‘નાનૂ કી જાનૂ’: રોડ-સેફ્ટી રુલ પાળો, નહીંતર ભૂત આવશે!

ફિલ્મઃ નાનૂ કી જાનૂ

કલાકારોઃ અભય દેઓલ, મનુ રિશી ચઢ્ઢા, પત્રલેખા, રાજેશ શર્મા

ડિરેક્ટરઃ ફરાઝ હૈદર

અવધિઃ આશરે બે કલાક પંદર મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ 1/2

“ફિલ્મના એક સીનમાં નાનૂ (અભય દેઓલ) એની મમ્મી (હીમાની શિવપુરી)ને પૂછે છેઃ “જોઈ આવ્યાં ફિલ્મ? કેવી લાગી?” મમ્મી જવાબ આપે છેઃ “સાવ બકવાસ.” થોડી વાર માટે મને થયું કે મા-દીકરો આ જ ફિલ્મની તો વાત નહીં કરતાં હોયને?

દિલ્હીની પાદરે આવેલા નોઈડા ને આસપાસના વિસ્તારમાં ધાકધમકીથી ફ્લૅટ પર કબજા જમાવવાનું કામકાજ કરતો નાનૂ પોતાની એસયુવી હંકારીને જઈ રહ્યો હોય છે ત્યારે એક રોડ એક્સિડન્ટમાં અકારણ ઈન્વૉલ્વ થઈ જાય છે. સવારના પહોરમાં આલુ પરાઠા સાથે ખાવા દહીં લેવા નીકળેલી સ્કૂટી પર સવાર સિદ્ધિ (પત્રલેખા) સ્કૂટર પરથી પટકાઈને રસ્તા પર લોહીલુહાણ પડી છે. નાનૂ એને હૉસ્પિટલ લઈ જાય છે. આવી ક્રિટિકલ હાલતમાંય સિદ્ધિને નાનૂ માટે કૂણી લાગણી જન્મે છે. જો કે હૉસ્પિટલ પહોંચતાંની સાથે જ એ દમ તોડી દે છે. હૉસ્પિટલ દોડી આવેલા સિદ્ધિના પિતા (રાજેશ શર્મા)ને દીકરીના મોતથી આઘાતનો આંચકો લાગે છે. નાનૂના મન પર પણ આ ઘટનાની અસર પડે છે. માફિયાગીરીમાં એનું મન લાગતું નથી. “યાર, તું કેમ આમ બાયલાની જેમ વર્તે છે?” એવું નાનૂનો સાગરીત (મનુ રિશી ચઢ્ઢા) એને પૂછે છે. અધૂરામાં પૂરું સિદ્ધિ ભૂત બનીને નાનૂના ફ્લૅટમાં નિવાસ કરવા આવી જાય છે. નાનૂ એનાથી પિછો છોડાવવા જાતજાતના ઉપાય અજમાવે છે. પછી શું થાય છે એ મહેરબાની કરીને ના પૂછતા. અંતમાં એક સસ્પેન્સ છે, પણ ત્યાં સુધીમાં પ્રેક્ષક ધીરજ ગુમાવી બેઠો હોય છે.

2013માં શરમન જોશી-જાવેદ જાફરીને ચમકાવતી ‘વૉર છોડ ના યાર’ બનાવનાર ડિરેક્ટર ફરાઝ હૈદરએ આ વખતે પ્રેરણા માટે એક તમિળ મૂવીનો સહારો લીધો છે. ચાર વર્ષ પહેલાં આવેલી ‘પિસાસૂ’ નામની આ તમિળ મૂવી હીટ હતી. અભય દેઓલ સાથે ‘ઓયે લકી લકી ઓયે’માં ચમકનારા પ્રતિભાશાળી ઍક્ટર મનુ રિશી ચઢ્ઢાએ પટકથા-સંવાદ લખ્યાં છે. ફિલ્મ જોતી વખતે સતત સવાલ થયા કરે કે શું આ હૉરર મૂવી છે? કૉમેડી છે? ઈમોશનલ ડ્રામા છે?

દયા તો આપણને અભય દેઓલ જેવા ટેલન્ટેડ ઍક્ટરની આવે. એણે શા માટે આવી સ્ક્રિપ્ટ પસંદ કરી હશે? પત્રલેખા મોટા ભાગની ફિલ્મમાં ગેરહાજર રહે છે. ફિલ્મમાં જે કંઈ લાફ્ટર આવે છે એ મનુ રિશી ચઢ્ઢા લાવે છે. રાજેશ શર્મા જેવો દાદૂ ઍક્ટર પણ અહીં વેડફાયો છે. ટૂંકમાં વાતનો સાર એટલો કે આલુ પરાઠા સાથે દહીં ખાવાનો બહુ આગ્રહ રાખવો નહીં, ઘરમાં ટોમેટો-સોસ કે કોથમીર-ફુદીનાની ચટણીથી કામ ચલાવી લેવું!

(જુઓ ‘નાનૂ કી જાનૂ’નું ટ્રેલર)

httpss://youtu.be/fL15eJ6bU_k

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]