્વોપરી છે. આ વખતે અમે થોડા મત માટે રહી ગયા છીએ, પરંતુ આવનાર સમયમાં પૂરો અભ્યાસ કરીને અમારી કચાસ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. જ્યારે ભાજપના ઉમેદવારે આપેલા વાયદા પૂરા કરે તેવી આશા રાખું છું. અમારી ગણતરી હતી કે, અપક્ષ ઉમેદવાર 30 હજારથી વધુ મત મેળવશે. પરંતુ જાતિવાદી મતદાન અને જાતિવાદી સમીકરણને કારણે અમારી ધારણાથી વધુ ભાજપને મત ગયા હતા, જેથી અમારી ક્યાંકને ક્યાંક નાની મોટી ભૂલ રહી ગઈ હતી. આવનાર સમયમાં અમે કચાસ દૂર કરીશું અને અમે લોક ચુકાદો માથે પર રાખીએ છીએ.’
વાવમાં ભાજપની જીત પર સી.આર.પાટીલની પ્રતિક્રિયા
વાવ બેઠક પર જીત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે, ‘કોંગ્રેસે જ માવજીભાઈને અપક્ષમાં ઉભા રાખ્યા, ત્રિપાખીયો જંગ ઉભો કરી કોંગ્રેસને જીતાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોંગ્રેસના એ તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા. લોકોને વિકાસમાં રસ છે.’