અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું તે સમયે ઘણા વિસ્તારોમાંથી ઈવીએમમાં ગડબડ થઈ હોવાની માહિતી સામે આવી હતી. કોંગ્રેસે ઘણી જગ્યાઓ પર ઈવીએમ મશીનમાં ગડબડ થઈ હોવાની ફરિયાદ કરી હતી. જો કે ભાજપ દ્વારા તમામ ફરિયાદોને નકારવામાં આવી હતી. અને ચૂંટણી પંચે તપાસ બાદ જ્યાં ક્ષતિ સર્જાઈ હતી તે ક્ષતિને દૂર કરી હતી અને ઈવીએમમાં ગડબડી હોવાના આરોપો મુદ્દે તપાસ કરી અને ઈવીએમમાં કોઈ ગડબડી ન હોવાની જાહેરાત કરી હતી.કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવતા જણાવ્યું હતું કે ઈવીએમમાં ગડબડ છે, જેની ફરિયાદ ચૂંટણી આયોગને કરવામાં આવી હતી. કુલ 16 જગ્યાઓ પર ઈવીએમમાં ગડબડ હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોરબંદરથી 8, અમરેલીમાં 3, અને વલસાડમાં 5 જેટલા બૂથો પર ઈવીએમમાં ગડબડ સામે આવી હતી. ઘટનાની માહિતી મળતાં ચૂંટણીપંચના અધિકારીઓ તાત્કાલીક બૂથ પર પહોંચ્યા હતા અને તપાસના અંતે ઈવીએમમાં કોઈપણ પ્રકારની ગડબડ ન હોવાનું ચૂંટણી પંચે જાહેર કર્યું હતું અથવા તો જ્યાં ટેક્લનીકલી કોઈ ખામી સર્જાઈ હતી ત્યાં તરત જ તેને દૂર કરીને મતદાનને રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું.
સૂરતના વરાછામાં સરદાર પટેલ વિદ્યાલયમાં બનાવવામાં આવેલા બૂથ પર મશીન ખરાબ હોવાની ફરીયાદો ઉઠી હતી ત્યારે ચૂંટણી પંચ દ્વારા જે ઈવીએમ મશીનમાં ખામી પ્રકાશમાં આવી હતી કે તમામને તરત જ બદલી દેવામાં આવ્યાં હતા. અહીં ઉપસ્થિત ચૂંટણી આયોગના એક અધીકારીએ જણાવ્યું હતું કે કુલ બે ઈવીએમ અને એક વીવીપેટ મશીનને બદલવામાં આવ્યું છે. આ ઈલેકટ્રોનિક સામાન છે જેમાં ટેક્નીકલી ખામી સર્જાઈ શકે છે. ત્યારે તમામ અટકળો અને ક્ષતિઓની વચ્ચે ઈવીએમ મશીનને બદલીને મતદાનને પુનઃ શરૂ કરવામાં આવ્યું હતું.
સમગ્ર મામલે ચૂંટણી પંચના અધિકારી દ્વારા ગાંધીનગરમાં તાત્કાલીક પત્રકાર પરીષદ યોજીને સ્પષ્ટતા કરવામાં આવી હતી. બી બી સ્વૈને જણાવ્યું હતું કે જે મુજબ કોઈપણ વ્યક્તિને ફરીયાદ કરવાનો ચોક્કસ હક્ક હોય છે. જે જગ્યાએથી ફરિયાદ સામે આવી ત્યાં અમારા અધિકારીઓએ પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોરબંદરના શારદાનગર સ્કૂલ મેમનવાડ મતદાનમથકમાં બ્લૂટૂથથી ઈવીએમ ચેડાંની ફરિયાદ સંદર્ભે ઇસીના ઓબ્ઝર્વર સહિતની ટીમે ખરાઇ કરવામાં આવી, પોલિંગ એજન્ટ મનોજ સિંગરખિયા પાસેના મોબાઇલની બ્લૂટૂથમાં જે નામ હતું તે ઇસીએ 105 હોવાથી ગેરસમજ થઇ છે, હેકિંગ થઇ હોવાનું માનવાનું કોઇ કારણ નથી શંકાને કોઇ કારણ નથી. ઇલેક્શન કમિશનને રીપોર્ટ સબમિટ કરાયો છે, તેમ જણાવ્યું હતું.