શ્રદ્ધા એ રડતા રડતા કહ્યું: ‘પપ્પા, હું ઘરે પાછી આવવા માંગુ છું’

શ્રદ્ધાએ માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને જયારે આફતાબ સાથે રહેવાનું નક્કી કર્યું ત્યારે તેને વિશ્વાસ હતો કે તેના મમ્મી પપ્પા થોડા દિવસોમાં જ માની જશે અને પછી તેમના લગ્ન થઇ જશે. પરંતુ તેવું બન્યું નહોતું. આજે ત્રણ વર્ષ વીતી ગયા હતા શ્રદ્ધા અને આફતાબ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા અને તેમના પેરેન્ટ્સ માની જાય તેની રાહ જોતા હતા. શ્રદ્ધા અને અફતાબે નક્કી કર્યું હતું કે તેઓ બંને ત્યારે જ લગ્ન કરશે જયારે બંનેના માતા-પિતાની સંમતિ મળી જાય.

શ્રદ્ધા અને આફતાબ બંને એક જ બેંકમાં નોકરી કરતા હતા. આફતાબ બોસ હતો અને શ્રદ્ધા તેની જુનિયર. બંનેને પ્રેમ થયો અને સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું. શ્રદ્ધાના મમ્મી પપ્પા માન્યા નહિ કે બ્રાહ્મણ થઈને મુસ્લિમ યુવક સાથે લગ્ન કરે તો સમાજમાં નીચું જોવા જેવું થાય. તે સમયે શ્રદ્ધાએ મારી જિંદગી છે એટલે નિર્ણય પણ મારો જ રહેશે તેવું કહીને ઘર છોડી દીધું હતું. જો કે તે અફતાબના ઘરે રહેવા નહોતી ગઈ.

‘જ્યાં સુધી આપણે લગ્ન ન કરીએ ત્યાં સુધી હું તારા ઘરે ન આવી શકું. હું એક એપાર્ટમેન્ટ ભાડે રાખીને રહીશ.’ શ્રદ્ધાએ કહેલું.

‘તું મારા માટે થઈને ઘર છોડતી હોય તો હું પણ તારા માટે મારુ ઘર છોડી શકું છું. આપણે સાથે જ રહીશું.’ અફતાબે પ્રેમથી કહેલું અને બંનેએ સાથે રહેવાનું શરુ કરેલું.

સમય જતા અફતાબે જયારે પોતાના ઘરમાં વાત કરેલી ત્યારે ધર્મનો પ્રશ્ન જ વચ્ચે આવેલો. તેના ઘરના લોકોની શરત એ હતી કે જો છોકરી નિકાહ કરી લે, ઇસ્લામ અંગીકાર કરી લે તો આ ઘરમાં આવી શકે.

શ્રદ્ધા અને અફતાબે નક્કી કરેલું કે લગ્ન કોર્ટમાં કરશે જેથી કોઈને ધર્મ પરિવર્તન ન કરવું પડે.

બંનેની આ સમજના આધારે તેઓ સાથે રહેવા લાગેલા અને પોતપોતાના માતાપિતા જીદ છોડીને તેમનો સ્વીકાર કરે તેની રાહ જોતા હતા. બંને વચ્ચે એકબીજા પ્રત્યે આટલો આદર, સમ્માન અને પરસ્પરને સમજવાની લાગણી હતી તેનાથી જીવનની શરૂઆત સારી થયેલી. ઓફિસમાં તો સૌએ તેમને પતિ-પત્ની જ માની લીધેલા.

પરંતુ શરૂઆતમાં પ્રેમમાં બધું સહજ લાગે છે અને મુશ્કેલીઓનો સાથે સામનો કરી લેવાના કોલ સાચા લાગે છે. સમય વીતે તેમ તેમ આ નાજુક સંબંધ ચુનૌતીઓનો સામનો કરતા કરતા ખેંચાણ અનુભવવા લાગે છે. જેમ સુતરના દોરા પર વધારે ખેંચાણ કે ઘર્ષણ લાગે તો તે ઘસાઈને તૂટી જાય છે તેવું જ પ્રેમ સંબંધમાં પણ થતું હોય છે.

આવી જ સ્થિતિ શ્રદ્ધા અને અફતાબના પ્રેમની થયેલી.

આજે ત્રણ વર્ષ પછી તેમની વચ્ચે ઝગડા થવા લાગેલા. આફતાબને તેના ઘરવાળાની વાત વ્યાજબી લાગવા લાગેલી કે નિકાહ કરવામાં શું બુરાઈ છે? શ્રદ્ધાએ આખરે તો તેના ઘરમાં, તેના સાગા-સંબંધીઓની વચ્ચે જ રહેવાનું છે તો પછી પ્રોબ્લેમ શું છે?

શ્રદ્ધાનો આ બાબતે માટે મત અલગ હતો.

ત્યાર પછી ઓફિસની બાબતો પણ ઘરમાં આવવા લાગી. ઘરમાં આફતાબ બોસની જેમ વર્તવા લાગ્યો અને શ્રદ્ધા ઓફિસમાં પત્નીની જેમ. ધીમે ધીમે બંને વચ્ચે લડાઈ  વધવા લાગી.

