ગુજરાત…

 

સચીન તેંડૂલકર કચ્છ મુલાકાતે

ભારતીય ક્રિકેટમાં દંતકથારૂપ બની ગયેલાં મહાન ક્રિકેટર સચીન તેંડૂલકર કચ્છની મુલાકાતે આવ્યાં હતા. સચીન અને તેમના અન્ય ચાર મિત્રો સપરિવાર કચ્છ ફરવા આવ્યાં હતા. તેઓ ફ્લાઈટમાં ભૂજ એરપોર્ટ પર ઉતરી અને સીધા માંડવી બીચ પર આવેલાં સેરેના બીચ રીસોર્ટ જવા માટે રવાના થયાં હતાં. સચીન તેંડૂલકરની આ મુલાકાત સંપૂર્ણ અંગત હતી.


 


કેરી ઓન કેસર’ બેસ્ટ ગુજરાતી ફિલ્મ, સ્મિત પંડ્યા બેસ્ટ કોમેડિયન

ગુજરાત આઈકોનિક ફિલ્મ એવૉર્ડ(જિફા) 2017માં બેસ્ટ એકટ્રેસ ઓફ ધ યરનો એવૉર્ડ સુપ્રિયા પાઠકને ફિલ્મ ‘કેરી ઓન કેસર’માં અભિનય માટે આપવામાં આવ્યો હતો. તેમજ બેસ્ટ એક્ટર ઓફ ધ યરનો એવૉર્ડ મનોજ જોશીને ફિલ્મ ‘પપ્પા તમને નહી સમજાય’ માટે મળ્યો. 2017ના વર્ષની બેસ્ટ ફિલ્મ ‘કેરી ઓન કેસર’ રહી. તેમજ બેસ્ટ ડિરેક્ટર ઓફ ઘ યરનો જિફા એવૉર્ડ ધર્મેશ મહેતાને ફિલ્મ ‘પપ્પા તમને નહી સમજાય’ માટે મળ્યો હતો. બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ સ્મિત ગોપાલ પંડ્યાને ફિલ્મ ‘વિટામિન She’ માટે આપવામાં આવ્યો. સ્મિત પંડ્યા ‘ચિત્રલેખા’ના વડોદરા સ્થિત સંવાદદાતા ગોપાલ પંડ્યાના પુત્ર છે.


 

૪૭ નગરપાલિકાઓમાં ફરી ભાજપનું શાસન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ આમનેસામનેની લડાઈમાં હતી. ગુજરાતના 33 જિલ્લાના 75 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 64.37 ટકા મતદાન થયું હતું, મોટાભાગની નગરપાલિકાઓ પર ભાજપનો ભગવો લહેરાયો છે. તો સામે કોંગ્રેસ પણ ફાઈટ આપી હતી. આ ચૂંટણીમાં ભાજપે 47  નગરપાલિકા કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસે 16 નગરપાલિકા પર જીત મેળવી હતી.


ફી નિયમન મામલે સુપ્રીમનો ચૂકાદો

ફી નિર્ધારણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લવાયેલા ફી નિયમન કાયદો અને તેની જોગવાઇઓ અંગે સુપ્રીમ કોર્ટમાં અલગઅલગ કેસ દાખલ કરવામાં આવ્યાં હતાં. તેની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમે આદેશ કર્યો કે વધારાની ઉઘરાવાયેલી ફી પરત કરવી. વાલીમંડળને રેગ્યૂલેટરી કમિટીમાં સ્થાન આપવું અને નવેસરથી ફી રેગ્યૂલેટરી કમિટીની રચના કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો હતો.


સાહિત્યકાર નિરંજન ભગતનું નિધન

ગુજરાતના વરિષ્ઠ કવિ નિરંજન ભગતનું 91 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠક દરમિયાન તેમને બ્રેઈન સ્ટ્રોકનો એટેક આવતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા તેમને સારવાર અપાઈ હતી, અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો ન આવતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પણ તેમના શરીરના અવયવોની કામગીરી પુનઃ શરૂ ન થતાં તબીબોની સલાહથી તેમના પરિવારજનોએ વેન્ટિલેટર હટાવી લીધું હતું. અને આખરે સાંજે નિરંજન ભગતનું તેમના ઘરે જ અવસાન થયું હતું.


ગુજરાતી શીખવવી ફરજિયાત

ગુજરાતી ભાષાને ફરજિયાત બનાવતું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં આવેલી કોઇપણ બોર્ડની શાળામાં ધોરણ 1થી 8 સુધીમાં ગુજરાતી શીખવવી ફરજિયાત કરવામાં આવ્યું હતું. આ વિધેયક ગુજરાત વિધાનસભા નિયમોના નિયમ-૪૪ હેઠળ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું.


