‘આ વખતે ઈદ પર હું દશ હજારથી ઓછા નહિ લઉ.’ શબાનાએ તેના અબ્બુને વિનંતી કરતા કહેલું.
‘આટલા બધા પૈસા ક્યાંથી લાવીશું બેટી? ત્રણ હજાર લઇ લે.’ સલીમભાઈએ તેની દીકરીને સમજાવવાનો પ્રયત્ન કરેલો.
હજી તો ઈદ આવવાને ઘણી વાર હતી પરંતુ શબાનાએ પોતાની માંગણી મૂકી દીધી હતી.
‘ત્રણ હજાર નહિ, દશ હજાર. તમે મારા માટે બીજા જે ખર્ચ થવાના હોય તે ન કરતા અબ્બુ, પણ મને રોકડા દશ હજાર આપી દેજો.’
‘એવું તો કેવી રીતે બને? ઈદ છે તો તારા માટે, તારી અમ્મી માટે અને કબીર માટે નવા કપડાં લેવા પડશે. આડોસ પાડોસના લોકો અને મહોલ્લા વાળાઓને સેવૈયા વહેંચવી પડશે. ચાચુના છોકરા આવશે તેને પણ બસ્સો-પાંચસો તો ઇદીમાં આપવા જ પડશે ને? બધું મળીને પચીસ ત્રીસ હજારનો ખર્ચો પાક્કો છે.’ સલીમભાઈએ તેની દીકરીને હિસાબ કરાવેલો.
‘અબ્બુ, આ બધામાંથી તમે મારા નવા કપડાં બાદ કરી નાખો. હું મારી રીતે લઇ લઈશ. મેં થોડા પૈસા બચાવ્યા છે. કબીર માટે પણ હું લાવી આપીશ. એટલે તમારા આ ચાર-પાંચ હજાર તો મેં બચાવી આપ્યા. ત્રણ હજાર માટે તો તમે માની જ ગયા હતા. હવે વાત રહી બીજા ત્રણ-ચાર હજારની. તો તમે એવું કરો થોડા બીજે ક્યાંકથી બચાવી લેજો. પણ મને મારા દશ હજાર રોકડા જોઈએ, સમજ્યા?’ શબાનાએ પ્રેમથી અધિકાર જમાવતા કહેલું અને તેનાથી સલીમભાઇ પાસે હામી ભરવા સિવાય બીજો કોઈ ઉપાય બચ્યો નહોતો. આજ સુધી ક્યારેય દીકરીની જીદ સામે બાપ જીત્યો છે ખરો?
‘પણ એ તો કહે કે તારે દશ હજાર જ કેમ જોઈએ છે? શું કરીશ તું આટલા પૈસાનું?’ સલીમભાઈએ પછીથી સવાલ કરેલો.
‘મારે નવો ફોન લેવો છે, સેમસંગનો. મારી કોલેજમાં બધા પાસે સરસ ફોન છે. બસ મારી પાસે જ સારો ફોન નથી. ફોન મોંઘો છે. મેં ઘણા પૈસા ભેગા કરી લીધા છે પણ હજીયે દશ હજાર ઘટે છે. તમે ઈદી આપશો એટલે લઇ લઈશ.’ શબાનાએ કહેલું.
આ વાત સાંભળીને સલીમભાઈનો ચેહરો ઉતરી ગયેલો. તેમના મુખ પર નિરાશા સ્પષ્ટ દેખાઈ આવી હતી અને એટલા માટે જ શબાનાએ પૂછવું પડેલું, ‘કેમ શું થયું અબ્બુ?’
‘કઈ નહિ બેટા, પણ આપણા જેવા મધ્યમવર્ગના લોકોએ આવી દેખા દેખીમાં ન પડવું જોઈએ. તારી પાસે પણ સ્માર્ટફોન તો છે જ ને? તો પછી મોંઘા ફોન લઈને વટ પાડવાની શું જરૂર?’ સલીમભાઈએ શિખામણના બે શબ્દ કહી દીધા.
‘તમને નહિ સમજાય અબ્બુ. આજના જમાનામાં આ બધું વટ પાડવા માટે નહિ પણ કોલેજમાં લોકોની વચ્ચે રહેવા માટે પણ કરવું પડે છે. તમને કોલેજમાં શું શું થાય છે તે નહિ સમજાય.’ શબાનાએ જરા પણ ગંભીર બન્યા વિના જવાબ આપી દીધેલો.
‘સારું, તને જેમ ઠીક લાગે તેમ. તારી ખુશીમાં જ મારી ખુશી છે.’ સલીમભાઈએ વાતને વધારે આગળ વધારી નહોતી. જુવાનિયાઓને પણ તેમની ઉંમરના લોકો વચ્ચે રહેવા માટે કેટલુંય પ્રેસર સહેવું પડતું હોય છે તે સમજવું સહેલું નથી.
