રાજકુમાર–દિલીપકુમારે બધાંને ખોટા પાડ્યા

સુભાષ ઘઇએ જ્યારે રાજકુમાર અને દિલીપકુમાર સાથે ફિલ્મ ‘સૌદાગર’ (૧૯૯૧) બનાવવાનો વિચાર કર્યો ત્યારે બધાંએ એ સાકાર નહીં થાય એવી ચેતવણી આપી હતી. પરંતુ એમના માટે આ ફિલ્મ બનાવવાનું સૌથી સરળ રહ્યું હતું. ઘઇએ જ્યારે સ્ક્રીપ્ટ લખી અને એને બનાવવાની જાહેરાત કરી ત્યારે બધાએ ચોખ્ખું કહ્યું હતું કે આ ફિલ્મ બનાવશો નહીં. જો બનાવવા જશો તો ત્રણ વર્ષ લાગી જશે. કેમકે બે મોટા મૂડી સ્ટાર સાથે કામ કરવાનું મુશ્કેલ બનશે.

ઘઇને આત્મવિશ્વાસ હતો કે પ્રામાણિક રહીને ફિલ્મ બનાવવા માગે છે એટલે કોઇ મુશ્કેલી આવશે નહીં. ઘઇને ત્યારે એ વાતનો બહુ ખ્યાલ ન હતો કે રાજકુમાર અને દિલીપકુમાર ૨૩ વર્ષ પછી સાથે કામ કરવાના હતા અને એમની વચ્ચે મતભેદ કે દુશ્મની હોવાની વાત હતી. એમણે સ્ટારકાસ્ટ નક્કી કરી ત્યારે લેખકે પણ ચેતવ્યા હતા. ઘઇએ જ્યારે દિલીપકુમારને એમની ‘વીરુ’ ની ભૂમિકા સાથે આખી વાર્તા સંભળાવી ત્યારે એમણે ફિલ્મમાં એમના દોસ્ત ‘રાજુ’ ની ભૂમિકા કોણ કરવાનું છે એમ પૂછ્યું. ઘઇ દ્વારા રાજકુમારનું નામ આપવામાં આવ્યું ત્યારે એ હસ્યા અને માત્ર એટલું જ કહ્યું કે એમને તમારે સંભાળવા પડશે. પછી ઘઇને ખબર પડી કે બંને એકબીજા સાથે વાત પણ કરતા ન હતા.

ઘઇએ જ્યારે રાજકુમારને ફિલ્મમાં કામ કરવા કહ્યું ત્યારે એમને સ્ક્રીપ્ટ પસંદ આવી ગઇ અને કહ્યું કે દિલીપકુમાર બહુ સારા અભિનેતા છે. એમણે પોતાના અંદાજમાં એમ કહ્યું હતું કે,’જાની, ઇસ દુનિયામેં હમ અપને બાદ કિસી કો એક્ટર માનતે હૈં તો વો હૈ દિલીપકુમાર.’ સુભાષ ઘઇએ બંને અભિનેતાને એકબીજાની વાત કરી અને તેઓ સાથે કામ કરવા તૈયાર થઇ ગયા એટલે એક પડાવ પાર કરી લીધો. ફિલ્મનું શુટિંગ શરૂ થયું અને કેટલાક કિસ્સા બન્યા પણ ઘઇએ પોતાની કુનેહ અને કામથી બંને અભિનેતાઓનું દિલ જીતી લીધું હોવાથી તેઓ પોતે માનતા હતા કે એક- સવા વર્ષમાં ફિલ્મ પૂરી થઇ જશે. એના બદલે માત્ર નવ મહિનામાં ફિલ્મ ‘સૌદાગર’ તૈયાર થઇ ગઇ.

સુભાષ ઘઇને અગાઉની ‘ખલનાયક’ વગેરેને બનાવતાં એક વર્ષથી વધુનો સમય લાગી ગયો હતો. લોકો જેને મુશ્કેલ ફિલ્મ માનતા હતા એ સુભાષ ઘઇ માટે સૌથી સરળ સાબિત થઇ હતી. રાજકુમાર અને દિલીપકુમારે એમના વિશે જે વાતો ચાલતી હતી એને સાથે કામ કરી ખોટી પાડી હતી. ફિલ્મ એટલી મોટી હિટ રહી કે સિલ્વર જ્યુબીલી મનાવી. ‘ફિલ્મફેર’ એવોર્ડસમાં ‘સૌદાગર’ ને આઠ નામાંકન મળ્યા હતા. જેમાં એક સુભાષ ઘઇને ‘શ્રેષ્ઠ નિર્દેશક’ નો અને બીજો શ્રેષ્ઠ એડિટીંગ માટે એવોર્ડ મળ્યો હતો.