બીજા તબક્કાનો ચૂંટણીપ્રચાર શાંત, 14મીએ 93 બેઠક પર મતદાનપ્રક્રિયા થશે

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર આજે સાંજે 5 વાગે બંધ થઇ ગયો છે. ત્યારે છેલ્લી ઘડી સુધી આજે દરેક વિધાનસભામાં ક્ષેત્રમાં ચૂંટણી લડતા ઉમેદવારો રોડ શો કરવામાં વ્યસ્ત રહ્યાં હતાં. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કામાં તા.9 ડિસેમ્બરે 89 બેઠકનું મતદાન પૂર્ણ થયું 14 ડિસેમ્બરે બીજા તબક્કાની 93 બેઠકો માટે મતદાન યોજાનાર છે.

File pic

બીજા તબક્કામાં કુલ 14 જિલ્લામાં મતદાન યોજાનાર છે. આ જિલ્લાના નામો તરફ એક નજર કરીએ તો આ પ્રમાણે છે.

(1) અમદાવાદ (2) બનાસકાંઠા  (3) પાટણ (4) મહેસાણા (5) સાબરકાંઠા (6) અરવલ્લી (7) ગાંધીનગર (8) આણંદ (9) ખેડા (10) મહીસાગર (11) પંચમહાલ (12) દાહોદ  (13) વડોદરા (14) છોટા ઉદેપુર.
આ તબક્કામાં 93 બેઠકો પૈકી 21 બેઠકો અમદાવાદ શહેર અને જિલ્લાની છે. બનાસકાંઠાની 9 બેઠકો છે, પાટણમાં 4 બેઠકો છે, મહેસાણામાં 7 બેઠકો છે, સાબરકાંઠામાં 4 બેઠકો છે, અરવલ્લીમાં 3 બેઠકો, આણંદમાં 7 બેઠકો, ખેડામાં 6 બેઠક, મહીસાગરમાં 3 બેઠકો, પંચમહાલમાં 5 બેઠકો, દાહોદમાં 6 બેઠકો, વડોદરામાં 10 બેઠકો અને છોટા ઉદેપુરમાં 3 બેઠકોનો સમાવેશ થાય  છે.  આ 93 બેઠકો ઉપર 14 ડિસેમ્બરના રોજ કુલ 2, 21, 64, 644, મતદારો મતદાન કરશે. આમાં મુખ્યત્વે અમદાવાદ અને વડોદરા બે મુખ્ય શહેરોનો મૂડ કેવો છે તેના પર આધાર મોટો રહેશે.
એક રસપ્રદ વાત કરીએ તો આ વખતની ચૂંટણીમાં બંને મુખ્ય રાજકીય પક્ષોએ મોટી ઉંમરના ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યાં છે. જેમાં ભાજપ તરફથી ઊંઝા મતવિસ્તારમાં વર્તમાન ધારાસભ્ય નારાયણભાઈ પટેલ અને કોંગ્રેસ પક્ષે છોટાઉદેપુર બેઠક ઉપરથી વિરોધ પક્ષના નેતા મોહનસિંહ રાઠવાને ચૂંટણી જંગમાં ઉતાર્યાં છે.

6 બૂથ ુપ 14મીએ યોજાશે ફેરમતદાન

જામનગરમાં આગામી 14 તારીખે માનપર અને ગુંદડા બૂથ પર ફરીથી મતદાન થશે. ઇલેક્શન કમિશને ટેકનિકલ ખામી દર્શાવી ફરીથી મતદાનના આદેશ આપ્યા છે. તેમ જ નિઝરના ચોરવાડ બૂથ પર પણ 14મીએ ફેરમતદાન થશે, 9મીએ પોલિંગ એજન્ટ મોક પોલ કરવાનું ભૂલી ગયાં હતાં. કુલ 6 બૂથ પર ફેરમતદાન કરવાના આદેશ આપવામાં આવ્યાં છે.