એક દિવસ સાંજે આફતાબ અને શ્રદ્ધા વચ્ચે કોઈ બાબત પર બોલચાલ થઇ ગઈ. વાત આ વખતે ઘણી લાંબી ચાલી. ગરમાગરમીમાં અફતાબે શ્રદ્ધાનો હાથ મરડ્યો અને ચેહરા પર તમાચો ઝીંકી દીધો. શ્રદ્ધાની આંખમાં પાણી આવી ગયા અને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. થોડીવાર પછી ગુસ્સો શાંત થયો પછી અફતાબે શ્રદ્ધાને મનાવવાની કોશિશ કરી.

‘સોરી, શ્રદ્ધા. ગુસ્સામાં એવું થઇ ગયું. હવે પછી તેવું નહિ કરું.’

‘મેં તારા માટે મારુ ઘર છોડ્યું અને આજે તે મારા પર હાથ ઉઠાવ્યો? તારા ભરોસે હું કેવી રીતે રહી શકું?’

તે દિવસે તો વાત ત્યાં દબાઈ ગઈ. બંને વચ્ચે મિલાપ થઇ ગયો અને થોડા દિવસ સુધી કોઈ વાત પર લડાઈ પણ ન થઇ. પરંતુ એકાદ મહિના બાદ ફરીથી કોઈ વાતને લઈને ઝગડો થતા આ વખતે આફતાબે ગુસ્સામાં ન માત્ર તમાચો માર્યો પરંતુ શ્રદ્ધાને પેટમાં બે મુક્કા પણ મારી દીધા. પુરુષના હાથની મારથી નાજુક શ્રદ્ધાનો શ્વાસ રૂંધાયો અને તેના ગળે ડૂમો બંધાયો.

‘આજે તે ફરીથી મારા પર હાથ ઉઠાવ્યો છે.’ શ્રદ્ધાએ ફરિયાદ કરી.

‘તું તેને જ લાયક છે.’ આફતાબ હજુ પણ ગુસ્સામાં હતો.

શ્રદ્ધા દર્દથી કણસતી પોતાના બેડરૂમમાં જતી રહી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો.

આફતાબ ગુસ્સામાં બહાર બબડતો રહ્યો.

અડધા કલાક પછી તેમના ઘરનો ડોરબેલ વાગ્યો. શ્રદ્ધાએ બેડરૂમમાંથી બહાર આવીને દરવાજો ખોલ્યો. આફતાબ ડ્રોઈંગરૂમમાં જ બેઠો હતો.

‘દીકરા શું થયું?’ દરવાજે શ્રદ્ધાના મમ્મી-પપ્પા બંને હતા.

‘પપ્પા, હું ઘરે પાછી આવવા માંગુ છું.’ શ્રદ્ધા રડતા રડતા તેના મમ્મી-પપ્પાને ભેંટી પડી.

‘હા બેટા, તારું જ ઘર છે. જયારે તારી ઈચ્છા હોય ત્યારે આવી જા.’ મમ્મીએ શ્રદ્ધાને છાની રાખતા કહ્યું.

‘થેન્ક યુ મમ્મી. મને લાગ્યું કે મેં એકવાર ઘર છોડ્યું એટલે હજી તમે ગુસ્સામાં હશો અને મને સ્વીકારશો કે નહિ.’

‘જરાય સંકોચ ન કર. સામાન ભરી લે.’ શ્રદ્ધાના પપ્પાએ દીકરીના માથે હાથ ફેરવતા કહ્યું.

‘પણ શ્રદ્ધા તેઓએ આપણા લગ્નને સ્વીકારવાની ના કહી દીધેલી. તું ભૂલી ગઈ? આજે તો તેમની સાથે જવા માંગે છે?’ આફતાબે શ્રદ્ધાનો ખભો પકડીને તેને ખેંચતા કહ્યું.

‘તેઓ મારા મમ્મી-પપ્પા છે. તેઓનો મારા પર હક છે. તેમને યોગ્ય લાગ્યું તે કહ્યું. પરંતુ એકવાર ઘર છોડ્યું છે એટલે ફરીથી તેમની સાથે વાત ન કરવાની જીદે હું તારો માર ખાવા અહીં પણ નથી રહેવાની. આજ સુધી મારા મમ્મી-પપ્પાએ મારા પર હાથ નથી ઉઠાવ્યો. તે બીજી વખત મને માર માર્યો છે. જો હું મારી જીદને કારણે તારી સાથે જ રહીશ તો તું ક્યારેક મને જાનથી પણ મારી નાખીશ. બે વાર તારો હાથ ઉઠ્યો છે તો હવે વારે વારે ઉઠશે તે વાતની મને ખાતરી થઇ ગઈ છે.’ શ્રદ્ધાએ અફતાબનો હાથ પોતાના ખભા પરથી હટાવતા મક્કમતાથી કહ્યું.

‘પણ તે તો કહેલું કે તેમની સાથે બધા જ સંબંધો તે તોડી નાખ્યા છે?’

‘જેને મને જન્મ આપ્યો અને આટલી મોટી કરી તેની સાથેના સંબંધ મારા તોડવાથી ન તૂટે તે તો તારી નજર સામે જ દેખાઈ રહ્યું છે. હું તેમની સામે કોઈ ઈગો કે જીદ કરવાને બદલે પોતાની સેફટી પહેલા વિચારીશ. તારી સાથે હું સેફ નથી. તેમની સાથે હું સેફ છું. હવે મને કોલ ન કરીશ. તારે જીવનમાં જે કરવું હોય તે કરજે પણ મારી આશા ન રાખતો.’  શ્રદ્ધાએ પોતાનો આખરી નિર્ણય અફતાબને સંભળાવી દીધો.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ ભારતીય હાઈ કમિશન, કેન્યામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)