દરિયામાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ કરનારામાં ચીન, ભારત અને ઇન્ડૉનેશિયા મોખરે

રિયામાં પ્લાસ્ટિકના પ્રદૂષણની સમગ્ર વિશ્વમાં ભરતી આવી છે. તે આંતરરાષ્ટ્રીય  કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે તેમ પર્યાવરણવાદીઓ કહે છે. તેઓ આ સમસ્યાનો ઉકેલ લાવવા નવી વૈશ્વિક સંધિનો આગ્રહ રાખી રહ્યાં છે.

પરંતુ રૉયલ જ્યૉગ્રાફિકલ સૉસાયટીની પરિષદમાં આજે રજૂ થનારા એક નવા અહેવાલમાં કહેવાયું છે કે પ્લાસ્ટિક દરિયામાં નાખવું તે હાલની સમજૂતીઓ અનુસાર પણ પ્રતિબંધિત છે જ. આ અહેવાલમાં સરકારોને જે લોકો આ મુદ્દે ગંભીરતાથી નથી વર્તી રહ્યા તેમના પર કાયદાકીય દબાણ લાવવા અનુરોધ કરે છે. આ પત્ર પીઢ પર્યાવરણવાદી પત્રકાર ઑલિવર ટિકેલે લખ્યો છે અને તેને આયરિશ વૈજ્ઞાનિકોએ એક અભ્યાસમાં પ્રકાશિત કર્યો છે. આ અહેવાલમાં તેમને જણાયું છે કે માઇક્રોપ્લાસ્ટિક નમૂના લેવાયેલા વાયવ્ય ઍટલાન્ટિકમાં દર ચાર ઊંડા પાણીમાંથી ત્રણમાં જડી આવે છે.ટિકેલના મુખ્ય તારણને ક્લાયન્ટ અર્થ નામના એક જૂથનું પણ સમર્થન છે. ક્લાયન્ટ અર્થ એક કાનૂની જૂથ છે જેણે યુકે સામે વાયુ પ્રદૂષણના કાયદાઓનું અનુપાલન કરવામાં નિષ્ફળતા મુદ્દે કેસ કર્યો હતો અને તેમાં તેણે જીત મેળવી હતી.

પત્રકાર ટિકેલ કહે છે કે કે ચીન, ભારત અને ઇન્ડોનેશિયા જેવા મોટા પ્રદૂષકો સામે કાયદાકીય પગલાં માત્ર એક દેશ દ્વારા જ લઈ શકાય છે. આથી તે સરકારો અને પર્યાવરણવાદી જૂથોને પ્લાસ્ટિકના પ્રદૂષણથી પીડિત એવા નાના ટાપુ રાષ્ટ્રોને ટેકો આપવા અનુરોધ કરે છે.

ટિકેલ કહે છે કે દરિયામાં પ્લાસ્ટિકના પ્રદૂષણ પર નિયંત્રણ માત્ર દરિયા પર કાયદા અંગે સંયુક્ત રાષ્ટ્રોના ઘોષણાપત્ર (UNCLOS), લંડન ઘોષણાપત્ર, મારપોલ, ઘોષણાપત્ર, બેઝલ ઘોષણાપત્ર, કસ્ટમરી લૉ અને બીજા અનેક પ્રાદેશિક સમજૂતીઓ દ્વારા જ કરી શકાય છે. સંયુક્ત રાષ્ટ્રોના ઘોષણાપત્રની કલમ ૧૯૪ મુજબ, રાષ્ટ્રોએ કોઈ પણ રીતે દરિયાના વાતાવરણના પ્રદૂષણને અટકાવવા, ઘટાડવા અને નિયંત્રિત કરવા જરૂરી છે.

“આ પગલામાં પૂરેપૂરી રીતે શક્ય હદ સુધી પ્રદૂષણ ઘટાડવા માટે ઘડાયેલાં પગલાં, ઝેરી તત્ત્વોને છોડવાનું અટકાવવું, હાનિકારક કે ઈજાકારક તત્ત્વો, ખાસ કરીને જે દીર્ઘસ્થાયી હોય, જે જમીન આધારિત સ્રોતો હોય, તેમને અટકાવવા માટેનાં પગલાંનો સમાવેશ થાય છે. તેમાં નાજુક પરિતંત્ર તેમજ નામશેષ થતી, જોખમમાં મૂકાયેલી પ્રજાતિઓના નિવાસ, તથા દરિયાઈ જીવનના અન્ય રૂપોની સુરક્ષા તથા જાળવણી માટેનાં પગલાંનો પણ સમાવેશ થાય છે.”

ટિકેલ ઉમેરે છે: “દરિયામાં પ્રદૂષણ અંગે તમામ કવાયત છતાં તે ખરેખર તો ગેરકાયદે છે તે હકીકતનો ભાગ્યે જ ઉલ્લેખ થાય છે. દુઃખની વાત એ છે કે બહુ ઓછાં રાષ્ટ્રો તેમણે દાખવેલી પ્રતિબદ્ધતાનું પાલન કરે છે.” તેઓ કહે છે કે કાયદાનો ભંગ કરનારાઓને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં લઈ જવા જોઈએ અને વળતર ચુકવવા આદેશ આપવો જોઈએ. પરંતુ ટિકેલ ચેતવે છે કે અમલ અઘરો છે કારણકે માત્ર રાષ્ટ્રો જ કેસ કરી શકે છે. તેઓ માને છે કે નાના ટાપુઓ દરિયાઈ પ્લાસ્ટિક પ્રદૂષણની સૌથી ખરાબ અસરોથી પીડિત છે. પરંતુ તેઓ આ સમસ્યા માટે જવાબદાર વધુ શક્તિશાળી દેશોની સાથે સંઘર્ષમાં ઉતરતા ડરે છે. ટિકેલ અનુસાર ચીન, ભારત અને ઇન્ડૉનેશિયા સૌથી વધુ ખરાબ અપરાધી છે. ક્લાયન્ટ અર્થના એક પ્રવક્તાએ કહ્યું કે વર્તમાન આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ, રાષ્ટ્રોની દરિયામાં પ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવવા, નિયંત્રિત કરવા અને ઘટાડવાની ફરજ છે. નવું ઘોષણાપત્ર વધુ ચોક્કસ પગલાં લાદી શકે છે, પરંતુ વધુ સારા ઉપયોગ માટે મૂકી શકાય તેવા નવી આંતરરાષ્ટ્રીય સમજૂતી માટે રાજકીય ઊર્જા જરૂરી છે.  રાષ્ટ્રીય સ્તરે પગલાં માટે નવી આંતરરાષ્ટ્રીય સમજૂતી માટે વાટાઘાટ આવશ્યક નથી. જોકે ચીન સરકારના પ્રવક્તાનું કહેવું છે કે ચીને દરિયામાં પ્લાસ્ટિકની સમસ્યાને હલ કરવા શ્રેણીબદ્ધ કાયદા અને નિયમનોનો અમલ કર્યો છે.