યુવાન રહેવું કોને ના ગમે? કોઈને ઘરડા થવું જ નથી. યુવાની કાળ કેટલો રોમાંચક હોય છે. શરીરમાં ભરપૂર શક્તિ, મનમાં સ્વપ્નાઓના ઘોડા થનગનતા હોય, દિલો દિમાગમાં આનંદ, પ્રફુલ્લિતતા, ઉત્સાહ, ભર્યા હોય છે. જે ધારો તે કરી શકો. પર્વત, ટેકરી કે દરિયા કિનારે ફરવા જવું હોય તો બસ, નક્કી કર્યું ને ભાઈબંધો સાથે નીકળી પડ્યા. ગમે તે ખાવા-પીવાનું ભલે પછી તે રસ્તાની લારીઓનું હોય. ભારેમાં ભારે ખોરાક પચાવવાની શક્તિ યુવાનોમાં હોય છે, તો બીજું શું જોઈએ.
કહેવાય છે ને કે આ સમય પણ એક દિવસ જતો રહેશે, બસ એમ જ એક સમયે યુવાની પણ જતી રહેશે. પછી આવશે વૃદ્ધાવસ્થા જેમાં શરીરના દુખાવા વધશે, શરીરમાં જોઈએ એટલી શક્તિ નહીં રહે, અખરોટ કે સીંગ ખાઈ નહીં શકાય કારણ કે દાંત મજબૂત નહીં હોય, મનમાં આવતા વિચારો પ્રમાણે શરીર નહીં ચાલે, શક્તિ ક્ષીણ થતી હોય એવું લાગશે. બહારનું બહુ ખાઈએ તો માંદા પડી જવાશે, ઉત્સાહ ઉમંગની ખામી વર્તાશે. પહેલા સવારે ઊઠીને બહાર ગામ ઉપડી જતા હતા, એ હવે પેટ સાફ થયું કે નથી થયુ? એની સમસ્યાને લઈને બધા પ્લાન બદલવા પડશે.
કિંતુ જો તમારી ઉંમરનો આંકડો ભલે 55, 60, 65 કે 70 એમ વધતો જાય પરંતુ મનની ઉંમર, શક્તિની ઉંમર, ઉત્સાહની ઉંમર 35 કે 40 રાખવી હોય તો આયંગર યોગ કરવા પડે. Anti Ageing Meditation કરવું. છે ને રસ પડે એવી વાત! આ બધું શક્ય છે, કોઈ વાર્તા નથી કે નથી કોઈ ફેન્ટસી, તમારે યુવાન રહેવું છે તો આ યોગની નવી પદ્ધતિને અપનાવીને Anti Ageing Meditation કરવું જોઈએ.
પહેલા થોડા સાયન્ટિફિક કારણો સમજીએ…
આપણી અંદર 1૦,૦૦૦,૦૦૦,૦૦ જેટલા શેલ છે. વારસામાં જે જીન્સ આપણને મળ્યા છે એ જ DNA કહેવાય. તમારું મન, તમારું મગજ જે વિચારે એ જીન્સ તરત સમજી ને એને અનુરૂપ વર્તવાનું શરૂ કરે છે. ધારો કે મારા દાદા કે મારા પપ્પાને ડાયાબિટીસ હોય અને હું વિચારુ કે એ જીન્સ મારામાં છે. તો મને તો ડાયાબિટીસ થશે. તો મને ડાયાબિટીસ થશે જ. પરંતુ હું મારી લાઈફને યોગ Positivity, પ્રકૃતિ પ્રમાણે ખોરાક લઈ, ક્યારેય ના વિચારુ કે મને ડાયાબિટિસ થશે. તો મને ડાયાબિટીસ નહીં જ થાય.
પેલો એક શબ્દ તમે સાંભળ્યો હશે “PLACIBO” એ શું છે. એ જાદુઈ ચાવી છે. બસ આવું જ યુવાન રહેવા માટે કરવાનું છે. ઉંમર ઉંમરનું કામ કરશે આપણે આપણી પ્રવૃત્તિ ચાલુ રાખવાની તો શરીર અને મન સારું રહે.
હવે વાત કરીએ Anti Ageing Meditation વિશે…
ધારો કે તમે કોઈ સરસ મજાના મહેલના એક મોટા ઓરડામાં ગયા, આખો ઓરડો ખાલી છે અને સામે સુંદર રોબોટ ઊભો છે જેમાં લાલ-લીલી-સફેદ સ્વીચો છે. એમાં લીલી છે એ પ્રેસ કરવાથી તમે ધારો એ કામ તમારા શરીર પાસેથી લઈ શકો છો. તો હવે આપણે એવું કરીએ રોબોટની જગ્યાએ તમને મૂકી દઈએ. એક સરસ મજાનો સિંહાસન છે એના પર તમને બેસાડીએ. હાથમા લીલી સ્વીચ આપીએ અને કહીએ એક વાક્ય મનમાં બોલો કે I Am Fit & Fine ને લીલી સ્વીચ દબાવો. તરત શરીરની અંદરના સ્ત્રાવોમાં ફેરફાર થવા માંડશે. ફરી લીલી સ્વીચ દબાવો અને બોલો મારું મન શાંત થતું જાય છે અને ફરી શરીરમાં ફેરફારો થવા લાગ્યા. લીલી સ્વીચ દબાવો અને બોલો મારામાં શક્તિનો સંચાર થતો જાય છે. ફરી સ્વીચ દબાવો અને બોલો હું યુવાન થતો જાઉં છું બસ શરીરમાં ફેરફારો થવા માંડે છે. રોજ પાંચથી દસ મિનિટ આ રીતનું મેડીટેશન કરવાનું છે. બે મહિના સતત કરો તો તમારી સ્કિન ટાઇટ થઇ જશે, તમારા સાંધા મજબૂત થશે, તમારામાં શક્તિનો સંચાર થવા માંડશે.
હવે, ધારો કે તમે લીલી ને બદલે લાલ સ્વીચ દબાવી અને તમારા મનના વિચારો એવું કહેશે કે મને બહુ ચિંતા થાય છે, મને ઘડપણથી ડર લાગે છે. મારી ANXIETY વધી જશે, દુખાવા વધશે, મારી નિરાશા વધશે. આ લાલ સ્વીચ એનું કામ કરશે અને તમે જે વિચારો છો એ તમને આપશે. જે વિચાર વારે વારે આવ્યા કરે તો બસ એવું જ થશે. કારણકે તમે એના ઉપર ફોકસ કરો છો. કઈ સ્વીચ દબાવો છો એ અગત્યનું છે. બસ જે SWITCH દબાવો અને જે વિચારો એવું જ પરિણામ આવે તમને ખબર છે. યુનિવર્સ બ્રહ્માંડ આપણા માટે છે. આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે છે. આપણે જે સ્વીચ દબાવીશું બ્રહ્માંડમાં એવો જ સંદેશો જશે અને એ એવું જ આપણને આપશે તો બોલો Anti Ageing Meditationમાં તમે કઈ સ્વીચ દબાવશો લીલી? કે લાલ?
(હેતલ દેસાઇ)
(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)