માનો યા ન માનોઃ લંડનની બસ દોડશે કોફી પર…

કોફી પીવાથી તાજગીનો અનુભવ થાય, ઉત્સાહમાં વધારો થાય એવું દુનિયાભરમાં ઘણા લોકો કહેતા હોય છે, પણ એ જ કોફીનો ઉપયોગ વાહનમાં ઈંધણ તરીકે કરાય એવું ક્યાંય કોઈના મોઢે સાંભળ્યું નહીં જ હોય. પણ આ સમાચાર માનવામાં ન આવે તોય સાચા છે. લંડનમાં આવું બને છે.

મુંબઈમાં જેમ લોકલ ટ્રેન સેવા મહાનગરની ધોરી નસ સમાન ગણાય છે તેમ લંડનમાં સાર્વજનિક ટ્રાન્સપોર્ટનો મોટો આધાર છે બસ સેવા. એની બસમાં કોફીનો ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોફીના કૂચામાંથી જે B20 બાયોફ્યુઅલ તેલ તૈયાર કરવામાં આવે છે એનો ડિઝલથી ચાલતી બસમાં ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

હાલપૂરતું આ એક અજમાયશ કરવામાં આવી રહી છે. જો આ પ્રયોગ સફળ થશે તો આ જ ઈંધણ અન્ય વાહનોમાં પણ વાપરવામાં આવી શકે છે, એવી આશા અધિકારીઓએ વ્યક્ત કરી છે.

બાયો-બીન કંપનીના સ્થાપક આર્થર કૅ – કોફી ઓઈલના સર્જક

લંડનમાં બાયો-બીન લિમિટેડ નામની કંપનીએ આ પ્રયોગ શરૂ કર્યો છે. આ કંપનીએ એક વર્ષમાં ભેગા કરવામાં આવેલા કોફીના કચરા-કૂચામાંથી બનાવવામાં આવેલા તેલનો ઉપયોગ બસ ચલાવવા માટે કર્યો છે.

કંપનીનો દાવો છે કે લંડનમાં રહેવાસીઓ કોફીનો વપરાશ કર્યા બાદ જે કૂચો-કચરો ફેંકી દે છે એનો વર્ષ દરમિયાન બે લાખ ટન કચરો તૈયાર થાય છે. એ જ કચરાને કંપનીએ કોફીની દુકાનો તથા કોફી પર પ્રક્રિયાઓ કરતી ફેક્ટરીઓ પાસેથી વેચાતો લીધો હતો અને એમાંથી તેલનું ઉત્પાદન કર્યું હતું.

કોફીના કચરામાંથી તૈયાર થયેલું આ B20 બાયોફ્યુઅલ અન્ય તેલમાં મિક્સ કરવામાં આવે છે અને એમાંથી વિશેષ ઈંધણ તૈયાર કરવામાં આવે છે. જેના દ્વારા બસ દોડાવી શકાય છે.

આ ઈંધણને ટ્રાન્સપોર્ટ ફોર લંડન કંપનીએ તેના સૌથી પહેલાં તેના બસ નેટવર્કમાં એટલે કે સિટી બસમાં વાપરવાને પ્રાધાન્ય આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક વહીવટીતંત્રે શહેરમાં વધી ગયેલા પ્રદૂષણને ઘટાડવા માટે અનેક પગલાં લીધા છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડને આ માટે બાયો-બીન, શેલ અને એર્જન્ટ એનર્જી કંપનીઓ સાથે સહયોગ કર્યો છે. તેઓ પ્રાયોગિક ધોરણે ડબલ ડેકર બસોમાં B20 બાયોફ્યુઅલ ભરીને બસ ચલાવશે. આ B20 બાયોફ્યુઅલ કોફીના કચરામાંથી પ્રાપ્ત કરાયેલા બ્લેન્ડિંગ ઓઈલ અને બીજાં ઓઈલમાં મિક્સ કરવામાં આવે છે.

બાયો-બીનનો દાવો છે કે એણે લંડનની એક બસ આખું વર્ષ સુધી ચાલી શકે એટલું કોફી-ઈંધણ પ્રોડ્યૂસ કર્યું છે. લંડનના લોકો પ્રતિ દિવસ અંદાજે બે કરોડ કપ કોફી પીએ છે. આમાંથી જે કચરો-કૂચો મળે એ ટ્રાન્સપોર્ટ ફોર લંડનના સમગ્ર નેટવર્કને ત્રીજું ઈંધણ પૂરું પાડવા માટે પર્યાપ્ત છે.

બાયો-બીનનો પ્લાન્ટ એક વર્ષમાં કોફીના 50 હજાર ટન કચરાને રીસાઈકલ કરી શકે છે. બી-20 બાયોફ્યુઅલનો ઉપયોગ કરવા માટે બસમાં કોઈ પ્રકારનું મોડિફિકેશન કે ફેરફાર કરવાની જરૂર નથી તેમજ એની પાછળનો ખર્ચ પણ ઓછો રહે છે.