શબાનાએ હાઈસ્કૂલ પુરી કરીને કોલેજનું ભણતર શરુ કર્યું ત્યારથી રોજ સાંજે મહોલ્લાના બાળકોને ટ્યુશન ભણાવવાનું શરુ કરેલું. આ ટ્યુશનમાંથી થોડા ઘણા પૈસા તે કમાઈ લેતી અને તેનાથી પોતાનો ખર્ચો કાઢી લેતી. આમ તો શબાના ઉડાઉ નહોતી. નકામાં ખર્ચ કરે તેવી નહોતી એટલે સલીમભાઈને કે તેમની પત્નીને ક્યારેય તેને ટોકવાની જરૂર નહોતી પડતી. વળી તેના શોખ પણ વધારે નહોતો.
દિવસો વીતતા ગયા. એક મહિનો કેમ જતો રહ્યો તેની ખબર પણ ન રહી. રમઝાનના વિસ રોજા પુરા થઇ ગયેલા. હવે ઇદને દશ દિવસ રહી ગયા હતા. ખરીદદારી શરુ થઇ ગઈ હતી.
એકવીસમાં રોજાના દિવસે સાંજે ઈફ્તાર વખતે શબાનાએ વાત શરુ કરી, ‘અબ્બુ, તમે કપડાં સીવડાવવા આપી દીધા ઈદ માટે?’
‘મંગળવારે આપી દઈશ. હજી નથી આપ્યા. તું અને અમ્મી પણ જઈને કપડાં લઇ આવો તો સાથે જ આપી દઈએ.’ સલીમભાઈએ કહેલું.
‘ના ના અબ્બુ, યાદ છે ને મેં તો દશ હજાર રોકડા માંગ્યા છે. તેની બદલે કપડાંની જવાબદારી મેં લઇ લીધી છે. હું મારી રીતે જુગાડ કરી લઈશ. તમે બસ માટે દશ હજાર રોકડા આપી દો.’ શબાનાએ યાદ કરાવ્યું કે તેને તો દશ હજાર રોકડા જ જોઈશે.
‘દશ હજાર લઈને જ રહીશ તું? એકવાર ફરીથી વિચારી લેજે કે મોબાઈલમાં કેટલો ખર્ચો કરાય અને કેટલો ન કરાય.’ સલીમભાઈએ એકવાર ફરીથી શિખામણ આપી દીધી.
‘હા, અબ્બુ, એ જરૂરી છે, તમને નહિ સમજાય. એ કહો કે ક્યારે આપશો દશ હજાર?’ શબાનાએ તરત જ પોતાના પૈસાની ઉઘરાણી શરુ કરી દીધી.
‘કાલે દુકાનેથી લઇ જજે. કોલેજથી પાછી આવ ત્યારે લેતી જજે.’ સલીમભાઈએ શબાનાને માથે હાથ ફેરવતા કહેલું.
‘આપને ઇસે બહુત સર પે ચડા રખા હૈ.’ શબાનાની અમ્મીએ પણ ટકોર કરી.
‘પરાયા ધન હે, કલ સસુરાલ ચાલી જાયેગી.’ સલીમભાઈએ તેની પત્નીને શાંત કરતા કહેલું.
કબીર નાનો હતો. તેને હજી પૈસાની વાતમાં સમજ પડતી નહોતી એટલે તે કઈ ન બોલ્યો.
બીજા દિવસે શબાના કોલેજ પછી તરત જ તેના અબ્બુની દુકાને પહોંચી ગઈ. વાયદા અનુસાર સલીમભાઈએ તેને દશ હજાર આપી દીધા અને તે ખુશ થતી ‘શુક્રિયા અબ્બુ’ કહેતી ત્યાંથી નીકળી ગઈ.
ચાંદ દેખાયો. સૌએ એકબીજાને ચાંદ મુબારક કર્યા અને બીજા દિવસ માટે સૌ તૈયારીમાં લાગી ગયા. આમ તો નવા કપડાં આવી ગયેલા. શોપિંગ થઇ ગયેલું. બીજા દિવસે સેવૈયા બનાવવાની હતી અને ખુબ સરસ રીતે રમજાનના મહિનાને અલવિદા કરીને ઈદની ખુશ મનાવવાની હતી.
સવાર પડી. સૌ વહેલા ઉઠી ગયા. એકબીજાને ઈદ મુબારક કરી.
સલીમભાઈ નમાઝ માટે મસ્જિદ જતા રહ્યા. શબાના અને તેની અમ્મીએ ઘરમાં નમાઝ અદા કરી અને સેવૈયા બનાવવામાં લાગી ગયા.
