અપક્ષો મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારોને ભારે પડશે

ગત ચૂંટણીમાં અપક્ષો 16 લાખ મતો લઇ ગયાં હતાં
ગાંધીનગર– વિધાનસભાની પ્રથમ તબક્કાના મતદાન શનિવારે થશે, બીજા તબક્કાની ચૂંટણી 14મી ડિસેમ્બરના રોજ છે. આ ચૂંટણીમાં બંને રાજકીય મુખ્ય પક્ષોને પ્રજાલક્ષી અનેક મુદ્દાઓનો સામનો કરી ચૂંટણી લડવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભાજપ માટે વડાપ્રધાન અને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખે પ્રથમ તબક્કામાં ચૂંટણી પ્રચાર ખૂબ જ જોરશોરથી કર્યો. હવે વાત કરીએ તો ગઈ કાલે કોંગ્રેસના મણિશંકરે વડાપ્રધાન માટે ઉચ્ચારેલા શબ્દો બાદ વડાપ્રધાન અને રાષ્ટ્રીય પ્રમુખ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી રહ્યાં છે. બીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં મુખ્ય મુદ્દો આ બને તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારમાં જ્યાં કાંટાની ટક્કર હોય છે. ત્યાં અપક્ષ ઉમેદવારો કે અન્ય રાજકીય પક્ષના ઉમેદવારો મુશ્કેલીઓ ઉભી કરતા હોય છે. પરિણામે ઓછા મતના માર્જીનથી બેઠક હાર જીત ઉપર આવી જાય છે.
આગામી વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક નોંધાયેલા કે બીનનોધાયેલા રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષો મોટી સંખ્યામાં ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. અત્યાર સુધીમાં વિધાનસભાની 12 ચૂંટણીઓ થઇ છે. પરંતુ તેમાં મુખ્ય વાત એ છે કે આ અપક્ષ ઉમેદવારો સરેરાશ કુલ મતદાનના પાંચથી દસ ટકા વોટ ખેંચી જાય છે. 
અમદાવાદ જિલ્લાની 21 બેઠકોમાં પણ ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય રાજકીય પક્ષ સાથે અપક્ષ ઉમેદવાર પાંચ ટકા વોટ ખેંચી જાય તેવી શક્યતા છે. મોટા ભાગના રાજકીય પક્ષો તેમના હરિફ ઉમેદવારને હરાવવા માટે અપક્ષ ઉમેદવારોને ચૂંટણી રણનીતિના ભાગરૂપે મેદાનમાં ઉતારે છે. 1975 થી 1995ની ચૂંટણીમાં અપક્ષોએ મોટો ભાગ ભજવ્યો હતો. 1995માં 16 ઉમેદવારો અપક્ષ તરીકે જીત્યા હતા, ત્યારબાદ મોટા ભાગના અપક્ષ ઉમેદવારોની સંખ્યા ઘટતી ગઈ છે. અપક્ષોને સરેરાશ મતદાનના પાંચથી દસ ટકા વોટ મળે છે. પરંતુ મોટાભાગના ઉમેદવારો ડિપોઝીટ ગુમાવે છે. ભાજપ અને કોંગ્રેસની ટક્કર વચ્ચે ગત ચૂંટણીમાં એન.સી.પી.એ 0.95 ટકા વોટ સાથે ટક્કર આપી હતી તો બહુજન સમાજ પાર્ટીએ 1.25 ટકા અને ગુજરાત પરિવર્તન પાર્ટીએ 3.63 ટકા સહિત અપક્ષોએ 5.83 ટકા વોટ મેળવ્યા હતા.
અપક્ષોએ 15,97,589 વોટ મેળવ્યા હતા. કેટલીક પાર્ટીઓ 0 વોટ સાથે ચૂંટણી મેદાનમાંથી હટી હતી. ગઈ વર્ષ ચૂંટણીમાં 668 ઉમેદવાર અપક્ષ તરીકે ઉભા રહ્યા હતા. તેમાંના 662 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ હતી અને એકમાત્ર ઉમેદવારે જીત મેળવી હતી. 1962થી 2012 સુધીમાં 1975 અને 1995 16 થી 1980માં અપક્ષોએ 10 સીટ જીતી હતી, જે ઘટીને ગત વર્ષ એક જ રહી હતી. આ વર્ષ પણ અપક્ષ ઉમેદવારીનો રાફડો ફાટ્યો છે. બીજા તબક્કાના ઉમેદવારોની સંખ્યાનો ખ્યાલ આવશે, પરંતુ મોટા ભાગના અપક્ષ ડિપોઝિટ ગુમાવશે તો કેટલાક મુખ્ય પક્ષ સાથે ટક્કર ઝીલીને 2થી 3 હજાર વોટનું ગાબડું પાડશે.