લોકશાહીને લાંછનઃ ધારાસભ્યોની મારામારી

ગુજરાતની લોકશાહીનો લાંછન લાગે તેવી ઘટના આજે વિધાનસભામાં બની છે. કોંગ્રેસના ધારાસભ્યોએ માઈક અને બેલ્ટ ઉઠાવીને ભાજપના ધારાસભ્યો પર હૂમલો કર્યો હતો. કોંગ્રસનો આક્ષેપ હતો કે તેઓ અપશબ્દો બોલ્યાં હતાં. આવી ક્ષોભજનક સ્થિતિની નોંધ લઈને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના બે ધારાસભ્યો પ્રતાપ દૂધાત અને અંબરીષ ડેરને 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં હતાં તેમ જ કોંગ્રેસના અન્ય ધારાસભ્ય બળદેવ ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતાં.


માંડવામાં માતમ, અનીડા ટ્રક દુર્ઘટનામાં 35ના મોત

રાજકોટ ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો. પાલીતાણાના અનીડા ગામથી જાન ટ્રકમાં નીકળી હતી, અને આ જાન બોટાદના ટાટમ ગામે જતી હતી. ભાવનગરના રંધોળા ગામ પાસે ટ્રક નદીના નાળામાં ખાબકી હતી. આ અકસ્માતમાં 35 લોકોના મોત થયા હતા. કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. તેમને ભાવનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. મુખ્યપ્રધાને આ ઘટનાની વિગતો લઇ તમામ સહાયતા ત્વરિત પહોંચે તે માટેના તુરંત જ આદેશો આપ્યા હતા. મૃતકોના પરિવારને સીએમ રાહતફંડમાંથી મૃતકોના પરિવારને ચાર-ચાર લાખ રુપિયા સહાયરાશિ જાહેર કરી હતી.


પ્રવાસીઓને મળશે ત્રણ નવા સફારી પાર્ક

ગુજરાતના પ્રાણીપ્રેમીઓ તથા સફારી પાર્કમાં ફરવાવાળા મુલાકાતીઓ માટે ગુજરાતમાં નવાં આકર્ષણ ઊભાં થશે. કારણ કે ગુજરાત સરકારે કુલ ત્રણ સફારી પાર્કને મંજૂરી આપી છે. સૂરતના માંડવીમાં, અને ડાંગમાં દીપડા માટે પાર્ક બનશે. તીલકવાડામાં વાઘ માટે સફારી પાર્ક બનાવાશે. વનપ્રધાન ગણપત વસાવાએ આ પાર્કની મંજૂરી વિશે જણાવવા સાથે આંબરડીમાં સફારી પાર્કમાં વધુ સિંહ વસાવવાની દરખાસ્તને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હોવાની માહિતી આપી હતી. મહત્વની વાત એ પણ છે કે વર્ષ 2018માં ગીરની દલખાણીયા રેન્જમાં એક સાથે 11 સિંહોના મૃત્યુ થતા હાંહાકાર મચી ગયો હતો અને બાદમાં સિંહના મૃત્યુઆંકમાં વધારો પણ થયો હતો.શાપર-વેરાવળ મગફળી ગોડાઉનમાં આગ

શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નાફેડની મગફળી રાખવા ભાડે રખાયેલા ગોડાઉનમાં આગ લાગતાં ૨૮,૦૦૦ ગુણી મગફળીનો જથ્થો રાખ થઈ ગયો હતો. આગ લાગ્યાની જાણ થતાં કલેકટર રાહુલ ગુપ્તા ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ૨૮,૦૦૦ ગુણી મગફળી તેમાં રાખેલી હતી. આગ ક્યા કારણસર લાગી હતી તેનું કારણ શોધવા તપાસ થઈ હતી. નાફેડ અને સરકાર વચ્ચે આ મુદ્દો ભારે વિવાદનો બની રહ્યો હતો. ભાજપ સાથે સંકળાયેલાં લોકો આ કાંડમાં સંકળાયેલાં હોવાથી વિપક્ષ દ્વારા આ કૌભાંડને લઇને આક્ષેપોનો મારો ચાલ્યો હતો.