દશેક વાગ્યે ફરીથી બધા પરવારીને ફરીથી એક સાથે બેઠા ચા પીતાં હતા ત્યારે સલીમભાઈએ પૂછ્યું, ‘શબાના તારો મોબાઈલ તો બતાવ. કેવો મોબાઈલ લીધો છે?’
‘આજે ડિલિવરી આવવાની છે. બસ થોડીવાર રાહ જુઓ.’
‘પણ તે ફોન લીધો છે કેટલાનો? દશ હજાર તો મારી પાસેથી લીધા. બીજા તે પણ કઈંક તો નાખ્યા હશેને? સલીમભાઈએ ચાનો ઘૂંટ ભરતાં પૂછ્યું.
‘સીતેર હજારનો.’ શબાનાએ કહ્યું.
‘શું?’ સલીમભાઈનું મોં ખુલ્લું રહી ગયું.
‘સતર હજાર કા ફોન?’ શબાનાની અમ્મીએ ચાનો કપ જમીન પર મુકતા નીશાસો નાખ્યો.
‘આટલો મોંઘો ફોન લેવાતો હશે?’ સલીમભાઈએ દુઃખી અવાજે દીકરીને કહ્યું. તેમના અવાજમાં ઠપકો હતો.
‘ફોન જ એટલો સારો છે, તમે જોશો તો તમને પણ ગમશે.’ શબાનાએ કોન્ફિડેન્સથી જવાબ આપ્યો અને અમ્મી અબ્બુ બંનેના ચેહરા પર આવેલા ભાવ જોઈ રહી ત્યાં તો કોઈએ દરવાજે અવાજ આપ્યો.
‘સલીમભાઇનું ઘર આ છે?’ દરવાજે ટકોર થઇ. સૌનું ધ્યાન એ તરફ ગયું.
શબાના તરત ઉભી થઇને ઉત્સાહથી દરવાજા તરફ દોઢી ગઈ, ‘હા, આ જ છે.’
‘ડિલિવરી આવી છે. ચેક કરી લો. સલીમભાઈને જાતે જ આવીને સહી કરવી પડશે.’ ડિલિવરીમેને કહ્યું.
‘અબ્બુ જરા અહીં આવીને સહી કરી દો ને. તમારા નામે ડિલિવરી લીધી છે. પ્લીઝ.’ શબાનાનો ઉત્સાહ શમતો નહોતો.
તદ્દન નિરુત્સાહથી ઉઠીને સલીમભાઇ દરવાજા પાસે આવ્યા.
‘ચેક કરી લો.’ ડિલિવરીમેને તેમને બહાર બોલાવ્યા અને એક સિલ્વર કલરના સ્કૂટર તરફ ઈશારો કરતા કહ્યું.
‘શું ચેક કરી લઉં?’ સલીમભાઈએ આશ્ચર્યથી પૂછ્યું.
‘આ તમારું સ્કૂટર ચેક કરી લો. મીટર રાઇડિંગ સાત કિલોમીટર છે. શો રૂમથી અહીં સુધી ચલાવીને લાવ્યો છું. કલર તમે માંગેલો એ મુજબ સિલ્વર ગ્રે છે. આ સેલ્ફ મારીને જોઈ લો.’ કહેતા ડિલિવરીમેને સેલ્ફ જાતે જ માર્યો અને નોઇઝલેસ સ્કૂટર હળવી ફરેફરી કરીને ચાલુ થયું.
‘સ્કૂટર?’ સલીમભાઇ શોકમાં હતા.
‘અબ્બુ, તમારું સ્કૂટર જૂનું થઇ ગયું છે. કેટલીવાર રીપેર કરાવી કરાવીને ચલાવશો? આ તમારા માટે ખરીદ્યુ છે. ફોન નહિ આ સ્કૂટર માટે જ પૈસા ઓછા પડતા હતા. બેસો તો ખરા, વટ પડશે આખા મહોલ્લામાં તમારો. અપને મહોલ્લે કા એ પહેલા ઇલેક્ટ્રિક સ્કૂટર હે.’ શબાનાએ અબ્બુનો હાથ પકડીને તેને સ્કૂટરની સીટ તરફ લઇ ગઈ.
સલીમભાઇ મુશ્કેલીથી પોતાના આંશુ રોકી શક્યા. શબાનાની અમ્મી તો દરવાજે ઉભા ઉભા જ આસમાન તરફ હાથ ઉઠાવીને પરિવારની સલામતી અને સમૃદ્ધિ માટે દુઆએ કરવા લાગી.
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ ભારતીય હાઈ કમિશન, કેન્યામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)