ભાવિનીએ ઘડિયાળમાં જોયું. બપોરે બે વાગ્યા હતા. થોડીવાર પહેલા જ કોલેજથી આવીને તેણે રસોડામાં જઈને જમવાનું ગરમ કરવાની તૈયારી શરુ કરી હતી. ભાવિનીની કોલેજ સવારની હતી.
તેના મમ્મી પપ્પા પાંચ વાગ્યે આવવાના હતા. તેઓ બંને હાઈસ્કૂલમાં શિક્ષક હતા. તેમની શિફ્ટ બપોરની હતી.
ભાવિનીએ જલ્દીથી પોતાનું ભોજન પતાવ્યું અને પછી વાસણ સાફ કરીને નાહવા જતી રહી. નાહતી વખતે તેણે બાથરૂમના અરીસામાં ધ્યાનથી પોતાનું પ્રતિબિંબ જોયું. સુંદર ગોળ ચેહરો, વાંકળિયા વાળ, રૂપાળો રંગ અને ન બહુ પાતળું કે ન બહુ જાડું એવું ભરાવદાર શરીર. કોલેજના પહેલા વર્ષમાં આવેલી ભાવિની ખાધે પીધે સુખી અને સ્વભાવે શાંત એટલે શરીર સારું વિકસેલું. સત્તરની ઉંમરે તે એકવીસ જેવી યુવાનીએ પહોંચી ગયેલી. એટલા માટે જ તો તેની કોલેજમાં આવેલી નવી છોકરીઓ કે જે સાવ શાળાએ જતી હોય તેવી નાની નાની લગતી હતી તેની સામે પોતે સુંદર યુવતી તરીકે અલગ તરી આવતી હતી.
તેની આ સુંદરતા અને યુવાનીને કારણે જ તો વરુણે તેને પસંદ કરી હતી. હજી તો કોલેજમાં માંડ ત્રણ મહિના થયા હતા કે થર્ડ યરના સ્ટુડન્ટ વરુણનું ધ્યાન ભાવિની પર પડેલું. વરુણ હેન્ડસમ હતો. દેખાવડો હતો અને આખા કોલેજની બધી જ છોકરીઓ તેને પસંદ કરતી હતી. તે કોલેજનો પ્રેસિડેન્ટ પણ હતો.
તેમ છતાંય ભાવિનીએ તરત જ વરુણને ભાવ નહોતો આપેલો. ધીમે ધીમે તેને ખબર પડી હતી કે વરુણ ભણવામાં ખુબ તેજ અને ડિસિપ્લિન વાળો છોકરો છે અને હંમેશા કોલેજમાં ટોપ કરે છે. તેને એ પણ જાણવા મળેલું કે ત્રણ વર્ષમાં વરુણે આજ સુધી કોઈ જ છોકરી સાથે ફ્રેન્ડશીપ કરી નહોતી. સૌની સાથે વાત જરૂર કરતો પરંતુ કોઈ યુવતી સાથે નજીકના સંબંધ બનાવેલા નહોતો.
‘લકી યુ.’ માધુરીએ ભાવિનીને ચીડવતા કહેલું.
‘પણ તું તો વરુણની સાથે જ છો ને ત્રણ વર્ષથી? શું એવું ક્યારેય ન બન્યું કે વરુણે બીજી છોકરીને પસંદ પણ કરી હોય?’ ભાવિનીએ તેની સિનિયરને પૃચ્છા કરતા કહેલું.
‘ના, હું વરુણને ખુબ સારી રીતે ઓળખું છું. સારો છોકરો છે. આંખ બંધ કરીને હા પાડી દે. એ તારો ફાયદો ક્યારેય નહિ ઉઠાવે. સંસ્કારી ઘરનો છે.’ માધુરીએ ભાવિનીને ખાતરી આપેલી.
આ બધી વાતોથી સંતુષ્ટ થયા પછી જ વરુણને સંમતિ આપેલી કે તે ફ્રેન્ડશીપ માટે વિચાર કરશે. ત્યારબાદ બંને વચ્ચે કોફીશોપમાં મળવાનું શરુ થયેલું અને ધીમે ધીમે તેઓ ગાર્ડનમાં, પાર્કમાં, રેસ્ટોરન્ટમાં અને ક્યારેક ફિલ્મમાં મળવા લાગેલા. ત્રણ મહિનાનો સમય આમ તો વધારે ન કહેવાય પરંતુ તેમની વચ્ચે સ્નેહનો તાંતણો ખુબ મજબૂત બંધાઈ ગયો હતો અને તેમની એકબીજા પ્રત્યેની પ્રીતિ અને આકર્ષણ અતૂટ બન્યા હતા.
