અમદાવાદ– વિધાનસભા ચૂંટણી માટે ફોર્મ ભરાવાનું પૂરું થતાં મેદાનના મહારથીઓનું ચિત્ર સ્પષ્ટ થશે. ત્યારે તમામ નેતાઓનું ધ્યાન પ્રજા સમક્ષ જવામાં લાગેલું હોય તેવા સમયે રાજકીય પક્ષો ધુરંધર નેતાઓ અભિનેતાઓ પ્રચારમાં ઉતારશે. જોકે આ તબક્કો આવે એ પહેલાં સ્પષ્ટ થઇ રહ્યું છે કે રાષ્ટ્રીય રાજકારણના કેટલાક જાણીતાં નેતાઓ ગુજરાત નહીં આવે.
આ નેતાઓમાં બિહારના સીએમ નિતીશકુમાર છે. તો દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ પોતાની પાર્ટીના ઉમેદવારો માટે વોટિંગ કરવાની અપીલ કરવા આવવાના નથી.
નિતીશકુમારની જેડીયુ પાર્ટીને ગુજરાતમાં વ્યાપક આધાર નથી તેમ થતાં પાર્ટી વિધાનસભા ચૂંટણીઓમાં ઉમેદવારો અજમાવતી રહે છે. આ વખતે પણ તેણે ઉમેદવાર મૂક્યાં છે જેમાં પહેલાં તબક્કાની ચૂંટણી માટે તેમના પક્ષના 28 ઉમેદવાર ચૂંટણીજંગમાં છે. બીજા તબક્કામાં પણ કેટલીક બેઠક પર લડવાનો પક્ષનો ઇરાદો છે તેમ છતાં પક્ષના અધ્યક્ષ નિતીશકુમાર પોતે અહીં આવીને પ્રચાર કરવાના નથી.
જ્યારે ગુજરાત આપ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યાં પ્રમાણે પાર્ટીએ ઘેરઘેર જઇ વોટ માગવાની નીતિ અપનાવી હોવાથી તેમના સ્ટાર પ્રચારક નેતાએ ગુજરાત આવવાની જરુર નથી.જોકે કેટલાકનું કહેવું છે કે કેન્દ્રીયસ્તરે કુમાર વિશ્વાસ અને અન્યોની નારાજગીથી બચવા માટે ગુજરાતમાં સ્ટાર પ્રચારકોની જગ્યાએ જનસંપર્ક દ્વારા જ પ્રચાર કરવાનું નક્કી થયું છે. આપ દ્વારા ગુજરાતની તમામ 182 બેઠકના બદલે કેટલીક પસંદગીની બેઠકો જ્યાં તેમને જનાધાર છે તેના પર જ લડવાની રાજનીતિ કરી છે. આફ દ્વારા અત્યાર સુધીમાં ત્રણ યાદી જાહેર થઇ તેમાં કુલ 33 બેઠક પરના પોતાના ઉમેદવારો જાહેર કર્યાં છે.