લડાઈ ટાળો, પર્યાવરણ બચાવો

શસ્ત્ર સંઘર્ષ એ વર્તમાન પેઢી માટે ચિંતાનો વિષય તો હોય જ છે પરંતુ સાથે નવી પેઢી માટે પણ ચિંતાનો વિષય હોય છે કારણ કે તેની અસર પર્યાવરણ પર ભારે વિનાશકારી હોય છે. સશસ્ત્ર સંઘર્ષની અસર ઓછી કરવા માટેના આંતરરાષ્ટ્રીય દિવસની શરૂઆત કરતાં સંયુક્ત રાષ્ટ્રોના મહાસચિવ ઍન્ટૉનિયો ગુટેર્રેસે કહ્યું હતું કે આપણે એ સમજી લેવાની જરૂર છે કે લડાઈમાં પર્યાવરણ પણ ભોગ બને છે.તેમણે કહ્યું હતું કે “લડાઈના કારણે હોય કે સરકાર સામે બળવો, પર્યાવરણને ભારે નુકસાનથી લોકોના આરોગ્ય અને સુખાકારી પર વિનાશકારી અસર થતી હોય છે..આ નવી સમસ્યા નથી પરંતુ આ સમસ્યા દાયકાઓ સુધી ટકી શકે છે.” ગુટેર્રેસે લડાઈ તથા સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણનું દોહન અટકાવવા માટેના આંતરરાષ્ટ્રીય દિવસ પર એક સંદેશમાં આમ કહ્યું હતું.

“પહેલાં વિશ્વ યુદ્ધમાં વપરાયેલા દારૂગોળાના કારણે ભારે ધાતુનું જે પ્રદૂષણ થયું હતું તેનાથી યુરોપના અનેક વિસ્તારો આજે પણ અસરગ્રસ્ત છે.”

ઉલ્લેખનીય છે કે અમેરિકા-વિયેતનામ લડાઈમાં પણ અમેરિકાએ કુદરતી સંસાધનોને લક્ષ્ય બનાવ્યાં હતાં. અમેરિકાની સેનાએ ૨ કરોડ ગેલનથી પણ વધુ તૃણનાશક (હર્બિસાઇડ)નો ઉપયોગ શાકભાજી પર કર્યો હતો, જેથી વન સમાપ્ત થાય અને તો વિયેતનામના લશ્કર પર નિશાન સાધવું સરળ બને કારણકે તે વિશાળ શાકભાજીમાં છુપાઈને અમેરિકા પર પ્રહાર કરતું હતું. આનાથી માત્ર શાકભાજી પર જ અસર નહોતી થઈ પરંતુ વન્યજીવન પર પણ મોટા પાયે અસર થઈ હતી.

પોતાના સંદેશમાં મહા સચિવે કુદરતી સંસાધનોને વહેંચીને તેનું પ્રબંધન કરવામા આવે તો તેનાથી દેશો વચ્ચે સંબંધો સારા જળવાઈ રહે છે અથવા સુધરે છે તેવું નોંધવાની સાથે કહ્યું હતું કે લડાઈ અટકે એટલે લોકો માટે તેમની જિંદગી ફરીથી નિર્માણ કરવા માટે સારા પર્યાવરણની જરૂર પડે છે. ટકાઉ વિકાસ માટે પર્યાવરણ અને કુદરતી સંસાધનોનું મહત્ત્વ જોતાં, સંયુક્ત રાષ્ટ્રોના વડાએ સંઘર્ષોના લીધે થતા નુકસાનને ઘટાડવા માટે અને તેની રક્ષા માટેનાં પગલાં લેવા અનુરોધ કર્યો હતો.

તેમણે દૃઢતાપૂર્વક કહ્યું હતું કે “સંયુક્ત રાષ્ટ્રો શાંતિ, સુરક્ષા અને ટકાઉ વિકાસના મહત્ત્વના સ્તંભ તરીકે પર્યાવરણની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.”

સંયુક્ત રાષ્ટ્રોના પર્યાવરણ કાર્યક્રમ (યુએનઇપી) મુજબ, કુદરતી સંસાધનોના મુદ્દે સંઘર્ષો એ આજના સંઘર્ષરત્ વિશ્વ સમક્ષ મહાન પડકારો પૈકીના એક છે જેનાથી માનવજાતની સુરક્ષાને ગંભીર ખતરો રહેલો છે.

વધુમાં ગત ૬૫ વર્ષમાં તમામ આંતરિક સશસ્ત્ર સંઘર્ષમાં ઓછામાં ઓછા ૪૦ ટકા સંઘર્ષનું કુદરતી સંસાધનનું અગત્યનું પરિમાણ રહેલું છે. ૧૯૮૯થી ૩૫થી વધુ સશસ્ત્ર સંઘર્ષો માટેના નાણાં સંઘર્ષ માટેના જે સંસાધનો હતાં તેમાંથી થતી આવકમાંથી પૂરાં પાડવામાં આવ્યાં હતાં. એવી આશંકા રહેલી છે કે આવનારાં વર્ષોમાં ખરાબ આબોહવાનો તણાવ હિંસાત્મક સંઘર્ષનું જોખમ બમણું કરી શકે છે. જોકે આ જોખમો છતાં પર્યાવરણ અને શાંતિનિર્માણને જોડતી અગત્યની તકો પણ રહેલી છે તેવું આ યુએનઇપીમાં ઉમેરાયેલું છે.

યુએનઇપીના કાર્યકારી નિર્દેશક એરિક સોલ્હૈમ કહે છે કે “શાંતિ અને સમૃદ્ધિને આગળ વધારવા પર્યાવરણ પર સહકારની શક્તિને આપણે ભૂલવી ન જોઈએ.”

એન્વાયરન્મેન્ટ લૉ ઇન્સ્ટિટ્યૂટ, કૉલમ્બિયા યુનિવર્સિટી ખાતેનું અર્થ ઇન્સ્ટિટ્યૂટ, ડ્યુક યુનિવર્સિટી અને ઇર્વિન ખાતેની યુનિવર્સિટી ઑફ કેલિફૉર્નિયા સાથે હાથ મેળવીને આજે યુએનઇપીએ પર્યાવરણની સુરક્ષા અને ટકાઉ શાંતિ એવો ઑનલાઇન કૉર્સ પણ ચાલુ કર્યો હતો. તેનો હેતુ ૧૦,૦૦૦ પર્યાવરણવિદોનો સમુદાય બનાવવાનો છે જે વૈશ્વિક સહકાર માટે કુદરતી સંસાધનોને કારણભૂત બનાવી શકે. આ કૉર્સમાં કુદરતી સંસાધનોમાંથી પ્રાપ્ત ચીજોથી લઈને જમીન અને પાણી સુધીના કુદરતી સંસાધનોની વિશાળ શ્રેણી આવરી લેવાઈ છે. આ ઉપરાંત સાધનો, સંઘર્ષોમાંથી અભિગમ, લિંગ સંવેદનશીલતાથી લઈને આકલન, ધ્યાન અને અવકાશ આયોજન સુધીની શ્રેણીનો પણ તેમાં સમાવેશ થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]