38.671 અબજ લિટર પાણીનો ટ્રીટમેન્ટ વિના નિકાલ

સ્વચ્છતાનું અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચલાવવું પડે તે બતાવે છે કે આપણે ભલે અંતરિક્ષમાં પહોંચ્યાં હોઈએ, ઇન્ટરનેટથી ઘણું બધું કામ કરી શકતા હોઈએ, પરંતુ નાગરિક સભ્યતામાં આપણે શૂન્ય છીએ. ઘરને સ્વચ્છ રાખવામાં માનતા આપણે શેરી, બગીચો, રસ્તા કે ટ્રેનને સાફ રાખવામાં માનતા નથી કારણ કે ઘરને આપણે પોતાનું સમજીએ છીએ પરંતુ શેરી, બગીચા, રસ્તા કે ટ્રેનને આપણે પોતાની સંપત્તિ નથી સમજતાં. સરકારી સંપત્તિ, જાહેર સંપત્તિ એટલે આપણી સંપત્તિ, આપણા કરના પૈસે નિભાવ થતી સંપત્તિ તેવું આપણા મગજમાં હજુ ઉતરતું નથી. એટલે જ તોફાન વખતે આ સંપત્તિને નુકસાન પહોંચાડીએ છીએ અને સામાન્ય સંજોગોમાં પણ આપણે તેને સ્વચ્છ રાખતા નથી.નાગરિક તરીકે આપણી આ માન્યતા હોય તો પછી સરકારમાં સફાઈતંત્રમાં કામ કરતા લોકોની પણ આ જ માન્યતા હોવાની. એટલે અમદાવાદમાં પીરાણા ખાતે કચરાનો ઢગલો સતત પહાડની જેમ મોટો થતો જતો હોવા છતાં મ્યુનિસિપાલિટી તંત્ર કે જનતા તરીકે આપણાં પેટનું પાણી પણ હલતું નથી. આ સ્થિતિ માત્ર અમદાવાદની છે તેવું નથી. મહારાષ્ટ્રમાં પણ આ જ રામકહાણી છે.

મહારાષ્ટ્રમાં રોજનું 3,000 લિટર જેટલું ગંદું પાણી અને ઔદ્યોગિક કચરો તેની ટ્રીટમેન્ટ વગર નદી કે જળાશયમાં ભળી જાય છે. આ વાત બીજા કોઈએ નહીં પરંતુ કેન્દ્ર સરકારે જ કહી છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડના એક રીપોર્ટ પરથી પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલયે આપેલા એક રીપોર્ટમાં આ વાત જણાવી છે. રીપોર્ટ મુજબ, દેશમાં રોજ 61.948 અબજ જેટલું ગંદુ પાણી ઉત્પન્ન થાય છે જ્યારે દેશની ટ્રીટમેન્ટ ક્ષમતા માત્ર 23.277 અબજ લિટરની જ છે. આનો અર્થ એ થયો કે રોજ 38.671 અબજ જેટલું ગંદું પાણી ટ્રીટમેન્ટ વગર જ નિકાલ પામે છે. આના લીધે કેટલું જળ પ્રદૂષણ થતું હશે!

આમાંથી મહારાષ્ટ્રની જો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 8.143 અબજ લિટર જેટલું ગંદું પાણી ઉત્પન્ન થાય છે. જ્યારે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ થતા ગંદા પાણીનું માપ 5.160 અબજ લિટર છે. આમ, 3 અબજ લિટર જેટલું ગંદું પાણી ટ્રિટમેન્ટ વગર જ નિકાલ પામે છે. બીજી તરફ, મુંબઈનું મહાનગરપાલિકા નિગમ 3.750 અબજ લિટર પ્રતિ દિવસના લેખે પાણી પૂરું પાડે છે જ્યારે હકીકતે લોકોની માગ 4.505 અબજ લિટર પ્રતિ દિવસની છે.

ભારતમાં થતા 80 ટકા રોગો પાણીમાં જન્મતા પેથોજેનના કારણે થાય છે. આવા પાણીથી માણસના આરોગ્યને તો નુકસાન થાય જ છે પરંતુ સાથે પર્યાવરણને પણ તીવ્ર નુકસાન પહોંચે છે. આથી ભારતમાં ગંદા પાણીનો યોગ્ય અને સલામત રીતે નિકાલ ખૂબ જ આવશ્યક છે.

આ બાબતે સર્વોચ્ચ ન્યાયાલય પણ ગંભીર છે. ગયા મહિને તેણે મહારાષ્ટ્ર સરકારને ઉલ્હાસ અને વલ્ધુની નદીને પ્રદૂષિત થવા દેવા બાબતે ખખડાવી હતી. આ નદીઓની રકા કરવા સંબંધિત તંત્રો વચ્ચે કોઈ સંકલન નથી તેવી ટીપ્પણી કૉર્ટે કરી હતી. મુંબઈમાં મીઠી નદી પ્રદૂષિત થઈ છે. તેને સ્વચ્છ કરવા માટે ન્યાયાલયે ગંદા પાણીની યોગ્ય સારવાર થયા પછી જ તેનો નિકાલ થાય તે માટે રાજ્ય સરકારના અધ્યક્ષપણા હેઠળ નિષ્ણાતોની એક સમિતિ પણ બનાવી હતી.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી આ જવાબદારી કોની? નિષ્ણાતોના મતે આ જવાબદારી રાજ્ય સરકારની વધુ છે કારણ કે પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલયે તો રાષ્ટ્રીય નદી જાળવણી યોજના (એનઆરસીપી) હેઠળ રૂ. 45.1782 અબજ મંજૂર કર્યા છે. જેથી 14 રાજ્યોમાં 74 નગરોમાં આવેલી 31 નદીને સ્વચ્છ રાખવા અને પ્રદૂષણ નિવારવા પગલાં લઈ શકાય. પરંતુ આ રકમનો ઉપયોગ કરીને નદીને સ્વચ્છ રાખવાની જવાબદારી તો રાજ્ય સરકારોની અને સ્થાનિક નગરપાલિકા કે મહાનગરપાલિકાની બને છે. અત્યાર સુધીમાં એનઆરસીપી હેઠળ રૂ. 21 અબજ તો વિવિધ રાજ્ય સરકારોને અપાઈ ચૂક્યાં છે અને 2017ના જૂન સુધીમાં ગંદા પાણીના નિકાલની ક્ષમતા વધારી 2.5 અબજ લિટર પ્રતિ દિવસ કરાઈ છે, પરંતુ ગંદા પાણીની યોગ્ય ટ્રીટમેન્ટ થાય તે જવાબદારી સ્થાનિક તંત્ર અને રાજ્યના પ્રદૂષણ બૉર્ડની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]