વડોદરામાં ગુરુગ્રામવાળીઃ સહપાઠીએ કરી વિદ્યાર્થીની હત્યા

દેશભરમાં ચકચાર જગાવનાર ગુરુગ્રામની શાળામાં પ્રદ્યુમ્ન નામના વિદ્યાર્થીની હત્યા હજુ લોકો ભૂલ્યાં નથી, તેવી જ એક ઘટના સંસ્કાર નગરી વડોદરામાં બની હતી જ્યાં શાળામાં વિદ્યાર્થીની હત્યા સહપાછી વિદ્યાર્થીએ કરી હતી. ધોરણ 9માં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થી દેવ તડવીની સ્કૂલના જ બે વિદ્યાર્થીઓએ હત્યા કરતાં શહેરભરમાં ખળભળાટ મચી ગયો હતો.. એફએસએલને ઘટનાસ્થળેથી તપાસમાં સ્કૂલના પાછળના ભાગેથી બે બેગ મળી આવી હતી. એક બેગ વિદ્યાર્થીની હતી જેમાંથી પુસ્તકો મળી આવ્યાં હતાં. જ્યારે અન્ય બેગમાંથી મટન કાપવાનો કોયતો, છરી, પંચ, મરચાની ભૂકી અને લોહીવાળો શર્ટ મળી આવ્યો હતો.


સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ; પીએમ મોદીનું સ્વપ્ન સાકાર

કેવડીયામાં 31 ઓક્ટોબર 2018ના રોજ એટલે કે સરદાર પટેલની જન્મ જયંતિના દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. આ સ્મારકના નિર્માણથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમાના નિર્માણનો સંકલ્પ સાકાર થયો હતો. વિશ્વની સૌથી ઊંચી એવી કાંસ્ય આચ્છાદિત પ્રતિમાની ઊંચાઈ ૧૮૨ મીટર છે. સરદાર સરોવર પ્રોજેક્ટથી માંડીને આસપાસનો કુદરતનો શ્રેષ્ઠ નજારો નિહાળી શકાય તે માટે આ પ્રતિમામાં ૧૩૫ મીટરની ઊંચાઈએ ૨૦૦ વ્યક્તિઓને સમાવતી દ્રશ્ય ગેલેરીનું પણ નિર્માણ કરાયું છે. પ્રતિમાની અંદર દ્રશ્ય ગેલેરી સુધી જવા માટે એક મીનીટમાં ૨૪૦ મીટરની ઝડપથી ઊંચે ચડતી ૨૪ વ્યક્તિઓને સમાવતી અતિ ઝડપી એવી બે લિફ્ટનું નિર્માણ કરાયું છે. દ્રશ્ય ગેલેરી મુલાકાતીઓ માટે અતિ રોમાંચક ક્ષણ બની રહે છે.


ઓવરલોડેડ બસ 10 વિદ્યાર્થીઓને ભરખી ગઈ

ડાંગ જિલ્લામાં પ્રવાસે જઈ રહેલ વિદ્યાર્થીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી હોવાની ગમખ્વાર ઘટના બની હતી.  સૂરત અમરોલી વિસ્તારના એક ટ્યૂશન ક્લાસીસના વિદ્યાર્થીઓ આ ઘટનાનો ભોગ બન્યાં હતાં. બસમાં આશરે 50 બાળકો સવાર હતાં. પ્રાથમિક માહિતી મુજબ 3 વિદ્યાર્થીના મોતના ખબર હતાં તેમાં વધારો થઈને કુલ 10 વિદ્યાર્થીઓના મોતની હોસ્પિટલ તંત્રે પુષ્ટિ કરી હતી.  તમામને આહવાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જેમાંથી  બાળકોની હાલત ગંભીર હોવાથી તેમને સૂરત ખસેડાયાં હતાં. આ ઘટનાને પગલે સરકારે શાળાકોલેજોના વિદ્યાર્થીઓના રાત્રિપ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.


260 કરોડના કૌભાંડે પોલીસ, નેતા અને પત્રકારોને સાણસામાં લીધાં

ગુજરાતમાં મોટી ઠગાઈનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પતિપત્ની 260 કરોડ રુપિયાનું કૌભાંડ આચરી ફરાર થઈ ગયાં હતા. આ બન્ટીબબલી પતિપત્ની એકના ડબલની લાલચ આપી છેતરપિંડી આચરી હતી. વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવીએ શહેરના થલતેજ વિસ્તારમાં પોતાની ઓફિસ ખોલી હતી અને ત્યાંથી ઠગાઈનો મોટો કારોબાર ચલાવતાં હતાં. ત્યારબાદ વિનય શાહ તેની એક મીત્ર સાથે નેપાળથી ઝડપાઈ ગયો હતો. તો આ સાથે જ તેની પત્ની ભાર્ગવી શાહે સરેન્ડર કર્યું હતું.


 LRD પેપર લીક, 8 લાખ પરીક્ષાર્થીઓને રઝળાવ્યાં

લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક થતા ખળભળાટ મચી ગયો હતો અને પરીક્ષા રદ કરવામાં આવી હતી આ પેપર લીકની તપાસમાં ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી હતી. તપાસનીસ એજન્સીએ દિલ્હી, મધ્યપ્રદેશના સૂત્રધારો, મહિલા સહિત ડઝન જેટલી વ્યક્તિઓની ધરપકડ કરી આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.