સુમિત્રાબેને રિબીન કાપીને પાસે ઉભેલી છોકરીના હાથમાં પકડેલી પ્લેટમાં કાતર પાછી મૂકી અને સૌના તાળીઓના ગડ્ગડાટનો પ્રતિભાવ આપતા હાથ જોડ્યા. અને ત્યાં હાજર ત્રણસો લોકોની ભીડ સામે એક નજર નાખી.
આજે શહેરના એક સ્થળે મહિલાઓ માટેની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા સુમિત્રાબેન પધાર્યા હતા. પંચાવનની આસપાસની ઉંમર, સુડોળ શરીર, ગોરો રંગ, ચેહરા પર સુંદર મેકઅપ અને સફેદ સાડીમાં સુમિત્રાબેન ત્યાં હાજર સૌમાં અલગ દેખાઈ આવતા હતા. આજે માત્ર શહેરમાં જ નહિ પરંતુ પુરા જિલ્લામાં સુમિત્રાબેનનું નામ મહિલા વિકાસ માટે સક્રિય કાર્ય કરવા માટે જાણીતું હતું.
‘સુમિત્રા મહિલાઆશ્રમ’ નામથી તેઓએ અનાથ અને વિધવા મહિલાઓ માટે આશ્રમ ખોલ્યો ત્યારે તો રાજ્યના મુખ્યમંત્રી જાતે જ ઉદ્ઘાટન કરવા આવેલા અને ત્યારબાદ જયારે પણ કોઈ મંત્રી એ શહેરની મુલાકાત લે ત્યારે જરૂર આશ્રમમાં આવે. ધીમે ધીમે સુમિત્રાબેનની પ્રતિષ્ઠા વધવા લાગેલી.
‘સુમિત્રાબેન તમે તો કેટલીય મહિલાઓના જીવનનો ઉદ્ધાર કર્યો છે. આપના આ સેવા કાર્યથી ખુબ પુણ્ય કમાશો.’ શહેરના નવા આવેલા મ્યુનિસિપલ કમિશ્નરે સુમિત્રાબેનની પ્રસંશા કરતા કહ્યું.
‘હું તો બસ મારાથી બનતું કામ કર્યે જાઉં છું અને તે પણ ઉપરવાળાની સહાય વિના શક્ય નથી.’ સુમિત્રાબેને વિનમ્રતાથી જવાબ આપ્યો. કાર્યક્રમના ભાગરૂપે સુમિત્રાબેનનું મીડિયામાં ઇન્ટરવ્યૂ પણ થયું.
કાર્યક્રમ પૂરો થયા પછી સુમિત્રાબેન પોતાના આશ્રમે પાછા આવ્યા. પોતાના રૂમમાં જઈને ફ્રેશ થયા અને થોડીવાર આરામ કર્યો. બેલ વગાડ્યો એટલે એક માધ્યમ વયની સ્ત્રી રૂમમાં આવી.
‘મંગલા, મારા માટે પાણી લાવ. પછી એક કપ કડક ચા બનાવી આપજે. અને હા, સંભાળ. જતા જતા પ્રભાને મોકલજે ‘ને. કહેજે આશ્રમના એકાઉન્ટનો ચોપડો લઈને આવે.’ સુમિત્રાબેને આળસ મરડતા કહ્યું અને પછી બાથરૂમમાં જઈને ફેસવોશથી મોં ધોઈ સફેદ નેપકીન વડે પોંછતા રૂમમાં પાછા આવીને ડ્રેસિંગ ટેબલ સામે જઈ ફેસ ક્રીમ લગાવી એટલામાં દરવાજે ટકોર થઇ.
‘બેન, અંદર આવું?’ દરવાજેથી અવાજ આવ્યો.
‘આવ પ્રભા.’ સુમિત્રાબેને ક્રીમની ડબ્બી ડ્રેસિંગ ટેબલ પર મૂકી અને પ્રભા તરફ વળ્યાં.
‘બેન, આ એકાઉન્ટનો ચોપડો લાવી છું.’ ત્રિસેકની વયની એ યુવતીએ પહેરેલી સફેદ સાડી પરથી જણાતું હતું કે તે આશ્રમની વિધવા હતી.
‘આજના કાર્યક્રમનું કવર આવ્યું?’ સુમિત્રાબેને ચોપડો હાથમાં લઈને પાના ફેરવતા પૂછ્યું.
‘હા બેન આવી ગયું છે.’ પ્રભાએ હંકારો ભણ્યો.
‘કેટલા છે?’
‘પાંચ લાખ છે.’ પ્રભાએ કહ્યું.