આજે ભાવિની નાહવા ગઈ ત્યારે પોતાને અરીસામાં વધારે સારી રીતે નિહાળી રહી હતી. નાહીને વાળ સુકવ્યા અને પછી પોતાના ઘરેણાં પહેર્યા. અલમારીમાંથી કોટનનો સફેદ રંગનો સુંદર કુર્તો કાઢ્યો. ગળામાં થયેલી ગુલાબી રંગની ભરતકામની ડિઝાઇન શોભી રહી હતી. બ્લેક સ્કર્ટ પહેર્યું અને પછી ઘરમાં પહેરવાના ચપ્પલને બદલે કમ્ફર્ટેબલ એવા સેન્ડલ કાઢીને તેને પહેર્યા. તૈયાર થયા બાદ ફરીથી તેને અરીસામાં પોતાની જાતને આખી નિહાળી. આજે પોતાની સરળતામાં છુપાયેલી સુંદરતા જોઈને તે ખુદ પણ મોહી પડી. આજે તો તેને સુંદર લાગવાની જરૂર હતી જ. વરુણ તેને ઘરે મળવા આવવાનો હતો. બંને સાથે થોડી રોમેન્ટિક ક્ષણો વિતાવવાના હતા.
મનમાં વરુણના વિચારો કરતા ભાવિનીએ ફરીથી ઘડિયાળમાં જોયું. ત્રણ વાગીને વિસ મિનિટ થયા હતા. ડોરબેલ વાગ્યો. વરુણ આવી ગયો લાગે છે. ભાવિની ત્વરિત તેમ છતાંય શરમાતા શરમાતા દરવાજા સુધી પહોંચી. વરુણને કેવી રીતે આવકારશે તેનો વિચાર કરતા તેણે દરવાજો ખોલ્યો.
બહાર કોઈ નહોતું. ભાવિનીને આશ્ચર્ય થયું. તેણે દરવાજો અંદરથી બંધ કર્યો અને પછી બેઠકમાં આવીને હિંડોળા પર બેઠી. હાથમાં ટીવીનું રિમોટ લીધું અને બટન દબાવવા ગઈ હતી કે ફરીથી દરવાજાની ઘંટડી વાગી.
‘વરુણ જ હશે. મજાક કરીને છુપાઈ ગયો હશે. હમણાં વારો કાઢું છું એનો.’ વિચારતા ભાવિની ફરીથી દરવાજા પાસે ગઈ અને ઝટકાથી આખો દરવાજો ખોલ્યો.
‘વરુ….’ ભાવિની એટલું બોલી રહી ત્યાં તો તેના ચેહરા પર ધાડ કરતો જબરદસ્ત મુક્કો પડ્યો.
તેની આંખે અંધારા છવાઈ ગયા. તેણે સમજમાં ન આવ્યું કે શું થયું. એક બે સેકન્ડ થઇ હશે કે ફરીથી તેના કપાળ પર ધડામ દઈને કોઈને મુક્કો માર્યો. ભાવિની લથડિયું ખાઈને જમીન પર પટકાઈ પડી. તેવામાં બે છોકરા દરવાજામાં ઘુસી ગયા અને ભાવિનીના ગળામાંથી ચેન ખેંચીને વીજળીવેગે ભાગી ગયા. આ બધું ચાર પાંચ સેકન્ડમાં બની ગયું. ભાવિનીને કઈ સમજાય અને તે પોતાને સાંભળે ત્યાં સુધીમાં તો તેનો સોનાનો ચેન છીનવાઈ ગયો હતો. બહાર બાઈકની ઘર્રાટી તેણે સંભળાઈ અને કોઈ ઝડપથી ત્યાંથી નાસી જતું હોય તેનો અહેસાસ થયો.
વરુણને આવવાને હજી વાર હતી પરંતુ તેની રાહ જોતી ભાવિની સાથે દુર્ઘટના બની ગઈ હતી.
અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ ભારતીય હાઈ કમિશન, કેન્યામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)