‘બસ? હવેથી પહેલા જ સંકેત આપી દેવો પડશે. પાંચ લાખમાં શું થાય? હજી તો આશ્રમના બધા રૂમમાં એસી ફિટ કરાવવા છે. પાંચ રૂમ નવા બનાવવાના છે. કોન્ફરન્સ રૂમ બનાવવો છે. આપણી ગાડી પણ બદલવાની છે ને?’ સુમિત્રાબેને એકસાથે બધી જરૂરિયાતો ગણાવી દીધી અને પ્રશ્નાર્થ દ્રષ્ટિએ પ્રભા સામે જવાબની રાહ જોતા તાકી રહ્યા.
‘હા બેન વાત તો સાચી છે. પણ આપણે ઉદ્ઘાટન કરવા જવા માટે કોઈ નિશ્ચિત રકમ માંગીએ કેવી રીતે? થોડું અજુગતું ન લાગે?’ પ્રભાએ નિર્દોષભાવે પૂછ્યું.
‘પ્રભા, માંગવાની જરૂર નથી. માત્ર સંકેત આપવો જરૂરી છે. હવેથી કોઈ આવી રિકવેસ્ટ લઈને આવે ત્યારે તારે વાતવાતમાં કહી દેવાનું કે હા બેન આ પહેલા ફલાણી જગ્યાએ ઉદ્ઘાટન માટે પણ ગયેલા અને તેમની હાજરીથી અને કામથી પ્રભાવિત થઈને આશ્રમને દશ લાખનું દાન પણ કરેલું. સમજાયું?’ સુમિત્રાબેને પ્રભાને રીત શીખવાડી અને પ્રશ્ન કર્યો.
‘હા, ઓકે. એ રીતે કરી શકાય.’ પ્રભાએ હકારમાં માથું ધુણાવ્યું.
‘અને પછી ઉમેરવાનું કે સુમિત્રાબેન તો ક્યારેય કોઈ પાસે દાન માટે માંગણી કરતા જ નથી. પરંતુ તેમના પુણ્યના કામમાં સહયોગી અને ભાગીદાર બનવા લોકો સામેથી જ દાન આપતા હોય છે.’ સુમિત્રાબેને વધારાની શિખામણ પણ આપી.
પ્રભાએ વાતને બરવાર સમજી અને હવે પછી એ રીતે વર્તવાની ખાતરી આપી.
‘બેન, એક બીજી વાત પણ કરવી હતી.’ પ્રભાએ વાત બદલતા કહ્યું. આ વખતે તેનો ચેહરો થોડો ગંભીર હતો.
‘હા, બોલ.’ સુમિત્રાબેન ફરીથી અરીસા પાસે જઈને પોતાના વાળ ઓળવા લાગેલા.
‘પેલા રાજકારણીનો ફોન હતો. કાજલને તેમના બંગલે લઇ જવા માંગે છે.’ પ્રભાએ થોડા ધીમા અવાજે કહ્યું.
‘હા એને મને વાત તો કરી છે.’
‘પણ તેનો ઈરાદો સારો લાગતો નથી મને. અને કાજલ પણ થોડી ગભરાય છે.’ પ્રભાએ સુમિત્રાબેનની નજીક જઈને લગભગ તેમના કાનમાં જ કહ્યું.
‘પ્રભા, કાજલને સમજાવ કે આવી તક વારે વારે નહિ મળે. આટલી યુવાનીમાં વિધવા થઇ છે અને સુંદર પણ છે. બહાર લોકો તેને જીવવા નહિ દે. કોઈ પાવરફુલ વ્યક્તિ જોડે રહેશે તો ભવિષ્ય સુનિશ્ચિત થઇ જશે અને એક રીતે પ્રોટેક્શન પણ મળી જશે.’ સુમિત્રાબેને અંબોળામાં રબર ભરાવી લીધું અને પછી આગળ બોલ્યા, ‘પણ તે રાજકારણી ને કહે કે થોડી તો અક્કલ વાપરો. ઘરે લઇ જશો તો સમાજ શું બોલશે? ઓફિસ લઇ જાઓ અને સેક્રેટરી બનાવો. પછી એ પોતે સમજદાર છે.’ સુમિત્રાબેન મનોમન પોતાના શાણપણ પર ખુશ થઇ રહ્યા હતા.
‘પણ આપણે આ રીતે…’ પ્રભાને શબ્દો ન મળ્યા કે પોતાની વાત કેવી રીતે મૂકે.
‘કાજલને સમજાવ. અને એ રાજકારણી પાસેથી પચાસ લાખનું દાન મળવું જોઈએ.’ સુમિત્રાબેને કોન્ફિડન્સથી કહ્યું. એટલામાં દરવાજે ટકોર થઇ અને તેમની ચા આવી ગઈ. પ્રભા એકાઉન્ટનો ચોપડો લઈને રૂમની બહાર નીકળી ગઈ પરંતુ તેને ખબર હતી કે એ ચોપડામાં આશ્રમના બધા ખાતા ખુલી શકે તેમ નહોતા.
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ ભારતીય હાઈ કમિશન, કેન્યામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)